Abtak Media Google News

‘માનસ નવજીવન’માં બાપુએ આજે બીજા દિવસની કથારંભે બાપુએ કહ્યું નવજીવનમાં નવના બે અર્થ થાય છે. નવ એટલે નીતનુતન અને નવનો બીજો અર્થ તે સંખ્યાત્મક અંક છે, જે પૂર્ણાંક છે. નવજીવનના નવ લક્ષણો છે. આવા નવલક્ષણા બુદ્ધપુરુષ દ્વારા આપણામાં પણ નવજીવન પ્રકટવું જોઈએ.

બાપુએ ગાંધીજીનો એક પ્રસંદ યાદ કરતા કહ્યું કે, જગન્નાથપુરી મંદિરમાં દલિતોને પ્રવેશ ન હતો તેથી ગાંધીજી ત્યાં દર્શન કરવા જતા નથી અને કસ્તુરબા સ્ત્રી સહજ શ્રદ્ધાથી જાય છે તેની ગાંધીજી પીડા અનુભવે છે. આપણા દેશમાં કોણે, કયારે અને કેમ મનુષ્યો વચ્ચે આવા ભેદભાવ ઉભા કર્યા હશે તેની પૂજય મોરારિબાપુએ પીડા વ્યકત કરી. તલગાજરડામાં બાપુ દ્વારા નવનિર્મિત રામજીમંદિરમાં પ્રારંભથી જ દલિત સહિત તમામને દર્શન કરવા જવાની પરંપરા બાપુએ શરૂ કરી છે. કથાની કેન્દ્રીય ચોપાઈના સંદર્ભમાં બાપુએ કહ્યું કે જો કાર્યના આરંભે હર્ષ થાય તો પરિણામ મળે જ છે. પ્રસન્નતાથી કાર્યારંભ કરવો અને પરીણામની પરવા ન કરવી.મુખ એનું પ્રસન્ન રહેશે. જેના મુખમાં હરિસ્મરણ હશે. કોઈ મંગલ વિચાર નિરંતર મનમાં રહેતો હોય કે હૈયામાં નિરંતર રામનામ રટાતું હોય એનું મુખ સદા સુંદર જ લાગે. નવજીવનનો અર્થ કરતા પૂજય બાપુએ કહ્યું કે, નવા કપડા પહેરવા કે કોઈની નકલ કરવી એ નવજીવન નથી. નવજીવન એટલે એવું જીવન જેમાં કરેલા કર્મ બદલ કૃતકૃત્યતા અનુભવાય.

બાપુએ જણાવ્યું કે, લોકો એક કાનથી કથા સાંભળીને બીજા કાને કાઢી નાખે છે પણ એમાંય વાંધો નથી. આંખમાં નાખેલા ટીપા નીકળી જાય છે પણ આંખને સ્વચ્છ કરે છે. એમ કાનમાંથી નીકળી જતી કથા પણ સાર્થક છે. બાપુએ સુચક રીતે જણાવ્યું કે, નિંદાને પણ એક કાને સાંભળી, બીજા કાનેથી કાઢી નાખજો અને કથામાં એક કાનને ગંગોત્રી અને બીજા કાનને ગંગાસાગર બનાવજો. બાપુએ પોતાના બચપણના પુણ્ય સ્મરણને વાગોળતાં કહ્યું કે, પોતાના દાદા અને બાપા બન્ને બેરખો રાખતા. કોઈ અત્તર, પરફયુમ કે સુગંધી દ્રવ્યોનો ઉપયોગ કદી તેમણે કર્યો ન હતો છતાં તેમના બેરખામાંથી સુવાસ પ્રસરતી. ભજનની પણ એક મહેક હોય છે જેને નિઝામુદીન ‘પીરકી ખુશ્બુ’ કહે છે. સ્મરણથી બેરખામાં સુગંધ પ્રકટે છે. માતા જન્મ આપે છે. તેના પાંચ સુત્રો છે. એક ગર્ભધારણ કરવાની ક્ષમતા. ગર્ભધારણ પછી પ્રસવ સુધી પ્રતિક્ષા કરવાની તૈયારીએ બીજુ સત્ર છે. ત્રીજુ પીડા સહન કરવાની તૈયારી હોવી જોઈએ. ચોથુ, સમ્યક આહાર અને વિહાર રાખવા જોઈએ અને પાંચમું, સંતાન ગમે તેવું થાય, પોતે કદી કુમાતા નહીં બને એવી પ્રતિજ્ઞા.

બુદ્ધપુરુષ વ્યકિતને નવજન્મ આપે એમનામાં પણ આ પાંચ લક્ષણો હોય છે. ગર્ભધારક શકિત હોય છે એટલે કે ગમે તેટલા પતિતને પણ પોતાના શરણમાં રાખી શકે છે. બીજું શિષ્યમાં પડેલું ગુરુતત્વ બહાર આવે ત્યાં સુધી એ પ્રતિક્ષા કરે છે. ત્રીજુ, પોતે બહુ પીડા સહે છે, હેરાન થયા વિના હરિભજન થઈ શકતું નથી. ચોથું, એના આહાર-વિહાર સમ્યક હોય છે અને પાંચમું બુદ્ધ પુરુષ જેને નવજીવન આપે એવા શિષ્યને કદી છોડતા નથી-પોતે કદી અસાધુ બનતા નથી. બાપુએ કથા દરમ્યાન સાધુ તરીકે પોતાની પીડા વ્યકત કરતા કહ્યું કે તમારા ઘરે કામ કરતી બહેનને કોઈ કામવાળી કહે તે તેમને રુચતું નથી. એ તમારી સેવા કરનારી તમારા ઘરની દિકરી છે. લગ્નપ્રસંગમાં માત્ર દેખાડા માટે અનેક વાનગીઓ બનાવવાની જરૂર નથી. આઠ-નવ વસ્તુઓ રાખો અને બગાડ થતો અટકાવો. જરૂરીયાતવાળાને ટીફીન મોકલવાની વ્યવસ્થા કરો. મોટા મંદિર નહી બનાવો કે આવી મોટી કથા નહીં કરો તો ચાલશે પણ છેવાડાના માનવી માટે નિવાસ-ભોજન વ્યવસ્થા કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.