Abtak Media Google News

 

Advertisement

અંગ્રેજીમાં કહેવત છે કે યુ કેન નોટ કમ્પેર એપલ એન્ડ ઓરેન્જ..! ગુજરાતીમાં પણ આવા જ અર્થની કહેવત છે કે ખોળ અને ગોળ ની સરખામણી ન થઇ શકે..! મોબાઇલના માર્કેટમાં એવું કહેવાય છે કે એપલના મોબાઇલની પ્રાઇસ રેન્જ અને ક્વોલિટી અન્ય મોબાઇલ સાથે સરખાવી ન શકાય. પરંતુ હવે દિવસો બદલાઇ રહ્યા છે. અલબત ભારત અને ચીન જેવા હાઇ પોપ્યુલેશન અને લો ઇન્કમ માર્કેટ એપલને બદલાવા મજબુર કરી રહ્યા છે. આ બન્ને દેશોમાં મધ્યમ વર્ગીય લોકોમાં મોબાઇલનો વપરાશ એટલી હદે વધારે છે કે એપલને આ સ્ટમર બેઝ છોડવો પાલવે તેમ નથી એટલે જ હવે એપલે હવે ઓછી પ્રાઇસ રેન્જનાં ફાઇવ જી ( 5g ) હેન્ડસેટ સાથે એન્ટ્રી કરવાની જાહેરાત કરી છે. જો હાલમાં નક્કી કરેલા કેલેન્ડર પ્રમાણે કામ ચાલે તો આગામી માર્ચનાં પહેલા સપ્તાહમાં એપલનાં લો કોસ્ટ મોબાઇલ તથા આઇ-પેડ નું નવું મોડેલ બજારમાં લોન્ચ થઇ જશે.

છેલ્લા બે વર્ષમાં એવું તો શું થયું કે એપલ ઓછા ભાવનાં મોબાઇલ ફોન બજારમાં ઉતારવા ઉત્સાહીત થયું અથવા તો કદાચ મજબુર થયું? જવાબ છે, એક સર્વેક્ષણ રિપોર્ટ, કોવિડ-19 ની મહામારી, ફાઇવ જી નાં આગમનની તૈયારી તથા અમુક અખતરા..!

2020 માં થયેલા વર્લ્ડ બેંકનાં સર્વેક્ષણનાં આંકડા એવા સંકેત આપતા હતા કે જ્યાં માથાદિઠ આવક 2000 ડોલરથી ઓછી છે ત્યાં એપલના મોબાઇલનું વેચાણ કરવું અઘરૂં છે કારણ કે આ વર્ગ એપલ તેમના ગજા બહારનો મોંઘો માને છે. એ વર્ષે એપલના મોબાઇલની કિંમત સરેરાશ 908 ડોલર, સેમસંગની 278 ડોલર તથા ઝિયોમી ની 172 ડોલર રહેતી હતી. યાદ રહે કે ઓક્ટોબર-21 સુધી ભારતમાં એપલનો બજાર હિસ્સો ત્રણ ટકાથી થોડો ઓછો અથવા તો વધીને 3.54 ટકા જેટલો રહેતો હતો. આંકડા એવો સંકેત આપે છે કે 2021 નાં અંતે ભારતની માથાદિઠ આવક 1750 ડોલર થશે. જે 2022નાં અંતે 1850 ડોલર તથા 2023 નાં અંતે 1920 ડોલર થઇ શકે છે. જો આ ગણતરી સાચી માનીએ તો એપલને ભારતમાં પોતાનું બજાર સર કરવા માટે હજુ ત્રણ થી ચાર વર્ષ લાગે. બીજીતરફ ભારતમાં 2022 નાં અંત સુધીમાં ફાઇવ જી ની એન્ટ્રી થઇ જશે. આવા સંજોગોમાં એપલને ફાઇવ જી માં શિફ્ટ થનારા ગ્રાહકોને ગુમાવવા પડે. ત્રીજી બાજુ એક એવું પણ તારણ આવ્યું છે કે કોવિડ-19 ની મહામારીનાં કારણે લોકોને ઘરમાં ભરાઇ રહેવું પડ્યું જેના કારણે તેમનો મોબાઇલ તથા ઇન્ટરનેટનો ઉપયોગ ઘણો વધ્યો, તેમના ટ્રાવેલીંગ અને અને મનોરંજનનાં ખર્ચમાં મોટો કાપ આવ્યો તેથી આ લોકો બચેલા નાણાંનો ઉપયોગ તેમની મોબાઇલ ડિવાઇસ, ઇન્ટરનેટ સુવિધા અને તેના થકી મનોરંજન મેળવવા કરવા તૈયાર થયા જેના કારણે ઉંચી ગુણવત્તા તથા વધારે સુવિધા વાળા મોબાઇલનું માર્કેટ ખુલ્યું.

