Abtak Media Google News

ગુજરાતમાં સ્વાઈનફલુના ૪૦ નવા કેસ જાન્યુ.માં ૨૦નાં મોત

સમગ્ર દેશમાં સ્વાઈનફલુએ અજગરી ભરડો લીધો છે. વાતાવરણમાં આવી રહેલા બદલાવને કારણે સ્વાઈનફલુનો કહેર વધુ વકર્યો હોય તેવું જણાવવામાં આવી રહ્યું છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ અને ગુજરાત સહિતના રાજયોમાં સ્વાઈનફલુનો હાહાકાર છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડીયામાં ગુજરાતમાં સ્વાઈનફલુના ૪૦ નવા કેસ નોંધાયા છે. જયારે જાન્યુ.માં જ ૨૦ વ્યકિતઓના સ્વાઈનફલુના કારણે મોત થયા છે.

મહત્વનું છે કે ગુજરાતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ મહિને એચ-૧, એન-૧ ફલુના કુલ ૬૦૦ કેસ સામે આવ્યા છે. જેમાંથીસ ૨૬૯નો ઈલાજ ચાલી રહ્યો છે. જયારે રાજસ્થાનમાં ૪૦ ટકા કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં ૧૯૧૧ કેસ નોંધાયા હતા. જેમાંથી ૭૫ના મોત થયા છે. જયારે ગુજરાતમાં ૬૦૦ કેસ નોંધાયા હતા અને ૨૪ના મોત થયા છે. જયારે દિલ્હીમાં સૌથી વધુ ૫૩૨ કેસ એચ-૧, એન-૧ વાયરસના નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, વધતા જતા સ્વાઈનફલુના કેસને લઈ સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. તાજેતરમાં જ આરોગ્ય મંત્રાલય દ્વારા વિવિધ રાજયો સાથે એક મીટીંગ કરવામાં આવી હતી અને સ્વાઈન ફલુને લઈ કોઈ કોસ કાર્ય કરવા તેમજ સ્વાઈનફલુને ડીટેકટ કરવાની કામગીરી વધુ ઝડપી બનાવવા જણાવાયું છે. આ સાથે હોસ્પિટલમાં પણ દર્દીઓ માટે બેડની સુવિધા વધારવા જણાવાયું છે. વધુમાં આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સ્વાઈનફલુ માટેની દવાઓ ઓસેલ્તાવામીર અને એન-૯૫ માસ્કની સાથે ડાયગ્નોસ્ટીક કીટ પણ તૈયાર રાખવા જણાવાયું છે.

આ અંગે વધુ જણાવતા અમદાવાદ ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડો.વિવેક દવેના જણાવ્યાનુસાર વધારે ઠંડીના કારણે શરદી, કફ, ઉધરસના કેસ અને તાવના કેસમાં વધારો થઈ રહ્યો છે જે લોકોને બદલાતા હવામાનની ઝડપી અસર થાય છે તેઓએ આવી ઋતુમાં ખુબ જ કાળજી લેવી જોઈએ જેમાં ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને અન્ય બિમારીથી પીડાતા લોકોએ સામાન્ય શરદી, ઉધરસને કાબુમાં લેવા તુરંત ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.