Abtak Media Google News

ન્યુ રાજકોટમાં માત્ર ઝાપટુ પડયું: સામાન્ય વરસાદમાં પણ શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદ ઉપરવાસમાં પડેલા વરસાદથી આજી ડેમમાં નવું અડધો ફૂટ પાણી આવ્યું: ન્યારી ડેમમાં ફરી નર્મદા મૈયાની પધરામણી

રાજકોટમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં પોણો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તો જુના રાજકોટમાં અડધો ઈંચ વરસાદ પડયો છે. સામાન્ય રીતે દર વખતે જયાં સૌથી વધુ વરસાદ પડતો હોય છે તે શહેરનાં પશ્ર્ચિમ ઝોન વિસ્તારમાં માત્ર ઝાપટુ પડયું હતું. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદનાં કારણે શહેરની જીવાદોરી સમાન આજીડેમમાં અડધો ફુટ પાણીની આવક થવા પામી છે તો ન્યુ રાજકોટની જીવાદોરી એવા ન્યારી-૧ ડેમમાં ફરી નર્મદા મૈયાનું આગમન થવા પામ્યું છે.

Advertisement

આજે સવારથી શહેરમાં આકાશમાં કાળાદિબાંગ વાદળોનો જમાવડો જામ્યો હતો. ૧૧:૦૦ વાગ્યા આસપાસ મેઘરાજાનું આગમન થયું હતું. શહેરનાં ઈસ્ટ ઝોન એટલે કે સામાકાંઠા વિસ્તારમાં સૌથી વધુ ૧૮ મીમી વરસાદ પડયો હોવાનું ફાયર બ્રિગેડનાં રેકોર્ડ પર નોંધાયું છે તો જુના રાજકોટમાં પણ ૧૨ મીમી એટલે કે અડધો ઈંચ વરસાદ વરસી ગયો છે. દર વખતે ચોમાસાની સીઝન દરમિયાન ત્રણેય ઝોનમાં સૌથી વધુ વરસાદ પશ્ર્ચિમ વિસ્તારમાં પડતો હોય છે અને પૂર્વ ઝોનનો ક્રમ છેલ્લો હોય છે પરંતુ આ વખતે જાણે પ્રથમ વરસાદમાં જ જાણે ઉંધુ થયું હોય તેમ ઈસ્ટ ઝોનમાં આજે સૌથી વધુ વરસાદ પડયો હતો તો વેસ્ટ ઝોનમાં માત્ર સામાન્ય ઝાપટુ પડયું હતું. હળવા વરસાદમાં પણ મહાપાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની પોલ મેઘરાજાએ ખોલી નાખી હોય તેમ આજે વોર્ડ નં.૧૨માં ગોકુલધામ સોસાયટી, જલજીત સોસાયટી, દ્વારકાધીશ સોસાયટી, વોર્ડ નં.૧૩માં ગુરુપ્રસાદ ચોક જયારે વોર્ડ નં.૧૭માં કોઠારીયા રોડ પર નંદા હોલ સહિતનાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

Img 20200608 Wa0054

નંદા હોલ વિસ્તારમાં વધુ પડતું પાણી ભરાઈ જવાનાં કારણે સ્થાનિક કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામી તાબડતોબ સ્થળ પર દોડી ગયા હતા અને સેન્ટ્રલ ઝોનનાં ડીએમસી ચેતન નંદાણીને સ્થળ પર બોલાવી પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરાવી હતી. ગઈકાલે સાંજે રાજકોટની આસપાસનાં વિસ્તારોમાં પડેલા ભારે વરસાદનાં કારણે જળાશયોમાં નવા નીરની આવકનાં શ્રીગણેશ થયા છે. રાજકોટની જીવાદોરી ગણાતા એવા આજીડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૦.૫૨ ફુટ પાણીની આવક થવા પામી છે. ૨૯ ફુટની ઉંડાઈ ધરાવતા ડેમની વર્તમાન જળસપાટી ૨૧.૭૦ ફુટે પહોંચી જવા પામી છે. ડેમ ઓવરફલો થવામાં હવે માત્ર ૭.૩૦ ફુટ જ બાકી રહ્યો છે. ડેમમાં ૫૦૨ એમસીએફટી પાણી સંગ્રહિત છે. ન્યુ રાજકોટની જળજરૂ‚રીયાત સંતોષતા ન્યારી-૧ ડેમમાં ફરી નર્મદામૈયાનું આગમન થયું છે. ચોમાસાની સીઝનમાં સંતોષકારક વરસાદ ન પડે અને ડેમમાં પાણીની આવક ન થાય ત્યાં સુધી વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે ન્યારી ડેમમાં ૧૮૫ એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવા માટે કોર્પોરેશન દ્વારા રાજય સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી જેનાં ભાગ‚રૂપે ગઈકાલથી ન્યારી ડેમમાં નર્મદાનાં નીર ઠાલવવાનું શરૂ‚કરી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.