Abtak Media Google News

નાચ ન જાને આંગન ટેઢા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એનએફડીડી હોલ ખાતે ૨૫૦થી વધુ ગાઈડને કુલપતિ માર્ગદર્શન આપશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સતાધીશો માટે પીએચડી હવે માથાના દુખાવા સમાન બન્યું હોય તેવું લાગી રહ્યું છે. દોઢ વર્ષ પૂર્વે બાયો સાયન્સ ભવનનાં અધ્યાપક નિલેશ પંચાલ ત્યારબાદ અર્થશાસ્ત્ર ભવનનાં રાકેશ જોશી અને હવે સમાજશાસ્ત્ર ભવનનાં હરેશ ઝાલાએ પીએચડીની વિદ્યાર્થિની સાથે કરેલી જાતીય સતામણીના કિસ્સાને લઈ સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે અને ઘણાખરા કિસ્સાઓ તો સામે પણ નહીં આવતા હોય એમ પીએચડીના પ્રશ્ર્નોને લઈને મુશ્કેલી ભોગવતા વિદ્યાર્થીઓની સમસ્યા દુર કરવા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નિતીન પેથાણી કે જેમની પાસે ગાઈડશીપ નથી અને ગાઈડશીપ તરીકે અનુભવ પણ ધરાવતા નથી તેઓ પીએચડીનાં ગાઈડને માર્ગદર્શન આપવાના છે ત્યારે ‘નાચ ન જાણે આંગણ ટેઢા’ જેવો ઘાટ સર્જાયો છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને છેલ્લા ઘણા સમયથી કલંક લાગી ગયું હોય તેમ એક પછી એક યુનિવર્સિટીનાં નાકને નુકસાન પહોંચાડતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને લઈને સતાધીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. યુનિવર્સિટીમાં દોઢ વર્ષ પૂર્વે બાયો સાયન્સ ભવનનાં અધ્યાપક નિલેશ પંચાલ ત્યારબાદ અર્થશાસ્ત્ર ભવનનાં રાકેશ જોશી સહિતનાં સામે જાતીય સતામણીની ફરિયાદો આવી છે અને પીએચડીની વિદ્યાર્થીઓને અનેકવાર મુંઝવણ થાય તેવા પ્રશ્ર્નો ઉભા થઈ રહ્યા છે જોકે વિદ્યાર્થીઓને ન્યાય મળી રહે તે માટે સતાધીશો દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરાતા હોય છે જેને લઈને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એનએફડીડી હોલ ખાતે લગભગ ૨૫૦થી વધુ માર્ગદર્શકને ‘બિનમાર્ગદર્શક’ એટલે કે કુલપતિ પેથાણી અને યુનિવર્સિટીનો પીજી વિભાગ ગાઈડ કરવાનો છે.

Nitin Pethani

આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીન પેથાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે એનએફડીડી હોલ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોને લગતા ૨૫૦ જેટલા ગાઈડ એનએફડીડી હોલ ખાતે ઉપસ્થિત રહેશે અને બે સેશનમાં ગાઈડોને પીજી વિભાગ અને હું પોતે માર્ગદર્શન આપવાનો છું. પ્રથમ તબકકામાં ગાઈડોને વહિવટી મુશ્કેલી થઈ રહી છે તેના સંદર્ભે અને ત્યારબાદ બીજા સેશનમાં પીજી વિભાગ દ્વારા પીજીની ગાઈડલાઈનની માહિતી ગાઈડોને આપવામાં આવશે અને ગાઈડોનાં પણ પ્રશ્ર્નો સાંભળીને તેના પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઘણા ખરા ગાઈડોનો વિવાદ સામે આવતો હોય છે અને વિદ્યાર્થીઓને પણ તેને લઈને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે ત્યારે પીએચડી કરતા વિદ્યાર્થીઓને આવી મુશ્કેલી ન ભોગવવી પડે જેનાં સંદર્ભે વિદ્યાર્થીઓની સમસ્યા દુર કરવા કુલપતિ પેથાણી દ્વારા માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો છે. ગાઈડની મનમાનીનાં કારણે યુનિવર્સિટીમાં અનેક વિદ્યાર્થીઓ પીએચડી છોડીને ચાલ્યા ગયાના પણ બનાવો બન્યા છે ત્યારે આજે જેની પાસે ગાઈડશીપનો અનુભવ પણ નથી અને પોતે ગાઈડ પણ નથી તેવા બિનમાર્ગદર્શક પીએચડીના ગાઈડને ગાઈડ કરશે તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.