Abtak Media Google News

સર્ચ ઓપરેશનમાં 4.85 કરોડ રૂપિયાની રોકડ, તથા અન્ય પુરાવાઓ જપ્ત કર્યા

ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ અમદાવાદ ઝોને રૂ. 485 કરોડના બોગસ બિલિંગ કૌભાંડના સંબંધમાં રાજકોટમાંથી બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. બંને જય પટેલ અને તેના સાળાને અમદાવાદ લઈ જવાયા હતા અને તેમના રિમાન્ડની માગણી કરી છે. રાજકોટમાં મોટી સંખ્યામાં નકલી બિલિંગ થઈ રહ્યું છે. આ વાતની ગંભીરતા લેતા જીએસટી ઇન્ટેલિજન્સ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આ તકે બ્રાસ અને મેટલ સ્ક્રેપમાં જય પટેલ અને સંજય ગોઝારિયાની સંડોવણી બહાર આવી હતી જેમણે બ્રાસ અને મેટલ સ્ક્રેપ ટ્રેડિંગ સાથે સંકળાયેલી ઓછામાં ઓછી 25 નકલી કંપનીઓ શરૂ કરી હતી.

અમદાવાદ ઝોનલના તપાસનીશ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કંપનીઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વમાં છે અને નકલી જીએસટી રજિસ્ટ્રેશનનો અને નકલી બિલનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. બોગસ બિલિંગ કૌભાંડ કરી રૂપિયા 76 કરોડ રૂપિયાની આઈટીસીનો ગેરકાયદેસર દાવો કરવામાં આવ્યો હતો.આ બનાવટી બિલિંગ કૌભાંડમાં જય પટેલ મુખ્ય સૂત્રધાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અધિકારીઓએ જય પટેલના નિવાસસ્થાન અને કાર્યાલય પર ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

જીએસટી અમદાવાદની ઇન્ટેલિજન્સ ટીમ દવારા બંને આરોપીઓની ધરપકડ બાદ તેમની પાસેથી ડિજિટલ અને ભૌતિક પુરાવાઓ ઉપરાંત રૂ. 4.85 કરોડની રોકડ જપ્ત કરી હતી.મુખ્ય સૂત્રધાર અને તેના સાળાને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.