Abtak Media Google News

પેટીએમ ફર્સ્ટ ગેમ્સમાંથી કેશબેક દૂર કરવાની શરતે ગૂગલે એપને રિસ્ટોર કરી

ગૂગલની ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘનને લીધે એપ રિમૂવ થઈ હતી

ભારતની સૌથી મોટી પેમેન્ટ એપ ગણાતી પેટીએમ ગૂગલ પ્લેસ્ટોર પરથી શુક્રવારે થોડા સમય માટે રિમૂવ કરી દેવામાં આવી હતી. જેના કારણે અનેકવિધ લોકોના પૈસા ડૂબી ગયા હોવાની ભીતિ સેવાઇ રહી હતી. જો કે ફક્ત ચાર કલાકમાં જ ફરીવાર પેટીએમ પ્લેસ્ટોર ખાતે ઉપલબ્ધ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, ગૂગલની પોલિસીનું ઉલ્લંઘન કર્યું હોવાથી પેટીએમ પર કાર્યવાહી કરાઈ હતી.

ગૂગલ પ્લે સ્ટોર પરથી પેટીએમને શા માટે  રિમૂવ કરાયું તે અંગે હજુ ગૂગલ તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એપને ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘનને લીધે રિમૂવ કરાઈ હતી. ગૂગલ ઈન્ડિયાએ શુક્રવારે તેના બ્લોગ પોસ્ટમાં ગેમ્બલિંગ અર્થાત (ઓનલાઈન જુગાર) પોલિસીની વાત કરી હતી. બ્લોગમાં ક્યાંય પણ પેટીએમના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો પરંતુ તે પેટીએમ પર ઈશારો કરે છે તેમ લાગી રહ્યું છે. કારણ કે, બ્લોગ પબ્લિશ થયાની ગણતરીની મિનિટોમાં પેટીએમની એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી રિમૂવ કરી દેવામાં આવી હતી. પેટીએમે પેટીએમ ક્રિકેટ લીગ શરૂ કરતાં જ કંપની ગૂગલની આંખે ચડી હતી. ઓનલાઈન ગેમ્બલિંગને રોકવા માટે ગૂગલે આ નિર્ણય લીધો હોવાનું હાલ અનુમાન લગાવાઇ રહ્યો છે. કંપનીએ તેના બ્લોગમાં પોલિસીનું ઉલ્લંઘન કરતી એપને પ્લે સ્ટોર પરથી દૂર કરવાની પણ વાત કહી હતી, સાથે જ ગૂગલની શરતોનું પાલન થઈ ગયા બાદ એપને રિસ્ટોર કરી લેવાની વાત પણ કહેવામાં આવી હતી. જોકે આ મામલે પેટીએમે મૌન સાધ્યું હતું.

ગૂગલ પ્લે સ્ટોર પરથી જે સમયે પેટીએમને રિમૂવ કરવામાં આવ્યું ત્યારે અનેકવિધ લોકોના પૈસા ડૂબી ગયા હોવાની ભીતિ સેવાઇ હતી પરંતુ તેવા સમયમાં કંપનીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે હાલપૂરતી એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરાઈ છે, ટૂંક સમયમાં એપ રિસ્ટોર થશે. ગ્રાહકોના તમામ પૈસા સુરક્ષિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, પેટીએમે ૫ કરોડ સુધી પેટીએમ કેશ જીતવાની ઓફર લોકો સમક્ષ મૂકી હતી. પેટીએમ ફર્સ્ટ ગેમ્સની વેબસાઈટ પર ઋઅચમાં રહેલી માહિતી પ્રમાણે, પેટીએમ ફર્સ્ટ ગેમ્સ પર પ્લેયર્સ સ્પેશલ ટૂર્નામેન્ટમાં ૫ કરોડ રૂપિયા સુધીનું કેશ જીતી શકે છે. આ પ્લેટફોર્મ પર રમી, ફેંટેસી, લૂડો સહિતની ગેમ્સ સામેલ છે. પ્લેયર્સ એક્સક્લુઝિવ ટૂર્નામેન્ટમાં દરરોજ એક લાખ રૂપિયા સુધીની રકમ જીતી શકતા હતા. જેથી પ્લે સ્ટોરની ગેમ્બલિંગ પોલિસીનું ઉલ્લંઘન થતું હોય એપને રિમૂવ કરી દેવામાં આવી હોય તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે.

પેટીએમે આઇપીએલની લોકપ્રિયતા જોઈને પેટીએમ ફર્સ્ટ ગેમ્સ એપ લોન્ચ કરી હતી. કંપનીએ આઇપીએલ દરમિયાન ૧૦૦ મિલિયન યુઝર્સનું લક્ષ્ય રાખ્યું હતું. કંપનીએ આગામી ૬ મહિના દરમિયાન ૨૦૦થી વધારે લાઈવ ઈવેન્ટના આયોજનની યોજના બનાવી હતી.  આ અઠવાડિયે જ  ક્રિકેટ લીજેન્ડ સચિન તેંદુલકરને બ્રાન્ડ અમ્બેસડર બનાવ્યા હતા. પેટીએમ ફર્સ્ટ પર ૫૦થી વધારે ગેમ્સ અવેલેબલ છે.

મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે પેટીએમ એપ દેશનાં સૌથી મૂલ્યવાન સ્ટાર્ટ અપમાંથી એક છે. ગૂગલના પેમેન્ટ પ્લેટફોર્મ ગૂગલ-પે સાથે પેટીએમની ટક્કર છે. ૩૧ માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ ૨૦૧૯ – ૨૦માં પેટીએમની રેવન્યૂ વધીને ૩.૬૨૯ કરોડ રૂપિયા પહોંચી હતી. તો નુક્સાનમાં ૪૦%નો ઘટાડો નોંધાયો હતો.

વન ૯૭ કમ્યુનિકેશન લિમિટેડ કંપની પેટીએમની ઓનર છે. ટેક રિસર્ચ ફર્મ સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ મહિનામાં પેટીએમ છઠ્ઠી સૌથી વધારે ડાઉનલોડ થનારી ફિનટેક એપ છે. એપ પેમેન્ટ ઓપ્શનથી શરૂ થઈ હતી. ત્યારબાદ તે ઓનલાઈન શોપિંગ, ગેમિંગ અને બેકિંગ સર્વિસ ઓફર સહિતની બાબતોથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતું આવ્યું છે.

મામલામાં પેટીએમના સ્થાપક વિજય શેખર શર્માએ કહ્યું હતું કે પ્લે સ્ટોરની ગેમ્બલિંગ પોલિસીનો અમારી એપને કારણે ઉલ્લંઘન થતું હોય તેવા કારણોસર અમારી એપને રિમૂવ કરી દેવામાં આવી હતી પરંતુ અમારી તમામ પ્રકારની પ્રવૃતિઓ કાયદાની મર્યાદામાં છે. અમે હાલના સંજોગોમાં કેશબેક ઓફર એપમાંથી દૂર કરી દીધી છે. જેથી ગૂગલે અમારી એપને ફરીવાર રિસ્ટોર કરવાની મંજૂરી આપતા એપ ફરીવાર પ્લે સ્ટોર ખાતે ઉપલબ્ધ થઈ છે. પેટીએમના તમામ યુઝર્સના પૈસા તેમજ એકાઉન્ટ બિલકુલ સુરક્ષિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.