Abtak Media Google News

શહેરભરમાં ૧૦૦થી વધુ મિલકતો સીલ કરાશે:રહેણાંક હેતુની મિલકતમાં વેરો બાકી હશે તો નળજોડાણ કટ કરાશે: આવતા સપ્તાહે ૩૦થી વધુ મિલકતોની હરાજી: રૂ.૨૫૫ કરોડનો ટાર્ગેટ પુરો કરવા ટેકસ બ્રાંચ ત્રાટકશે

ચાલુ નાણાકીય વર્ષમાં રિવાઈઝ કરી આપવામાં આવેલા ‚રૂ.૨૫૫ કરોડના ટાર્ગેટને હાંસલ કરવા માટે મહાપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આગામી દિવસોમાં વધુ હાર્ડ રીકવરી શ‚ કરવામાં આવશે. જે અંતર્ગત આગામી ગુરુવારે શહેરભરમાં મેગા સીલીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને ૧૦૦થી વધુ બાકીદારોની મિલકતને અલીગઢી તાળા ઝીંકી દેવામાં આવશે. જયારે આવતા સપ્તાહે ૩૦ જેટલી મિલકતોની જાહેર હરાજી કરાશે.

ટેકસ બ્રાંચના અધિકારીઓ સાથે ગઈકાલે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીની એક રીવ્યુ બેઠક યોજી હતી. જેમાં બાકીદારો પર પુરા જોરથી ત્રાટકવા આદેશ આપી દેવામાં આવ્યો છે. આગામી ગુરુવારના રોજ શહેરની ત્રણેય ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા મેગા સીલીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં કોમર્શીયલ મિલકતની હેતુની ૫૦ હજાર કે તેથી વધુ બાકી વેરો વસુલવા માટે મિલકતો સીલ કરી દેવામાં આવશે. જયારે રહેણાંક હેતુની મિલકતમાં પાંચ વર્ષથી જે આસામીએ વેરો નથી ભર્યો તેના નળજોડાણ કપાત કરી દેવામાં આવશે.રીઢા બાકીદારનું લીસ્ટ આજે સાંજ સુધીમાં તૈયાર કરવા ટેકસ બ્રાંચને તાકીદ કરી દેવામાં આવી છે.આગામી સપ્તાહે શહેરના ત્રણેય ઝોનમાં ૧૦-૧૦ એમ કુલ ૩૦ બાકીદારોની મિલકતની જાહેર હરાજી કરી દેવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં ટેકસ બ્રાંચને ‚રૂ.૨૫૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો તે રીવાઈઝ બજેટમાં વધારી ‚રૂ. ૨૫૫ કરોડ કરવામાં આવ્યો છે. આજસુધીમાં ૧૯૨ કરોડની આવક થવા પામી છે. નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં આ ટાર્ગેટ હાંસલ કરવા માટે રોજ દોઢ કરોડથી વધુની વસુલાત ફરજીયાત બની જવા પામી છે ત્યારે ટેકસ બ્રાંચને પુરા જોશથી ત્રાટકવા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ આદેશ આપી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.