Abtak Media Google News

૫ ઓગસ્ટથી એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રમાં પડતી મુશ્કેલીઓની વિચારણા માટે કાઉન્સીલની બેઠક યોજાશે

ઓગસ્ટ માસની ૫ તારીખથી એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રને જીએસટી લાગુ પડતા, પડતી મુશ્કેલીઓ સંદર્ભે ચર્ચા વિચારણા કરવા જીએસટી કાઉન્સીલની મીટીંગ મળનાર છે. આ મીટીંગમાં એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રને લાગુ પડતા જુદા જુદા વિષયે રાહત અંગે ચર્ચા થનાર છે. તેથી જુદા જુદા ક્ષેત્રના એમ.એસ.એમ.ઈ. એસોસીએશનો તથા વ્યાપારી આગેવાનો પાસેથી ચર્ચાના મુદા માંગવામાં આવેલ છે. તે બાબત ધ્યાનમાં લઈ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.

આપણા દેશમાં ૧લી જુલાઈ, ૨૦૧૭થી જીએસટી કાયદો લાગુ પાડી અમલમાં મુકવામાં આવ્યો. તે પહેલાના સમયમાં રાજયના વેટ કાયદા હેઠળ મહદઅંશે નાના ઉધોગોને રાહતના ભાગરૂપે કેટલીક જુદા જુદા પ્રકારની સબસીડીઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહેલ પરંતુ સમગ્ર દેશમાં જીએસટી કાયદા દ્વારા એક દેશ, એક વેરોનું સુત્ર અપનાવતા અને જીએસટીના શૃંખલા કોઈપણ મણકાની રાહત નાબુદ કરવામાં આવેલ છે. જયારે જુના કાયદા નીચે નાના ઉધોગોને રૂપિયા દોઢ કરોડ સુધીનો ટર્નઓવરધારકોને સેન્ટ્રલ એકસાઈઝના ૧૪ ટકાની મુકિત મર્યાદા આપવામાં આવેલ. પરંતુ જીએસટી લાગુ થતા આ મર્યાદા નાબુદ કરી સેન્ટ્રલ એકસાઈઝના ૧૪ ટકાનો ભાગ+વેટના ૪ ટકાનો ભાગ ગણી નાના પાયાના ઔધોગિક એકમોના ઉત્પાદન પર પણ ૧૮ ટકાના દરને લાગુ પાડવામાં આવેલ છે. જેને કારણે આપણા દેશના ખાસ કરીને આપણા રાજયમાં નાના ઉધોગનો થયેલ વિકાસ રૂધાઈ ગયો છે અને મૃતપ્રાય સ્થિતિમાં આવી ગયેલ છે. આ બાબતે યોગ્ય ચર્ચા વિચારણા કરી વહેલામાં વહેલી રાહત જાહેરાત કરશો.

નાના ઉધોગો દ્વારા ઉત્પાદિત કેટલીક ચીજવસ્તુઓ પરના જીએસટીના દરો ઘણા ઉંચા રહેલ છે તેવી ચીજવસ્તુઓના દરો ઘટાડી યોગ્ય સ્તરે કરવા જોઈએ. જેમ કે પાવર ટ્રાન્સમીશન માટે વપરાતી અને ઉત્પાદન થતી જુદા જુદા પ્રકારની પુલીઓ જે મહદઅંશે નાના ઉધોગો દ્વારા ઉત્પાદન થાય છે. હાલમાં આ પ્રકારની ચીજો પર ૨૮ ટકાનો દર લાગુ પડે છે. જે ખુબ જ ઉંચો રહેલ છે. આ અંગે અમારી અવાર નવારની માંગણી ૧૮ ટકાના દર કરવાની રહેલ છે જેને ધ્યાનમાં લઈ યોગ્ય કરશો.

જીએસટી કાયદા હેઠળ મળવાપાત્ર થતી ઈનપુટ ક્રેડીટ ધ્યાનમાં લઈ એમ.એસ.એમ.ઈ. ક્ષેત્ર દ્વારા ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ ઉપર યોગ્ય વેરાનો દર લાગુ પાડતા ઈનપુટ ક્રેડીટ મળતી રહે તે અંગે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આ રજુઆત કેન્દ્રના નાણામંત્રી પીયુષ ગોયલ, જીએસટી કાઉન્સીલના ચેરમેન સુશીલકુમાર મોદી, કેન્દ્રના રેવન્યુ સેક્રેટરી હસમુખભાઈ અઢીયા, જીએસટી કાઉન્સીલના સેક્રેટરી તથા સીબીઈસીના ચેરપર્સન વનાજા એન.સરાના તેમજ ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીનભાઈ પટેલ તથા ગુજરાત રાજયના જીએસટી કમિશનર પી.ડી.વાઘેલા આઈએએસ વગેરે સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે. ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરા તથા ઉપપ્રમુખ રાજીવભાઈ દોશી દ્વારા જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.