Abtak Media Google News

પુષ્કળ પ્રમાણમાં ઘાસનો જથ્થો ઉપ્લબ્ધ, સરકાર પશુપાલકોની મદદ માટે સતત પ્રયત્નશીલ: મંત્રીની અબતક સાથે ખાસ વાતચીત

વાવાઝોડાના અસરગ્રસ્ત પશુપાલકોને નિ:શુલ્ક ઘાસચારો આપવામાં આવશે. હાલ પુષ્કળ પ્રમાણમાં ઘાસનો જથ્થો ઉપ્લબ્ધ છે. સરકાર પશુપાલકોની મદદ માટે સતત પ્રયત્નશીલ છે તેમ વન પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

બીપરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે અસર વર્તાઈ છે. અંદાજે એક લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલ હતા. ખાસ કચ્છમાં હવે પશુપાલકોને પશુ માટેના ઘાસચારાને લઈને હાલાકી ન વેઠવી પડે તે માટે સરકાર હરકતમાં આવી છે. સરકાર દ્વારા પશુ પાલકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે તમામ આગમચેતીની તૈયારીઓ કરી વાવાઝોડાથી કોઈ જાનમાલની નુકસાની ન થાય તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા.

વધુમાં તેઓએ જણાવ્યું કે કોઈ પશુ પાલકોને ઘાસચારાને લઈને મુશ્કેલી ન સર્જાય એટલે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અસરગ્રસ્તોને વિનામૂલ્યે ઘાસચારો આપવામાં આવશે. તમામ તંત્ર ખડે પગે રહીને વહેલામાં વહેલી તકે સંપૂર્ણ કામગીરી કરવામાં આવશે. ભગવાન અને ઈશ્વરની કૃપાથી કોઈ મોટી જાનહાની આવી નથી. પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા હોય ત્યાં ફાયર અને વન વિભાગ દ્વારા તાત્કાલિક તેને દૂર કરવાની પણ કામગીરી ઝડપી કરવામાં આવી છે.

જરૂર પડ્યે કચ્છમાં રાજકોટથી પણ ઘાસચારો મોકલાશે: કલેકટર

જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ઘાસચારો ઉપ્લબ્ધ છે. જો કચ્છ સહિતના વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂર પડશે તો રાજકોટથી પણ ઘાસચારો મોકલવામાં આવશે. આ માટે તંત્ર સજ્જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.