Abtak Media Google News

પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા માટે કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઇઝરી

કેન્દ્ર સરકારે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ મીડિયા માટે એક એડવાઈઝરી જારી કરીને તેમને ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ પર જાહેરખબરથી દૂર રહેવાની સલાહ આપી છે.

Advertisement

માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાને ઓનલાઈન સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતથી દૂર રહેવા માટે એક એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરી પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક, સોશિયલ અને ઓનલાઈન મીડિયામાં દેખાતી ઓનલાઈન સટ્ટાબાજીની વેબસાઈટ/પ્લેટફોર્મની સંખ્યાબંધ જાહેરાતોને અનુલક્ષીને કરવામાં આવી છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં એવું કહેવામાં આવ્યું છે કે સટ્ટાબાજી અને જુગાર, દેશના મોટાભાગના ભાગોમાં ગેરકાયદેસર, ગ્રાહકો માટે, ખાસ કરીને યુવાનો અને બાળકો માટે નોંધપાત્ર નાણાકીય અને સામાજિક-આર્થિક જોખમ ઊભું કરે છે.

ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાતો ગેરમાર્ગે દોરનારી

એડવાઈઝરી અનુસાર, ઓનલાઈન સટ્ટાબાજી પરની આ જાહેરાતો આ મોટાપાયે પ્રતિબંધિત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાની અસર ધરાવે છે. ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાતો ગેરમાર્ગે દોરનારી હોય છે, અને પ્રેસ કાઉન્સિલ એક્ટ, 1978 હેઠળ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અંતર્ગત જારી ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019, કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ રેગ્યુલેશન એક્ટ, 1995 હેઠળની જાહેરાત સંહિતા અને પત્રકારત્વના આચારના ધોરણો હેઠળ જાહેરખબરના ધોરણો સાથે કડક રીતે સુસંગત હોય એવું જણાતું નથી.

આ એડવાઈઝરી વ્યાપક જાહેર હિતમાં જારી કરવામાં આવી છે અને તેમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાને ઓનલાઈન સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતો પ્રકાશિત કરવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમાં ઓનલાઈન જાહેરાત મધ્યસ્થી અને પ્રકાશકો સહિત ઓનલાઈન અને સોશિયલ મીડિયાને ભારતમાં આવી જાહેરાતો પ્રદર્શિત ન કરવા અથવા ભારતીય પ્રેક્ષકોને આવી જાહેરાતો માટે નિશાન ન બનાવવાની સલાહ પણ આપવામાં આવી છે.

‘બરબાદી’ નોતરતા સોશિયલ મીડિયા ઉપર લગામ ક્યારે?

એક તરફ સરકારે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને ઓનલાઈન જુગાર રમાડતા પ્લેટફોર્મની જાહેરાતથી દુર રહેવા જણાવ્યું છે પરંતુ સોશયલ મીડિયા પર અનેકવિધ રીતે આ પ્રકારના પ્લેટફોર્મની જાહેરાત જોવા મળે છે તેને સરકાર કંઈ રીતે કાબૂમાં રાખશે તે મોટો સવાલ છે. સોશ્યલ મીડિયાના અનેક પ્લેટફોર્મ નિયમોથી ઉપરવટ જઈ આ પ્રકારની લોભામણી જાહેરાતોને સતત પ્રોત્સાહન આપતી હોય છે ત્યારે હવે સોશ્યલ મીડિયાને નિયંત્રણમાં કેમ રાખવામાં આવશે તે મોટો સવાલ છે. જો આ દિશામાં યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો સોશ્યલ મીડિયા ચોક્કસ યુવાનોને ઓનલાઈન જુગારના કાળા અંધારામાં ધકેલી બરબાદી નોતરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.