Abtak Media Google News

ગોંડલ  સમાચાર

ગોંડલ નગરપાલિકામાં ડોર ટુ ડોર કલેક્શન કોન્ટ્રાક્ટનાં ટેન્ડર મુદ્દે સુરતના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી ઢોરમાર માર્યાની કોન્ટ્રાક્ટર બીપીનસિંહ પીલુદરીયાએ પોલીસમાં આપેલા નિવેદન અંગે જેમની પર આક્ષેપ કરાયો છે તે કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ ભરી સમગ્ર ઘટના નો ખુલાસો કર્યો છે.

રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે બીપીનસિંહ પીલુદરીયાનાં આક્ષેપો વાહીયાત છે.હકીકત માં રુ.૧૨ કરોડનું કોઈ ટેન્ડર જ નથી. અત્યાર સુધી નગરપાલિકાનો સેનીટેશન વિભાગ ટેક્ષની રકમથી ચાલતો હતો.સેનીટેશન વિભાગનાં ખર્ચની વ્યવસ્થા ભંડોળમાંથી કરાતી હતી. દર મહિને રૂપિયા 35 થી 40 લાખનો ખર્ચ થતો હતો રાજ્ય સરકારની 15મી નાણાપંચની યોજના અંતર્ગત પાલિકામાં રકમ જમા થતા તેના અનુસંધાને સેનીટેશન વિભાગનાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

આમ કરવાથી દર મહિને 35 થી 40 લાખની બચત થતી હોય ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી.ટેન્ડર પ્રક્રિયામાં પ્રથમ વખત મળેલા ટેન્ડરમાં કોઈ કંપની ક્વોલીફાઈડના હોય બીજો પ્રયત્ન કરાયો હતો તેમાં પણ ટેન્ડર ભરનારાઓના ડોક્યુમેન્ટ અપૂર્ણ હોય ત્રીજો પ્રયત્ન કરાતા સુરતના દરબાર વેસ્ટ કોર્પોરેશન દ્વારા ટેન્ડર ભરાયું હતું જ્યારે આ ટેન્ડર ખોલાવ્યું ત્યારે તેના મેનેજરની પણ હાજરી હતી પરંતુ ટેન્ડરમાં અપૂર્ણતા હોય ક્ષતિ પુર્તતા કરવા પાંચ દિવસની મુદત અપાઈ હતી. પરંતુ દરબાર વેસ્ટ કોર્પોરેશનના બીપીનસિંહ પીલુદરીયાએ નારાજ થઈ અમારાં વિરુદ્ધ ખોટા તથા પાયાવિહોણા આક્ષેપ સાથે પોલીસ તથા અન્યને અરજીઓ કરી હતી.

તા.૨૨ નાં બીપીનસિંહ તથા કોગ્રેસી આગેવાનો નગરપાલીકામાં મારી ચેમ્બરમાં મળવા આવ્યાં હતા.તેમનાં ટેન્ડરની ક્ષતિપુર્તતા અંગે અમો વાત કરતા હતા.ત્યારે કોંગ્રેસનાં મિત્રોએ ચેમ્બર બહાર નિકળી જવાનું કહેતા બીપીનસિંહ ચાલતા થયા હતા.આ દિવસે ભારત વિકાસ યાત્રા તથા રીબડા ખાતે સંમેલનમાં જવાનુ હોય મારાં ઘરેથી જમીને હું તથા સદસ્ય ચંદુભાઈ ડાભી પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં કાર્યાલયથી રીબડા જવા લોકોને એકઠા કરી રીબડા જવા નિકળ્યા ત્યારે અક્ષરમંદિર પાસે બીપીનસિંહ તથા સતાણીભાઇ તેમની ગાડી પાસે ઉભા હોય હું સ્વાભાવિકપણે મળવાં ગયો ત્યારે વાતચીત દરમિયાન બીપીનસિંહે સમાધાનકારી વલણ દાખવી તેમણે કરેલી અરજીઓ પાછી ખેચી લેવીછે તેવુ કહેતા તેમની ગાડીમાં બેસીને હું જયરાજસિંહ જાડેજાનાં કાર્યાલયે ગયો હતો.જો બીપીનસિંહનુ અપહરણ કરાયુ હોય તો તેમની ગાડીમાં હું બેસુ ખરા? તેવું કહી રાજેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે જયરાજસિંહ જાડેજા નગરપાલિકાની સંકલન સમિતિમાં સભ્ય હોય તેમની સાથે બીપીનસિંહ નો પરિચય કરાવી બીપીનસિંહ અરજીઓ પાછી ખેંચી લે છે તેવું કહેતા જયરાજસિંહે ઓફિસમાં બેસાડી શાંતિથી વાત કરી લેવાનું કહેતા કાર્યાલયની ઓફિસમાં જ બીપીનસિંહે પોતાના લેટરપેડ પર સ્વહસ્તે લખાણ કર્યું હતું .

બાદમાં મેં નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન વ્યાસને જયરાજસિંહના કાર્યાલય પર બોલાવી બીપીનસિંહના લખાણનું નોટરી કરાવવાનું કહેતા ચીફ ઓફિસરની સરકારી ગાડીમાં બીપીનસિંહ ચીફ ઓફિસર સાથે પ્રગટેશ્વર ઝેરોક્ષ ની દુકાને ગયા હતા . આ દરમિયાન હું અને ચંદુભાઈ ડાભી રીબડા ગયા હતા અને ત્યાંથી પરત ફરી બીપીન સિંહને મળતા વાતો કરી અમો છૂટા પડ્યા હતા આમાં અપહરણ કે ઢોરમાર માર્યા ની વાત ક્યાં આવે છે તેવો સવાલ કરી રાજેન્દ્રસિંહ જાડેજા એ કહ્યુ કે ગોંડલથી નીકળી બીપીનસિંહ ચોટીલા રાત્રી રોકાણ કર્યું હતું અને બાદમાં સુરત ગયા હતા જો ખરેખર ઢોર માર્યો હોય તો તેમણે સારવાર લેવી પડે પણ આવું કંઈ જ બન્યું ના હોય માત્ર કોંગ્રેસના કહેવાથી જ તેમણે અમારા પર ગલત આક્ષેપો કર્યા છે . લોકસભાની ચૂંટણી નજીક આવતી હોય અને ગોંડલમાં નગરપાલિકા ભાજપની હોય માત્ર બદનામ કરવાના ઇરાદાએ કોંગ્રેસે બીપીન સિંહને હાથો બનાવી અમારી વિરુદ્ધ ખોટી ફરિયાદો કરી છે.  જિલ્લા પોલીસવાળા સહિત પોલીસ અધિકારીઓને અમારી રજૂઆત છે કે આ બનાવમાં તટસ્થ તપાસ કરે જો અમો કસરવાનું હોય તો અમોને જરૂર સજા કરે અન્યથા અમારા દ્વારા બીપીનસિંહ ઉપર માનહાની નોંધાવી કાનુની લડત અપાશે.

જીતુ આચાર્ય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.