Abtak Media Google News

વિકાસ દિવસની ઉજવણી અંતર્ગત જામનગર આઇટીઆઇ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મલ્ટીસ્ટોરે આઇ.ટી.આઇ. બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું દિલ્હી ખાતેથી ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી અને જામનગર ખાતે મેયર બીનાબેન કોઠારીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.સરકારે ગુજરાતને વિવિધ ક્ષેત્રે પ્રથમ હરોળ પર લાવી વિકાસનો વેગ વધાર્યો છે. દરેક વર્ગની ચિંતા સરકારે કરી છે, ત્યારે વિદ્યાર્થીઓના કૌશલ્યના નિર્માણ હેતુ દરેક વિદ્યાર્થીને યુનિક સમજી સરકાર તેમનો વિકાસ કરવા પ્રતિબદ્ધ છે.

દરેક વિદ્યાર્થી એબિલિટી, પારિવારિક સ્થિતિ કે શોખના વિષયથી અલગ હોય છે ત્યારે દરેક યુવાનને રોજગાર સાથે સ્વવિકાસની તક મળે તે માટે સરકાર કૌશલ ભારત યોજના અંતર્ગત આઇટીઆઇના વિદ્યાર્થીઓને કૌશલ્ય નિર્માણમાં સહાયક બની રહી છે. ગુજરાત રાજ્યનો વિકાસ દર અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધુ છે.

ત્યારે આઇટીઆઇના વિદ્યાર્થીઓને ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપી રાજ્યને અને દેશને વિશ્વ સ્તરે અગ્રીમ હરોળમાં સ્થાન અપાવવા યુવાધનને આગળ વધવા મેયર બીનાબેન કોઠારીએ શુભેચ્છા વ્યક્ત કરી હતી. જામનગર ખાતે રૂ.20.07 કરોડના ખર્ચે મલ્ટીસ્ટોર આઇ.ટી.આઇ બિલ્ડિંગનું નિર્માણ થયેલું છે. જેમાં વર્કશોપ રૂમ, ક્લાસરૂમ, અન્ય રૂમ તથા દરેક ફ્લોર પર ગર્લ્સ અને બોયઝના અલગ અલગ રૂમ તથા ટોયલેટ બ્લોક હેન્ડીકેપ અને સ્ટાફ રૂમ, પાર્કિંગ, ગાર્ડન સહિત વ્યવસ્થાનું નિર્માણ કરેલું છે.

ગુજરાત રાજ્ય માર્ગ મકાન વિભાગના જામનગર વિભાગના એક્ઝિક્યુટીવ એન્જિનિયર કટારમલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને દરેક ફ્લોર પર વર્કશોપ સાથે વેન્ટિલેશનયુકત વાતાવરણ મળી રહે તે પ્રમાણે વર્કશોપ રૂમનું નિર્માણ કરાયું છે. સંપૂર્ણ બિલ્ડીંગ ભૂકંપ પ્રતિરોધક બનાવવામાં આવી છે, સાથે જ બિલ્ડિંગમાં એક ઇન્ડોર જીમ, સેમિનાર હોલ, આર.ઓ.પ્લાન્ટ, ફાયર ફાઈટિંગ સિસ્ટમ તથા જનરેટર બેકઅપની વ્યવસ્થાઓ પણ નિર્મિત કરવામાં આવી છે. વળી દિવ્યાંગ વિદ્યાર્થીઓનું પણ ધ્યાન રાખીને હેન્ડીકેપ ટોયલેટ, રેમ્પ બનાવવામાં આવ્યા છે.

આમ આ બિલ્ડિંગમાં 4 માળનાં બાંધકામમાં 45 વર્કશોપ, 35 ક્લાસ રૂમ તથા 14 અન્ય રૂમો બનાવવામાં આવ્યાં છે. આ કાર્યક્રમ સ્થળે ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ તથા પરિવહન મંત્રી નીતિન ગડકરી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા હતા. સાથે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.