Abtak Media Google News

વલ્લભાચાર્ય મહાપ્રભુજીના જયઘોષથી રાજમાર્ગો ગુંજી ઉઠ્યાં

દિવ્ય રથમાં મહાપ્રભુજીની નગરચર્યા: ઢોલ-નગારાં, હાથી-ઘોડા, ડી.જે. સાથે નીકળેલી શોભાયાત્રાનું ઠેર-ઠેર હરખભેર સ્વાગત

શ્રી વલ્લભ મહાપ્રભુજીના 546માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે રાજકોટ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીનાથધામ હવેલી ખાતેથી આયોજિત શોભાયાત્રામાં વ્રજરાજકુમારજીએ પગપાળા યાત્રા કરી હતી. શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા અને વલ્લભ મહાપ્રભુજીની નગરચર્યાનો ભાગ બન્યા હતા.

શ્રી વલ્લભ મહાપ્રભુજીના 546માં પ્રાગટ્ય મહોત્સવની દિવ્ય અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ ખાતે વ્રજરાજકુમારજીની પાવન નિશ્રામાં વલ્લભ મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રભુજીના જીવન ચારિત્રને દર્શાવતા વિવિધ ફ્લોટ્સ, ઢોલ-નગાડાં, હાથી-ઘોડા અને ડી. જે.ના તાલે નીકળેલી શોભાયાત્રાના દર્શન કરી વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી.

રાજકોટમાં સર્વ પ્રથમવાર ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા (પદયાત્રા)નું આયોજન થયું. આ પદયાત્રામાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય  વ્રજરાજકુમારજી મહોદય હજારોની સંખ્યામાં વૈષ્ણવ ભાવિકજનો સાથે પોતે ચાલીને આ શોભાયાત્રામાં જોડાયા .

મહાપ્રભુજીનું દિવ્ય અને ભવ્ય સ્વરૂપ બગીમાં બિરાજમાન થયું. આ સાથે હાથી ઘોડા, બેન્ડબાજા, ધ્વજા પતાકા, ડંકા નિશાન, વેશભૂષા, મહાપ્રભુજીના ચરિત્રના વિવિધ ફ્લોટ્સ, ઢોલ નગારા સાથે આ અભૂતપૂર્વ અવર્ણનીય શોભાયાત્રા વલ્લભના જય ઘોષ સાથે નાથધામ હવેલીથી પ્રસ્થાન કરી શ્યામલ ચાર રસ્તા થઈ હરિદ્વાર હાઇટ્સ પાસે થઈ શાંતિવન વાળા રોડ ઉપરથી અંબામાતા મંદિર પાસે થઈ

મોદી સ્કૂલ પાસેથી પસાર થઈ અને અમૃત હોસ્પિટલ, કોપર હાઇટ્સ થઈ ને VYO રોડ ઉપર થઈ ફરી નાથધામ હવેલી ખાતે પહોચી. આ શોભાયાત્રા એ રાજકોટના માર્ગ ઉપર અદભુત આકર્ષણ જમાવ્યું સાથે સાથે આ શોભાયાત્રાનું અલગ-અલગ સામાજિક અગ્રણીઓ તથા માનનિય ગુજરાત રાજ્ય મંત્રી  ભાનુબેન બાબરીયા તથા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ  ભરતભાઈ બોધરા તથા અનેક રાજકીય મહાનુભાવો તેમજ અલગ અલગ વિસ્તાર તેમજ સ્થળ ના ભાવિકજનો જેમ કે પેન્ટાગોન પરિવાર, સ્પીડવેલ હાઈટસ એપાર્ટમેન્ટ પરિવાર, શ્યામલ સ્કાય હાઈટસ પરિવાર, એકવા ગ્રુપ મનોરથી પરિવાર, શ્યામલ સ્કાય એપાર્ટમેન્ટ પરિવાર ,હરિદ્વાર પરિવાર VYO સાઉથ ઝોન, શાંતિવન પરમ એપાર્ટમેન્ટ પરિવાર, કસ્તુરી રેસીડેન્સી પરિવાર ,  યુવી ગ્રુપ દ્વારા, BJP  ભારતીય જનતા પાર્ટી દ્વારા , જૈન વિઝન ગ્રુપ દ્વારા , સત્કાર્ય સેવા સમિતિ દ્વારા, સાકેત હાઈટસ એપાર્ટમેન્ટ પરિવાર , હિન્દુ જાગરણ મંચ દ્વારા, કોપર એલીગન્સ પરિવાર દ્વારા , વિશ્વ હિન્દુ પરિષદ  દ્વારા, સૂવર્ણભૂમી પરીવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ પદયાત્રા પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી.

રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં સૌ ભાવિક વૈષ્ણવો મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવમાં જોડાયા, આ દિવ્ય ભવ્ય શોભાયાત્રામાં સહપરિવાર સંમિલીત થવા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી આ પદયાત્રામાં જોડાવા માટે નિ:શુલ્ક બસ વ્યવસ્થાનું આયોજન કરેલ હતું.  તેમજ નાથધામ હવેલી ખાતે શયનમાં રાત્રે 8:00 વાગે પ્રભુ સુખાર્થે કમલ સાગરમાં કમલ વિતાન ના સુંદર મનોરથ દર્શન થયા.

આ સમગ્ર આયોજનના સ્વાગત અધ્યક્ષ  મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ),  અશોકભાઈ શાહ (મેનેજિંગ ટ્રસ્ટી ભારત VYO),  જગદીશભાઈ કોટડીયા (ફાલ્કન ગ્રુપ), તેમજ મુખ્ય સંયોજક તરીકે  હિતેશભાઈ ગોંઢા, તેમજ સહસંયોજક જયેશભાઈ વાછાણી,પાર્થભાઈ કનેરિયા,જ્યોતિબેન ટીલવા,મીતભાઈ શાહ, અતુલભાઇ મારડિયા,વિજયભાઈ સેંજલીયા,ગોપીભાઈ પટેલ,કમલેશભાઈ ડઢાણીયા, હસમુખભાઈ રાણપરા તથા રાજીવભાઈ ઘેલાણી સહીત મોટી સંખ્યામાં VYO રાજકોટના કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાઓ સમગ્ર આયોજનને સુંદર રીતે સાકાર કરી સેવા આપી હતી.

મહાપ્રભુજીની નગરચર્યા અબતકના જીવંત પ્રસારણ થકી લાખો વૈષ્ણવોએ નિહાળી

વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન આયોજિત વલ્લભ મહાપ્રભુજીની શોભાયાત્રાનું અબતક મીડિયાના તમામ પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જે વૈષ્ણવો અમુક કારણોસર શોભાયાત્રામાં જોડાઈ શક્યા ન હતા તેમના સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના લાખો લોકોએ શોભાયાત્રા જીવંત નિહાળી વલ્લભ મહાપ્રભુજીના દર્શન કર્યા હતા.

ઈશ્વરના ઉત્સવમાં ભાવભેર જોડાઈ વૈષ્ણવો ધન્ય થયાં : વ્રજરાજકુમારજી

વ્રજરાજકુમારજી મહોદયે અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 546માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા શ્રીનાથધામ હવેલી ખાતેથી વિરાટ, ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, શ્રીવલ્લભ મહાપ્રભુજી કે જેઓ શ્રીકૃષ્ણના મુખારવિંદના સાક્ષાત અવતાર છે તેમણે ભારતભરની ત્રણ વાર પરિક્રમા કરી હતી અને દૈવી જીવોને તેમના શરણમાં લીધા હતા. વૈષ્ણવોના ઉદ્ધાર માટે જેમણે આખુ જીવન સમર્પિત કર્યું તેમનો જયારે ઉત્સવ હોય ત્યારે ઉત્સાહ હોવો સ્વાભાવિક છે. આજે ઢોલ-નગાડાં, હાથી-ઘોડા સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો જોડાઈને ભાવ પ્રગટ કરી રહ્યા છે.

ચોરડી મુકામે નિર્માણાધીન કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ વૃંદાવન અને રતીપુરાણા તમામ દ્રશ્યોના દર્શન કરી શકાશે: મૌલેશભાઈ ઉકાણી

કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના પ્રમુખ અને સુપ્રસિદ્ધ ઉદ્યોગપતી મૌલેશભાઈ ઉકાણીએ આ તકે જણાવ્યું હતું કે, આજે મહાપ્રભુજી નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે તેમના દર્શન માત્રથી વૈષ્ણવો ધન્યતા અનુભવી રહ્યા છે. આજે આ દિવ્ય મહોત્સવમાં વૈષ્ણવો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને મહાપ્રભુજીના દર્શનનો લ્હાવો મેળવી રહ્યા છે ત્યારે વૈષ્ણવોને આ પાવનકારી મહોત્સવની તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટની ભાગોળે ચોરડી મુકામે જે કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું નિર્માણ કરાઈ રહ્યું છે તે વિશ્વનું પ્રથમ એવુ કૃષ્ણ વર્લ્ડ હશે કે જ્યાં વૃંદાવન અને રતીપુરાના તમામ દ્રશ્યોના એક જ સ્થળે દર્શન કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.