Abtak Media Google News

ઉદ્યોગોને વૈશ્વિક પ્લેટફોર્મ મળવાની સાથે તેઓ ડિજિટલ ઉદ્યોગસાહસિક તરીકેની યાત્રા પણ શરૂ કરી શકશે

અબતક, રાજકોટ : ગુજરાતની હવામાં જ વેપાર છે એ વાત આખું વિશ્વ જાણે છે. ગુજરાતીઓ વેપાર માટે જાણીતા છે. કદાચ તક ન પણ મળે તો પણ ગુજરાતીઓ તક શોધી કાઢીને વેપાર કરી લેવાનું સામર્થ્ય ધરાવે છે. ગુજરાતીઓના આ હુન્નરને પારખીને હવે એમેઝોન પણ ગુજરાતમાં આવ્યું છે.તેને ભારતના પ્રથમ ડિજિટલ કેન્દ્રને ખુલ્લું મૂક્યું છે. આ કેન્દ્ર હવે ગુજરાતના એમએસએમઇ ઉદ્યોગો માટે નવો અધ્યાય રચવાનું છે.

Advertisement

એમેઝોન ઇન્ડિયાએ ભારતમાં તેના પ્રથમ ડિજિટલ કેન્દ્રને ગુજરાતમાં સુરતમાં લોંચ કર્યું છે. આ કેન્દ્રનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વર્ચ્યુઅલી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેન્દ્ર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને ઇકોમર્સના લાભો અંગે શીખવાની તક તેમજ શિપિંગ અને લોજીસ્ટિક્સ સપોર્ટ, કેટલોગિંગ આસિસ્ટન્સ, ડિજિટલ માર્કેટિંગ સેવાઓ, જીએસટી અને ટેક્સેસન સપોર્ટ વગેરે સેવાઓ પ્રાપ્ત કરવાની તક આપશે.

આ કેન્દ્રની મદદથી એમએસએમઇ ઉદ્યોગો ડિજિટલ ઉદ્યોગસાહસિક તરીકેની તેમની યાત્રા શરૂ કરી શકશે. ડિજિટલ કેન્દ્રના લોન્ચિંગ વેળાએ અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે, ગત વર્ષે સમભાવ ખાતે અમે જાહેરાત કરી હતી કે ભારતમાં વર્ષ 2025 સુધીમાં 10 મિલિયન ભારતીય એમએસએમઇને ડિજિટલાઇઝ કરવામાં મદદ કરવા એમેઝોન 1 બિલિયન યુએસ ડોલરનું રોકાણ કરશે. સુરતમાં અમારા પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્રની શરૂઆત સાથે આ લક્ષ્યની દિશામાં વધુ એક પગલું ભરી રહ્યાં છીએ.

એમએસએમઇની ઉપસ્થિતિ હોય ત્યાં સાચા ટુલ્સ, સપોર્ટ અને સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઇ જવાનો આ ઉત્તમ પ્રયાસ છે અને તેનાથી એમએસએમઇને ઇકોમર્સના લાભો પ્રાપ્ત કરવામાં મદદ મળશે. એમેઝોન ડિજિટલ કેન્દ્ર એમએસએમઇને ટેક્નોલોજી અપનાવીને તેમના બિઝનેસના વિકાસમાં મદદ કરશે તેમજ ભારતીય અર્થતંત્રમાં સુધારા અને વૃદ્ધિ માટે તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે.

એમેઝોનના ડિજિટલ કેન્દ્રમાંથી કઈ સેવાઓ મળશે ?

તમામ એમએસએમઇ એમેઝોન ડિજિટલ કેન્દ્રની મુલાકાત લઇ શકે છે તેમજ ઇકોમર્સના લાભો અંગે તાલીમ, જીએસટી અને ટેક્સેશન સપોર્ટ, શિપિંગ અને લોજીસ્ટિક સપોર્ટ, કેટલોગિંગ આસિસ્ટન્સ, ડિજિટલ માર્કેટિંગ સર્વિસિસ વગેરે સહિતની થર્ડ પાર્ટી સેવાઓ પ્રાપ્ત કરી શકે છે. જો એમએસએમઇ એમેઝોન ડોટ ઇન અથવા એમેઝોન ગ્લોબલ સેલિંગ, એમેઝોન પે, એમેઝોન કારીગર, એમેઝોન સહેલી, આઇ હેવ સ્પેસ, એમેઝોન ઇઝી વગેરે જેવા એમેઝોનના બીજા પ્રોગ્રામ ઉપર ઓનબોર્ડિંગ સર્વિસ પ્રાપ્ત કરવાની પણ તેમને તક આપશે.

એમેઝોન તેના ત્રણ મહત્વના લક્ષ્યાંકને સાકાર કરવાની દિશામાં

ગત વર્ષે સમભાવ સમીટના ઉદ્ઘાટનમાં એમેઝોને ત્રણ મહત્વપૂર્ણ વચનની જાહેરાત કરી હતી. 10 મિલિયન એમએસએમઇને ડિજિટલ રીતે સક્ષમ કરવી, 10 બિલિયન ડોલરના મૂલ્યની ઇકોમર્સ નિકાસો સક્ષમ કરવી અને ભારતમાં 2020 અને 2025 વચ્ચે 1 મિલિયન વધારાની નોકરીઓનું સર્જન કરવું. કંપની તેના વચનને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહી છે અને તેણે પહેલેથી જ 2.5 મિલિયન એમએસએમઇને ડિજિટાઇઝ કરી છે, 3 બિલિયન ડોલરના મૂલ્યની કુલ નિકાસો સક્ષમ કરી છે તેમજ ભારતમાં આજની તારીખમાં લગભગ 1 મિલિયન રોજગારની તકોનું સર્જન કરવામાં મદદ કરી છે, જેમાં જાન્યુઆરી 2020 સુધીમાં 300,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારનો સમાવેશ થાય છે.

આ કેન્દ્ર ઉદ્યોગોને ટેકનોલોજીના સાચા જ્ઞાન અને કૌશલ્યથી સજ્જ કરશે : વિજયભાઈ રૂપાણી

એમેઝોન ડિજિટલ કેન્દ્રનું ઉદ્ઘાટન કરતાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હું આ પ્રકારની પહેલ બદલ એમેઝોન ઇન્ડિયાને અભિનંદન પાઠવું છું કે જે સાચા જ્ઞાન, કૌશલ્ય અને સહયોગથી એમએસએમઇને સજ્જ કરવામાં મદદરૂપ બનશે તેમજ ટેક્નોલોજી અપનાવવા અને ઇકોમર્સના લાભો બાબતે સહયોગ આપશે. આ વધુ મહત્વપૂર્ણ છે કારણકે તાજેતરના પડકારો બાદ પોતાના વ્યવસાયને પુનર્જીવિત કરવા અને પુનઃનિર્માણ કરવા ઉપર ધ્યાન આપી રહી છે.

આ પ્રકારની પહેલ ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્રના વિઝનની દિશામાં આગળ લઇ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે આપણી એમએસએમઇને સક્ષમ બનાવશે. ભારતીય અર્થતંત્રમાં એમએસએમઇ વધુ મજબૂત ભૂમિકા ભજવે તે માટે આપણે તેમને સશક્ત અને સક્ષમ બનાવવાની જરૂર છે. મને ખુશી છે કે સુરતમાં પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્ર આવ્યું છે, જે હજારો એમએસએમઇ અને ટ્રેડર્સનું ઘર છે. મને વિશ્વાસ છે કે તેઓ ડિજિટલ ઉદ્યોગસાહસિક બનીને લાભો પ્રાપ્ત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.