Abtak Media Google News

જનતા, રાજય સરકાર તથા પોલીસ વિભાગ બિન ગુજરાતીઓના રક્ષણ માટે કટીબધ્ધ છે

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતુ કે, રાજયમાં કોંગ્રેસ અને તેમના પ્રતિનિધિઓ દ્વારા બીન ગુજરાતીઓ ઉપર જે પ્રકારે ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે ગુજરાતની શાણી અને સમજુ જનતા જોઈ રહી છે. ગુજરાત તથા દેશની પ્રજાએ વિશ્ર્વાસ મુકીને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ભાજપા સરકારને જે પ્રકારે આવકાર આપ્યો છે. તે કોંગ્રેસને આંખમાં કણાની માફક ખૂંચી રહ્યું છે.

તેથી કોંગ્રેસ યેનકેન પ્રકારે રાજયમાં જ્ઞાતિજાતી તથા પ્રાંતવાદના નામે વર્ગવિગ્રહ ફેલાવી રાજયની શાંતિ ડહોળવા માંગે છે. આવી વોટબેંકની રાજનીતિ કરનાર કોંગ્રેસની સત્તાલાલસાની હીન માનસીકતા પ્રજા સમક્ષ છતી થઈ ગઈ છે.

વાઘાણીએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસ ગુજરાત રાજયનું અર્થતંત્ર ખોરવવાની મલીન રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસ પ્રેરિત કેટલાક લેભાગુ તત્વો આવા દુષ્કૃત્યો કરી રહ્યા છે જે કોંગ્રેસનું ખૂબ મોટુ ષડયંત્ર હોવાનું જણાય છે. ત્યારે રાજયની જનતા શાંતી જાળવી રાખે. રાજયની આર્થિક કરોડ રજજૂ એ ખેતી અને ઉદ્યોગ છે. આવનાર તહેવારોના સમયે ઉદ્યોગોમાં નાના મોટા ઓર્ડર ક્ધસાઈનમેન્ટ નકકી થયેલા હોય ત્યારે શું કોંગ્રેસ ઉદ્યોગકર્મીઓ અને પરપ્રાંતીયોને ડરાવી ધમકાવીને ભગાડીને ઉદ્યોગોને અટકાવી રાજયના અર્થતંત્રને ખોરવવા માંગે છે?

વાઘાણીએ જણાવ્યું હતુ કે, ભાજપા સૌનો સાથ સૌનો વિકાસ ના મંત્રને લઈને તમામ લોકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. જયારે સતા મેળવવા માટે ગમે તેવાહથકંડા અપનાવવા તે કોંગ્રેસનો ઈતિહાસ રહ્યો છે. કોંગ્રેસ હંમેશા સત્તા મેળવવા આપ્રકારનાં હીનકાર્યો કરતી આવી છે.

સત્તા વિહોણી કોંગ્રેસના આવા નિવેદનોથી અશાંતિ ફેલાવવાના ષડયંત્રોની તેની મેલીમુરાદ રાજયની પ્રજા સમક્ષ છતી થઈ ગઈ છે. ત્યારે ગુજરાતની જનતા કયારેય કોંગ્રેસના આવા ષડયંત્રોને સફળ થવા નહી દે તેવી વાઘાણીએ ખાતરી આપી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.