Abtak Media Google News

પાણી પહેલા પાળ બાંધી રિલાયન્સે જમાવટ કરી

રિલાયન્સની દુરંદેશીનો જોટો જડે તેમ નથી. ભૂતકાળમાં ક્રુડ સેકટરમાં ત્યારબાદ ટેલીકોમ અને હવે રિટેલ સેકટરમાં ઝંપલાવવાના મિઠા ફળ રિલાયન્સ ભોગવી રહ્યું છે. એક સમયે રિલાયન્સનો સઘળો મદાર એશિયાની સૌથી મોટી જામનગર સ્થિત રિફાઈનરી ઉપર હતો. જો કે, રિલાયન્સનો વ્યાપ તો દરેક ક્ષેત્રમાં રહ્યો હતો. ત્યારબાદ થોડા વર્ષો પહેલા શરૂ કરવામાં આવેલું રિલાયન્સ જિયો પ્રારંભીક તબક્કે તો નુકશાન કરશે તેવું જણાતું હતું પરંતુ મુકેશ અંબાણીની દુરંદેશીના કારણે રિલાયન્સ જિયોનો નફો સતત વધી રહ્યો છે. એક સમયે ખોટ ખાનારા રિલાયન્સ જિયો હવે પ્રથમ કવાર્ટરમાં ત્રણ ગણો નફો રળી રહ્યું છે.

મહામારીના કારણે રિલાયન્સની પેટ્રો કેમિકલ આવક ૩૩ ટકા ઘટી હતી. રિફાઈનરીની આવકમાં રૂા.૪૬૬૪૨ કરોડ જેટલું ગાબડુ પડ્યું હોવાનું કહેવાતું હતું. અલબત  પરિસ્થિતિ પારખી પાણી પહેલા પાળ બાંધી રિલાયન્સ માટે ફાયદાકારક નિવડી રહી છે. ભૂતકાળમાં રિલાયન્સ પેટ્રોલીયમ પેદાશો પર નિર્ભર હતું પરંતુ હવે તેનો વ્યાપ ખુબ વધવા પામ્યો છે. રિલાયન્સનો નફો પ્રથમ કવાર્ટરમાં ૩૧ ટકા (રૂા.૧૩૨૩૩ કરોડ) જેટલો વધ્યો છે. બીજી તરફ રિલાયન્સ જિયોનો નફો ૨૫૧૦ કરોડ જેટલો થયો છે. જે ગત નાણાકીય વર્ષની સરખામણીએ ૩ ગણો છે. તે સમયે રિલાયન્સ જિયોએ ૮૯૧ કરોડનો નફો કર્યો હતો. ધીમીગતિએ રિલાયન્સ જિયોનો નફો બે ગણો, ત્રણ ગણો થવા લાગ્યો છે.

લોકડાઉનમાં વર્ક ફ્રોમ હોમના કારણે જિયોનો ડેટા વપરાશ વધ્યો છે. વોઈસ અને ડેટા ટ્રાફિક વધવાના કારણે ગ્રાહક કંપનીનો વધુ મજબૂત આધાર બની ગયો છે. ક્વાર્ટર દર કવાર્ટરના પરિપેક્ષમાં રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યા ચોથા કવાર્ટરના ૩૮.૮ કરોડથી વધીને ૩૯.૮૩ કરોડ પર પહોંચી ગઈ હતી. પ્રથમ કવાર્ટરમાં ૧.૫૧ કરોડનો વાયરલેસ ગ્રોથ એડિશ્નલ રહ્યો છે. એક તરફ જ્યારે વિશ્ર્વ આખુ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે વિશ્ર્વની ગણી ગાઠી કંપની જ છે. જેઓ નફો કરી રહી છે.  રિલાયન્સે દુરંદેશી વાપરી તમામ વસ્તુઓને વાયરલેસથી જોડવાની તૈયારી કરી હતી. ડિજીટલ નેટવર્કનો વ્યાપ વધાર્યો હતો. ધીમે ધીમે કંપની સાથે ટોચના રોકારકારો પણ જોડાતા ગયા છે. માલ વેંચીને મિલકત બનાવવામાં રિલાયન્સના મુકેશ અંબાણી પાસેથી અનેક કંપનીઓને ઘણી શીખવા જેવું છે. જિયોનો નેટ પ્રોફીટ ૧૮૨.૮ ટકા જેટલો વધ્યો છે.

યુઝર્સ દીઠ સરેરાશ રૂ.૧૪૦નો નફો રળ્યો

નાણાકીય વર્ષ ૨૦૨૧ના પ્રથમ કવાર્ટરમાં જિયોની જમાવટ થઈ છે. દર વર્ષે ૩૩.૭ ટકાના ઉછાળા સાથે ૧૬૫૫૭ કરોડનું થયું હતું. જૂન મહિનાના આંકડા મુજબ રિલાયન્સનો કસ્ટમરબેઈઝ ૩૯ કરોડ જેવડો હતો. જેનાથી એવરેજ રેવન્યુ પર યુઝર્સ રૂા.૧૪૦.૩ થવા પામ્યો છે. એટલે કે, રિલાયન્સે કવાર્ટર દરમિયાન ૧ મહિનામાં ૧ યુઝર્સ દીઠ સરેરાશ રૂા.૧૪૦ની રેવન્યુ મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.