Abtak Media Google News

કચેરીનાં કામ માટે આવેલા અરજદારને નાયબ મામલતદારે ધડાધડ ફડાકા ચોડી દેતા વિવાદનાં એંધાણ

ગઈકાલે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં એક શરમજનક ઘટના બની હતી જેમાં સોગંદનામા જેવી કામની જાણકારી મેળવવા આવેલા અરજદારને એક નાયબ મામલતદારે ધડાધડ બે ફડાકા ઝીંકી દેતા આ ઘટનાના ગંભીર પડઘા પડયા છે અને ભોગ બનનાર અરજદાર દ્વારા અધિક જિલ્લા કલેકટર અને કલેકટરને રજૂઆત કરી ફરિયાદ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Advertisement

સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં ભોયતળીયે બેસતી એક મહત્વપૂર્ણ શાખામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર પાસે એક અરજદાર પોતાની કોઈ કામગીરી માટે ગયા હતા અને તેઓના સંબંધીત સાથે નાયબ મામલતદારને મોબાઈલ ફોન પર વાતચીત કરાવી હતી.

પરંતુ આ વાતચીતમાં કોણ જાણે એવું તો શું યું કે નાયબ મામલતદાર ઉકળી ઉઠયા હતા અને કામ માટે આવેલા અરજદારને ધડાધડ બે ફડાકા ચોડી દેતા સન્નાટો વ્યાપી ગયો હતો. બીજી તરફ કલેકટર કચેરીમાં આવેલા અરજદાર પણ ગાજ્યા જાય તેમ નહતા અને નાયબ મામલતદારના આવા બેહુદા અને બદસુલુકીભર્યા વ્યવહાર અંગે અધિક જિલ્લા કલેકટર અને જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કર્યા બાદ જ ઘરે જવાનું નકકી કરી બે કલાક સુધી રાહ જોઈ અંતે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી.

આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે, પ્રજા સેવકને શું કોઈપણ નાગરિક કે અરજદારને ફડાકા મારી લેવાની કાયદામાં કોઈ સત્તા આપવામાં આવી છે. કારણ જે કાંઈ પણ હોય તો વાતચીતી પણ પ્રશ્ન ઉકેલાઈ શકે પરંતુ ગઈકાલની આ ઘટનામાં નાયબ મામલતદારને અરજદારને જાહેરમાં ધડાધડ ફડાકા ચોડી દેતા આ ઘટનાના ગંભીર પ્રત્યાઘાતો પડયા છે અને આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત બાદ સમગ્ર કલેકટર કચેરીમાં ફડાકાકાંડ ચર્ચાનો વિષય બન્યો હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.