Abtak Media Google News

જામનગરના ગોકુલનગર પાસેથી ગઈકાલે રાત્રે પોલીસે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી એક મોટરમાં લઈ જવાતી અંગ્રેજી શરાબની ૧૩૮ બોટલ પકડી પાડી છે. જથ્થા સાથે ઝડપાયેલા શખ્સે વંથલીના સપ્લાયરનું નામ ઓકયું છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ગઈકાલે સિટી-સી ડિવિઝનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન પો.કો. ધર્મેન્દ્રસિંહ, હિતેશ મકવાણા તથા હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબ ગોકુલનગર નજીકથી પસાર થયેલી જીજે-પ-સીડી ૨૫૫૬ નંબરની સેવરોલેટ કંપનીની ઓપ્ટ્રા મોટરને રોકવામાં આવી હતી.

આ મોટરની તલાશી લેવાતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૩૮ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે ગોકુલનગરના રામનગરની શેરી નં.૬માં રહેતો હિતેશ દેશુરભાઈ કંડોરિયા નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે રૃા.૬૯ હજારની બોટલ, બે લાખની મોટર તથા બે મોબાઈલ કબજે કરી હિતેશ કંડોરિયાની ધરપકડ કરી છે. આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તેણે ઉપરોક્ત જથ્થો જૂનાગઢ જિલ્લાના વંથલીના ભરત રબારી પાસેથી લીધો હોવાની કબૂલાત આપી ભરતના મોબાઈલ નંબર આપ્યા છે. પોલીસે તે શખ્સને ફરાર જાહેર કરી બન્ને સામે ગુન્હો નોંધ્યો છે. આ કાર્યવાહીમાં પીઆઈ યુ.સી. માર્કન્ડેય, પીએસઆઈ એ.એલ. મકરાણી, સ્ટાફના પ્રતિપાલસિંહ, રાજેન્દ્રસિંહ, મહિપાલસિંહ, રાધાબેન ગોજિયા સાથે રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.