Abtak Media Google News

આગામી ૩૧મી જાન્યુઆરી સુધીમાં મગફળી ખરીદીમાં ગતિ લાવી ખરીદી પૂર્ણ કરવા વહીવટી તંત્રને સુચના

ગુજરાત સરકારે ચાલુ વર્ષે નાગરીક પુરવઠા નિગમને સ્ટેટ એજન્સી તરીકે નિયુકત કરીને મગફળીની ટેકાના ભાવે ખરીદીનો તા. ૧પ નવેમ્બરથી આરંભ કરેલ છે.

રાજયભરના કુલ ૧રર કેન્દ્ર ખાતેથી મગફળીની ખરીદી ટેકાના ભાવે ચાલુ છે. ત્યારે ખેડુતો પણ ખુબજ ઉત્સાહપૂર્વક મગફળી વેચાણ માટે આવી રહ્યા છે. પ્રત્યેક સેન્ટર પર સંપૂર્ણ પારદર્શિતાપૂર્વક સંપૂર્ણ વિડીયોગ્રાફી વચ્ચે કલેકટરશ્રીઓના સીધા મોનીટરીંગ સાથે થતી ખરીદીમાં કયાંય પણ કોઇપણ પ્રકારની ગેરરીતી ન થાય અને ખેડુતોને કયાંય પણ મુશ્કેલીઓ ન પડે તે જોવા માટે તંત્રને સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.ખેડુતોના હિતોને વરેલી પારદર્શી ગુજરાત સરકારે આજદિન સુધીમાં કુલ ૧,૧૬,૦૬૨ ખેડુતો પાસેથી ૨૩૧૫૫૬.૩૦ મે.ટન મગફળીની ખરીદી ટેકાના ભાવે કરી છે. ખેડુતો દ્વારા વેચાણ કરાયેલ મગફળીના નાણા સીધા જ ખેડુતોના ખાતામાં જમા થઇ રહ્યા છે.

તા. ૨-૧ ના સાંજના સાંજના પ કલાક સુધીમાં રાજયભરમાંથી કુલ ૧,૧૬,૦૬૨ ખેડુતોએ પોતાની કુલ ૨૩૧૫૫૬.૩૦ મે.ટન  મગફળીનો જથ્થો વેચાણ કરેલ છે. કુલ રૂ ૧૧૫૭.૭૮ કરોડની મગફળીની ખરીદી સામે સરકારે આજદિન સુધીમાં ૮પ ટકા રકમની ચુકવણી ખેડુતોના ખાતામાં સીધી જ કરી દીધી છે. બાકીનું પેમેન્ટ પણ ખુબ જ ઝડપથી ખેડુતોના ખાતામાં સીધું જમા થાય એ માટે વહીવટી તંત્રને તાકીદ કરવામાં આવી છે. તથા તા. ૩૧- સુધીમાં મગફળીની ખરીદીમાં ગતિ લાવી ખરીદી પૂર્ણ કરવા વહીવટી તંત્રને સુચના આપેલ છે.

સમગ્ર રાજયમાં મગફળીની ખરીદી સાથે ગુજરાત સરકાર મકાઇ, બાજરી, ડાંગર તથા મગ અને અડદની ખરીદી પણ ટેકાના ભાવે કરી રહેલ છે.

તા. ૧-૧-૧૯ થી સરકારે પ્રતિ કિવન્ટલ રૂ ૫૬૭૫/- ટેકાના ભાવે તુવેર ખરીદવા માટે ૧૦૧ કેન્દ્રો પરથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો પણ આરંભ કરેલ છે. તા. ૧૫-૧-૧૯ થી ૧૦૧ ખરીદ કેન્દ્રો પરથી તુવેરની ખરીદી શરુ કરવામા આવશે.

હાલ સરકાર પ્રતિ કિવન્ટલ મગફળી રૂ ૫૦૦૦/- ના ભાવે, ડાંગર (કોમન) રૂ  ૧૭૫૦/- ના ભાવે, ડાંગર (ગ્રેડ-એ) રૂ ૧૭૭૦/- ના ભાવે, મકાઇ રૂ ૧૭૦૦/- ના ભાવે, બાજરી રૂ ૧૯૫૦/- ના ભાવે, અડદ રૂ ૫૬૦૦/- ના ભાવે અને મગ રૂ ૬૯૭૫/- ના ટેકાના ભાવે ખરીદી રહી છે.

એમ મંત્રી જયેશ રાદડીયાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.