આ બદલાઇ રહેલા સમયને પારખવા છતાં જો એપલ પોતાની જુની માર્કેટિંગ સ્ટ્રેટેજી જાળવી રાખે તો તેનું વેચાણ વધવાની કોઇ શક્યતા દેખાતી નહોતી. તેથી પ્રયોગ રૂપે એપલે ઓક્ટોબર-21 માં ભારતમાં ફેસ્ટિવ ઓફરના ભાગ રૂપે આઇફોન 12 નો ભાવ 50,000 થી ઓછો કરીને વેચવા કાઢયો. આ સાથે જ ઇઝી પેમેન્ટ પ્લાન, કેશબેક ઇન્સેન્ટીવ્ઝ પણ ઓફર કર્યા જે સામાન્ય રીતે મધ્યમ વર્ગીય ગ્રાહકોને લલચાવતા હોય છે. પરિણામ એ આવ્યું કે ભારતમાં ઓક્ટોબર-21 થી ડિસેમ્બર-21નાં ગાળામાં એપલનો માર્કેટ હિસ્સો વધીને પાંચ ટકા જેટલો થઇ ગયો આ સમયગાળામાં એપલે 23 લાખ મોબાઇલ વેચ્યા છે જે ઓક્ટોબર-20 થી ડિસેમ્બર-20 નાં ગાળામાં થયેલા અર્થાત એક વર્ષ પહેલા થયેલા વેચાણ કરતાં 34 ટકાનો વધારો દેખાડે છે. યાદ રહે કે આજ સમયગાળામાં ચીનના ઝિયોમીના 93 લાખ તથા સાઉથ કોરિયાનાં સેમસંગનાં 72 લાખ મોબાઇલ વેચાયા હતા. જી હા, હજુ પણ ભારતમાં એપલ પ્રથમ ક્રમાંકે નથી, પણ તેને પોતાનો બજાર હિસ્સો વધારવાનો માર્ગ મળી ગયો છે.

આવો જ બીજો પ્રયોગ એપલે ચીનમાં કર્યો હતો. સપ્ટેમ્બર-21 માં નવા કેમેરા તથા ફાઇવ જી ના ફીચર્સ સાથે લોન્ચ કરેલા આઇફોન 13 નાં ભાવ એપલ બ્રાન્ડનાં મોબાઇલની સામાન્ય રેન્જ કરતા નીચા રાખ્યા હતા. પરિણામ એ આવ્યું કે ચીનમાં સ્પેર પાર્ટસની ખેંચ તથા મંદીનાં કારણે ઓક્ટોબર-21 થી ડિસેમ્બર-21 નાં ગાળામાં મોબાઇલ ફોનનાં વેચાણમાં 9 ટકાનો ઘટાડો થયો હોવા છતાં એપલનાં મોબાઇલનાં વેચાણમાં 23 ટકાનો જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. છ વષર્ષાં પ્રથમ વખત ચીનમાં આઇફોનનું વેચાણ પ્રથમ ક્રમાંકે પહોંચ્યું છે.

ચીન અને ભારતમાં એપલની સફળતાને ટર્નીંગ પોઇન્ટ કહી શકાય. આ સફળતાએ એપલને આ બન્ને દેશોનાં માર્કેટ કબ્જે કરવા માટેની માસ્ટર કી આપી છે. જે માર્ચ-22 માં કદાચ કેટલીયે મોબાઇલ કંપનીઓને તાળાં મારી દેશે..! બિકોઝ નાઉ કસ્ટમર કેન કમ્પેર એન એપલ એન્ડ ઓરેન્જ (અન્ય મોબાઇલ) ..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.