Abtak Media Google News

કુશળ કારીગરો, સારા રોડ-રસ્તાની માળખાગત સુવિધાઓ, વીજળી-પાણી, બંદરો સાથેનું જોડાણ અને સરકારનો સહયોગ ઈલેક્ટ્રોનિક સાધનો બનાવતી કંપનીએ ગુજરાત આવવા આકર્ષી

નોઈડા સ્થિત ઈલેક્ટ્રોનિક ઉપકરણોનું ઉત્પાદન કરતી વૈશ્વિક કંપનીઓ હવે ગુજરાત તરફ સ્થળાંતર કરવાની તૈયારીમાં છે. આ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા આંતરીક વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે જો નોઈડામાંથી ગુજરાતમાં જઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણોનું ઉત્પાદન કરવામાં આવે તો કંપનીને વાર્ષિક ૪૩૦ કરોડ રૂપિયાની બચત થઈ શકે છે. ગુજરાતમાં કુશળ કારીગરો, સારા રોડરસ્તાની માળખાગત સુવિધાઓ, ૨૪/૭ વીજળી-પાણી, બંદરો સાથેનું જોડાણ અને ખાસ તો સરકારનો સુમેળભર્યો સાથ-સહકાર સુનિશ્ચિત કરે છે કે ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ ખર્ચ ઓછો છે. હિમાચલપ્રદેશ અને દિલ્હી-એનસીઆર (ગ્રેટર નોઈડા) જેવા ક્ષેત્રોને પાછળ રાખીને ગુજરાત ધીરેધીરે ઈલેક્ટ્રોનિક ઉપકરણ ઉત્પાદકોની પસંદગીનું પ્રથમ સ્થળ બની રહ્યું છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ગુજરાતમાં  ૬૬.૮ અબજ ડોલરની નિકાસ નોંધાઈ છે, જેણે ભારતની ચોખ્ખી નિકાસમાં ૨૨ ટકાનો મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે.

૩૦ જાન્યુઆરીએ વોલ્ટેક હોમ એપ્લાઈઝ, એસી નિર્માણ કરતી કંપની વોલ્ટાસ અને યુરોપના ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ પ્લેયર્સ આર્કેલીક વચ્ચે સંયુક્ત સાહસ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતનાં ઔદ્યોગિક કેન્દ્ર સાણંદમાં ૬૦ એકરમાં ફેલાયેલી આ ફેક્ટરી ઘરવપરાશમાં આવતા ઈલેકટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરશે જેમાં રેફ્રિજરેટર અને વોશિંગ મશીનનો પણ સમાવેશ થાય છે. આ કંપનીનાં લોકાર્પણ પ્રસંગે વોલ્ટાસ લિમિટેડનાં અધ્યક્ષ નોએલ ટાટાએ જણાવ્યું હતું કે, ટૂંકસમયમાં ગુજરાત વ્હાઈટ ગુડ્સ કંપનીઓનું ઉત્પાદન કેન્દ્ર બનશે. ઓટો મેન્યુફેક્ચરીંગ હબની જેમ ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ મેન્યુફેક્ચરિંગ હબ તરફ ગુજરાતનાં વિકાસને લઈ જવામાં આવી રહ્યો છે. પોલિકેબ જેવા વાયર્સ અને કેબલ્સ ઉત્પાદકો પાસે અગાઉથી ગુજરાતનાં હાલોલમાં ઉત્પાદન કેન્દ્રો છે. તેવી જ રીતે ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ ક્ધઝ્યુમરની પણ લાઈટિંગ જેવા ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો માટે ગુજરાતમાં ઘણી જગ્યાઓ છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે કંપનીઓ પોતાના ઉત્પાદનને અસરકારક ધોરણે વિકસાવી શકે તે માટે સમગ્ર વાતાવરણ સક્ષમ બનાવ્યું છે. ગુજરાતમાં વીજળી-પાણી પણ સસ્તા અને અવિરત મળે છે. ઉદ્યોગના પ્રકાર અને મૂડીરોકાણના પ્રકારને આધારે વળતરના રૂપમાં કરલાભ પણ કંપનીઓને આપવામાં આવે છે. ગુજરાતમાં લઘુતમ વેતન નીતિ પણ મજબૂત છે અને તેથી રાજ્યમાં કામદારોની હડતાલ પણ ઓછી છે. જે ઉત્પાદકતામાં સુધારો લાવે છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે કંપનીઓને વિશેષ આર્થિક ઝોન (સેઝ) તેમજ વિશેષ રોકાણોવાળા ક્ષેત્રોમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. ગુજરાતમાં પાંચ સેઝ છે. ગાંધીનગરમાં બે (ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી), વડોદરામાં (બાયોટેકનોલોજી) એક-એક, સુરત (એપેરલ) અને અમદાવાદ (એપરલ) છે. આ સેઝ ક્ષેત્રમાં પ્લાન્ટ સ્થાપવા માટે કરમાં છૂટ આપે છે.

ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઓટોમોબાઈલ્સ, હીરા, કાપડ, તેલ અને ગેસ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રમાં ઉત્પાદકોની મોટી હાજરી છે. ઓટોમોબાઈલ્સની વાત કરવામાં આવે તો રાજ્યમાં આ ક્ષેત્રે પહેલેથી જ ટાટા મોટર્સ, ફોર્ડ, મારુતિ સુઝુકી, એમજી મોટર્સ અને હોન્ડા મોટરસાયકલ જેવી જાઈન્ટ કંપનીઓ ગુજરાતને એક મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનાવ્યું છે. સાણંદ, હાલોલ અને રાજકોટમાં ઓટો ક્લસ્ટરોમાં લગભગ ૩૫૦થી વધુ ઓટો ઉત્પાદક એકમો હોવાની સંભાવના છે. આ સિવાય ઓઈલ અને ગેસ રિફાઈનિંગ એ એક મોટો ઉદ્યોગ છે. અને હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં ગુજરાત ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે હબ બનવા તરફ અગ્રેસર થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.