Abtak Media Google News

પોરબંદર દિવેચા કોળી સમાજ દ્વારા લીમડા ચોક વિસ્તારમાં આવેલ ભદ્રકાલી માતાજી મંદિરના પરિસરમાં પ્રાચીન સંસ્કૃતિને અનુરૃપ યોજાતી ગરબી આ વખતે 93માં વર્ષમાં પ્રવેશ કરે છે. માત્ર પુરૂષો ગરબી રમે છે. માથે ટોપી પહેરવી ફરજીયાત છે.

દિવેચા કોળી સમાજની ભદ્રકાલી ગરબી મંડળની સ્થાપના વિક્રમ સંવત 1981માં કોળી સમાજના અગ્રણી સ્વ. જાદવભાઇ સોલંકી તથા તેના મિત્રોએ કરી હતી. આ એક એવી ગરબી છે. જયાં માત્ર પુરુષો જ ગરબી રમે છે. આ એક એવી ગરબી છે. જયાં માઇકનો ઉપયોગ થતો નથી. અને કોઇ જાતની સાઉન્ડ સીસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી અને સંપૂર્ણ ધ્વનીપ્રદૂષણ મુક્ત ગરબી છે અને આ ગરબી રમનારા પુરૂષો માથે ભાતીગળ ટોપી ફરજીયાત પહેરે છે. તેવી સૌરાષ્ટ્રની એક માત્ર આ અનોખી અને વિશિષ્ટ પ્રકારની ગરબી છે. આદ્ય શકિતના પર્વમાં ભદ્રકાલી માતાજી મંદિરની ગરબીમાં સ્ત્રીઓને ગરબા ગાવાની અને લેવાની મનાઇ છે.

ગરબીમાં ઉઘાડુ માથુ ચાલે નહી માટે આધુનિક યુવાનોને પણ ટોપી પહેરવી પડે છે. તો કેટલાક બાળકો અને યુવાનો આ ગરબીમાં રામ – સીતા, જાનકી – શિવ – પાર્વતી – નાદરજી – ભીષ્મ પિતામહ, લવ-કુશ વગેરે વેશો ધારણ કરીને ગરબે રમે છે. જે જોનારા માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પ્રમુખ રામજીભાઇ સી. બામણીયાની આગેવાનીમાં આજે પણ યુવા કાર્યકરો તેમજ ભદ્રકાલી માતાજી મંદિરના પુજારી ચંદ્રકાંતભાઇ વગેરેએ પ્રાચીન ઢબે છંદ અને લયબધ્ધ ગવાતા ગરબાની પરંપરા જાળવી રાખી છે.

ભદ્રકાલીના ગરબાની સ્વરચના દિવેચા કોળી જ્ઞાતિના કવિ સ્વ. જાદવભાઇ લખમણભાઇ સોલંકીએ કરી હતી. તે ગરબાવલીમાં 50 જેટલા ગરબાઓનો સમાવેશ કરીને આ ગરબાવલીનું પુનઃ મુદ્રણ પ્રકાશિત કરવામાં આવેલ છે.

અમેરીકાની ડયુક યુનિ. ના ડાન્સીંગ વિષયના નિષ્ણાંતો ડો. પૂર્ણિમા શાહ સહિતનાઓ એ પોરબંદરના સાહિત્યકાર અને ઇતિહાસવિદ નરોતમભાઇ પલાણ તથા ડો. ઇશ્વરભાઇ ભરડાની રાહબરી હેઠળ આ ગરબીની પ્રાચીનતાને લઇ અને એક ડોકયુમેન્ટરી પણ બનાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.