Abtak Media Google News

દરરોજનો હાઈએસ્ટ 14 હજાર કેસનો આંકડો 5 હજારે પહોચ્યો

રાજયમાં રીકવરી રેટ નોંધપાત્ર દરે વધી 86.78 ટકાએ પહોંચ્યો

કોરોના વાયરસની બીજી લહેર ગુજરાત સહિત સમગ્ર દેશ માટે અતિ ઘાતકી સાબિત થઈ છે. એમાં પણ વાયરસનું નવું નવું સ્વરૂપ સામે આવતા વૈશ્વિક મહામારી સામેની લડત વધુ કપરી બની છે. પરંતુ કોરોનાના દરરોજના નવા કેસ તેની સર્વોરચ સપાટીએ પહોંચ્યા બાદ હવે તેનો ગ્રાફ સડસડાટ નીચે સરકી રહ્યો છે. ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ…. હોય તેમ ગુજરાતની જનતામાં જાગરૂકતા અને તંત્રની સતર્કતાના પગલે કોરોનાની બીજી લહેર અંકુશમાં આવી છે. દરરોજના નવા કેસ સતત ઘટી રહ્યા છે. ગત માસની મધ્યમાં દરરોજનો નવા કેસનો આંકડો સૌથી વધુ 14 હજાર કરતા પણ વધુ નોંધાયો હતો. પરંતુ હાલ આ આંકડો 5 હજારે પહોંચી ગયો છે. અને જો હજુ ઘટવાનો આ ગ્રાફ સતત ચાલુ રહેશે તો આગામી થોડા જ દિવસોમાં ફરી માર્ચ માસ જેવી સ્થિતિ થઇ જશે. અને કોરોના વાયરસની ઘાતકી સાબિત થયેલી બીજી લહેર સંપૂર્ણપણે ખતમ થઇ જશે.

છેલ્લાં 24 કલાકમાં 5,246 નવા કોરોના વાયરસ પોઝિટિવ કેસ નોંધાયા છે જેની સામે 9001 લોકો સાજા થયા છે. સંક્રમણનો કુલ આંકડો 7,71,447 પર પહોંચ્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 71 લોકોના મોત નિપજ્યા છે. દિવસ દરમિયાન કુલ 9,001 દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, જેના પગલે હવે રાજ્યનો કુલ રિકવરી રેટ 86.78 ટાકાએ પહોંચી ગયો છે. આ સાથે અત્યાર સુધીમાં 6,69,490 દર્દીઓ સાજા થઇ ઘેર ભેગા થયા છે.

નવા કેસ અંગે આરોગ્ય વિભાગે વધુ માહિતી આપતાં જણાવ્યું કે અમદાવાદમાં સૌથી વધુ 1,324 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરામાં 641, સુરત 390, રાજકોટ 307, જૂનાગઢ 293 અને જામનગર 213 નવા કેસ સામે આવ્યા છે. રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1,47,81,755 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 37,89,777 લોકોને રસીના બંને ડોઝ અપાઈ ચુક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.