Abtak Media Google News

અમદાવાદના મદારી બાઇક ચાલકને અટકાવી આશ્રમ અંગે પૂછપરછ કરી કારમાં સિધ્ધહસ્ત નાગાબાવા હોવાનું કહી ત્રણને લૂંટી લીધાની કબુલાત

શહેર નજીક હાઇ-વે પર બાઇક ચાલકને અટકાવી સિધ્ધહસ્ત નાગાબાવાના દર્શન કરાવવાના બહાને લૂંટ ચલાવતી અમદાવાદના મદારી ગેંગને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લેતા બેડી, ગવરીદળ અને ગોંડલ પર લૂંટ ચલાવ્યાની કબુલાત આપી છે. ચારેય મદારી શખ્સોએ રાજયભરમાં ૨૦થી વધુ સ્થળે લૂંટ ચલાવ્યાનું બહાર આવતા ચારેયને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સંત કબીર રોડ પર આવેલા ગાયત્રી બેન્સાવાળી શેરીમાં રહેતા પ્રવિણભાઇ બાબુભાઇ સોનારા, મોરબી રોડ બેડી પાસે દેવજીભાઇ કાબાભાઇ સેલણીયા અને દોશી હોસ્પિટલ પાસે ગુણાતીતનગરમાં રહેતા ભરતભાઇ બચુભાઇ ચાંગેલાને હાઇ-વે પર અટકાવી લૂંટ ચલાવ્યાનું બહાર આવ્યું છે.

પ્રવિણભાઇ સોનારા બાઇક પર બેડી માકેર્ટીંગ યાર્ડ પાસેથી ગત તા.૧૨ મેના રોજ પસાર થતા હતા ત્યારે નંબર પ્લેટ વિનાની કારમાં બેઠેલા શખ્સોએ અટકાવી પોતાની સાથે સિધ્ધ હસ્ત નાગાબાવા છે. તેઓને સ્નાન માટે રોકાવું છે કહી નજીકમાં આશ્રમ છે તેમ પૂછી નાગાબાવાના દર્શન કરવાનું કહી ‚રૂ.૧.૮૦ લાખની કિંમતના સોનાના ઘરેણાની લૂંટ ચલાવ્યાબાદ દેવજીભાઇ કાબાભાઇ સેલણીયાને અટકાવી તેઓને પણ સિધ્ધ હસ્ત નાગાબાવાના દર્શન કરવાનું ‚રૂ.૨૫ હજારની કિંમતના સોનાના ઘરેણાની લૂંટ ચલાવી ભાગી ગયા હતા.

જ્યારે દોશી હોસ્પિટલ નજીક ગુણાતીતનગરમાં રહેતા ભરતભાઇ બચુભાઇ ચાંગેલા બાઇક પર ગોંડલ રોડ પર આવેલા ટીવીએસના શો રૂમ પાસેથી પસાર થતા હતા ત્યારે કારમાં બેઠેલા બે શખ્સો પૈકી એક શખ્સે આશ્રમ અંગે પૂછપરછ કરી રૂ.૩૦ હજારની કિંમતના સોનાના ચેનની લૂંટ ચલાવ્યાની ચારેય શખ્સોએ કબુલાત આપી છે.

પ્રવિણભાઇ સોનારા અને દેવજીભાઇ સેલણીયાને ગત તા.૧૨ મેના રોજ લૂંટી લીધા હતા અને આ અંગે કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે કુવાડવા પોલીસે ગુનો ન નોંધી અરજી લઇ પકડાશે તો પાકી ફરિયાદ નોંધવામાં આવશે તેમ સમજાવી ફરિયાદ નોંધવાનું ટાળ્યું હતું. તે રીતે ભરતભાઇ ચાંગેલાની ફરિયાદ માલવીયાનગર પોલીસે નોંધી ન હતી.

ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે અમદાવાદના મદારી શખ્સો નાગાબાવાના સ્વાંગમાં લૂંટ ચલાવના ગુનામાં ઝડપી લેતા કુવાડવા અને માલવીયાનગર પોલીસે લૂંટના ગુના નોંધ્યા છે.

લૂંટારા પકડાશે તો ફરિયાદ નોંધાવાનું કુવાડવા પોલીસે કહ્યું!

સંત કબીર રોડ પર રહેતા પ્રવિણભાઇ સોનારા અને દેવજીભાઇ સેલણીયાને બેડી માકેર્ટીંગ યાર્ડ પાસે અઢી માસ પહેલાં નાગાબાવાના દર્શન કરાવવાના બહાને લૂંટી લીધાનો બનાવ બન્યો હતો. બંને લૂંટ અંગેની ફરિયાદ કુવાડવા પોલીસ મથકે નોંધાવવા ગયા ત્યારે તેઓને લૂંટના બનાવના સમાચાર અખબારમાં આવશે તો લૂંટારા ભાગી જશે તેમ કહી ફરિયાદ નોંધી ન હતી. પ્રવિણભાઇ સોનારાની અરજી લઇ તપાસ કરવાનું કુવાડવા પોલીસે ટાળ્યું હતું. લૂંટારા પકડાશે તો તમારો કોન્ટેકટ કરી પાકી ફરિયાદ નોંધવામાં આવશે તેમ સમજાવી બંનેને રવાના કરી દેવામાં આવ્યા હતા. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે અમદાવાદની મદારી ગેંગને ઝડપી લેતા તેઓ નાગાબાવાના દર્શનના બહાને લૂંટ ચલાવતા હોવાની કબુલાત આપતા કુવાડવા અને માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.