Abtak Media Google News

હવે સરકારની ગાઈડ લાઈનનો ભંગ કરનારને લોકઅપ હવાલે કરાશે

કોરોનાની સાઈકલ તોડવા માટે બિનજવાબદાર, બેવકુફ અને કારણ વગરના બહાર નીકળતા લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરી લોકઅપ હવાલે કરવાના સરકાર દ્વારા તંત્રને અપાયેલી કડક તાકીદના પગલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ખુદ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. આજથી એસઆરપી અને પોલીસ તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવશે. જે કોઈ લોકો બિનજરૂરી રીતે બહાર નીકળશે તેની સામે લોકડાઉન કરતા પણ વધુ કડક પગલાઓ લેવામાં આવશે. કોરોનાની લહેર ચરમસીમાએ પહોંચી છે ત્યારે રાજ્યભરમાં સૌથી વધુ કેસો દિવસે ને દિવસે નોંધાઈ રહ્યાં છે જેને કાબુમાં લેવા માટે લોકડાઉનના કડક નિયમોની સરકારે તૈયારી પણ આરંભી દીધી છે. આ માટે મહાનગરોમાં એસઆરપીનો બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. એસઆરપી અને પોલીસ તંત્ર પર ગૃહ વિભાગ અને સીએમ દ્વારા બિનજરૂરી બહાર નીકળતા લોકો પર કડક તવાઈ અને પગલા ભરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. આજથી કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં લોકડાઉનની પરિસ્થિતિને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત માટે એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે.

એસઆરપી-પોલીસ તંત્ર સહિતનાઓ પર ગૃહ વિભાગ અને સીએમના કડક પગલાના આદેશ 

કોરોનાની ચેઈન તોડવા સરકાર દ્વારા ગઈકાલે લેવાયેલા નિર્ણયના પગલે તંત્ર કડક કાર્યવાહી શરૂ કરી છે. સરકારની ગાઈડ લાઈનનો કડક અમલ કરાવવા ગૃહ વિભાગને કરાયેલી તાકીદના પગલે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વધારાની એસઆરપી કુમુકને મેદાનમાં ઉતારી છે. કેટલીક છુટી છવાઈ દુકાનો બંધ કરાવી હતી અને લોકોને અપીલ કરી હતી કે, બિનજરૂરી રીતે બહાર નીકળનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરી લોકઅપ હવાલે કરવામાં આવશે. જો કે, રાત્રી કરફયુના ઘણા લાંબા સમયથી ચાલતા અમલને વધુ અસરકારક બનાવવામાં આવશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવી કોઈ બહાનાબાજી ચલાવવામાં નહીં આવે તેમ તેઓએ કહ્યું હતું.

Img 20210428 Wa0007

આ સમગ્ર અઠવાડિયુ કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે રાજ્ય સરકાર દ્વારા 29 શહેરમાં રાત્રી કરફયુની સાથે સાથે મોલ, જીમ, અન્ય દુકાનો બંધ રહેશે. ફકત જીવન જરૂરીયાત અને ઈમરજન્સી સેવાઓ જ ચાલુ રાખવામાં આવશે. કરફયુ સીવાયના સમયે બેંક બ્રાંચો સહિત તથા તમામ ખાનગી ઓફિસો 50 ટકા સ્ટાફ અને ડિસ્ટન્સીંગ સાથે ચાલુ રહેશે. આવશ્યક સેવા, ટીફીન સર્વિસ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક માધ્યમને પણ છુટછાટ આપવામાં આવી છે. પ્રેક્ષકોની ગેરહાજરીમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ કે સ્ટેડિયમમાં ક્રિકેટ કે રમત-ગમતની ઈવેન્ટ યોજી શકાશે. રાત્રી કરફયુ દરમિયાન બિમાર વ્યક્તિની સારવાર માટે કામે બહાર નિકળી શકાશે આ માટે ડોકટરનું પ્રિસ્ક્રીપ્શન કે સારવારના કાગળો દર્શાવવાના રહેશે. જે કોઈ લોકો દિવસ દરમિયાન કે રાત્રી કરફયુ દરમિયાન પણ જો કારણ વગર બિનજરૂરી બહાર નિકળશે તેની ઉપર તંત્ર દ્વારા લોકડાઉન કરતા પણ વધુ કડક પગલાઓ હાથ ધરવામાં આવશે.

 લોકડાઉનથી પણ કડક પગલા લેવાશે

Dsc 4620

રાજ્યમાં કોરોનાના રોજીંદા કેસના ડરાવના આંકડા જોવા મળે છે. રાજ્યમાં હવે લોકડાઉન તો નથી કરાયું પરંતુ એક અઠવાડિયા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા મુખ્યમંત્રી દ્વારા પણ ગઈકાલે અપીલ કરવામાં આવી છે. કોરોનાના કેસમાં જે રીતે ઉછાળો થઈ રહ્યો છે તે મુદે ગઈકાલે હાઈકોર્ટે પણ લોકડાઉન જ એક ઉપાય ગણાવ્યો હતો. જેના પગલે સરકાર દ્વારા એક અઠવાડિયા સુધી લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા પણ આદેશ કરી દેવામાં આવ્યો છે. આ માટે તંત્ર દ્વારા પુરતી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મહાનગરોમાં એસઆરપી બંદોબસ્તની સાથે સાથે લોકલ પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે. જો કે આજ સવારથી વાત કરીએ તો મોટાભાગે દુકાનો બંધ જ રહેવા પામી હતી. અમુક જગ્યાએ દુકાનો ખુલી જોવા મળતા શહેર પોલીસ દ્વારા બંધ કરાવવા નીકળવું પડ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.