Abtak Media Google News

ચકચારી નાની સિંચાઈ કૌભાંડમાં મલાઈ તારવનાર મંડળીના હોદેદારો અને રાજકીય આગેવાનો ભુગર્ભમાં ઉતરી ગયા !!

હળવદ સહિત મોરબી જિલ્લાના ચકચારી નાની સિંચાઈ કૌભાંડમાં એક પછી એક રાજકીય આગેવાનોની ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી એ ડિવીઝન પોલીસ મથક દ્વારા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ હળવદ તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિની નાની સિંચાઈ કૌભાંડમાં નામ ખુલતા ધરપકડ કરવામાં આવી છે અને હજુ આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલા છે તેની તપાસ ચાલી રહી છે.

હળવદ પંથક સહિત મોરબી જિલ્લામાં આવેલ તલાવડાઓની સાફ-સફાઈ તેમજ ઉંડા ઉતારી પાણી સંગ્રહીત કરવા માટે રાજય સરકાર દ્વારા ર૦ કરોડ રૂપિયા નાની સિંચાઈ યોજનાના કામો માટે મંજુર કરવામાં આવ્યા હતા. જોકે આ કામો માત્ર કાગળો પર બતાવી સરકારી અધિકારીઓ સહિત રાજકીય આકાઓ દ્વારા સિંચાઈ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં ગત તા.ર૦ના રોજ હળવદના માનસર ગામના અને મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી જેમને કોર્ટમાંથી રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા ત્યારબાદ રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો હતો. ત્યારે આજે ચકચારી સિંચાઈ કૌભાંડની જાણવા મળતી વિગતો મુજબ વધુ એક હળવદના સુસવાવ ગામના અને તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિ અરવિંદભાઈ સાપરાની ધરપકડ કરવામાં આવી છે. તો સાથો સાથ ચકચારી નાની સિંચાઈ કૌભાંડમાં આગામી દિવસોમાં પોલીસ દ્વારા હજુ રાજકીય આગેવાનોની આ કૌભાંડની અંદર ધરપકડ કરવામાં આવે તેવા સંકેતો સાંપડી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાની સિંચાઈ કૌભાંડમાં સંડોવાયેલા સિંચાઈ વિભાગના અધિકારી, જુદીજુદી મંડળીઓના હોદેદારો અને રાજકીય આગેવાનોની કડક પુછપરછમાં એક પછી એક નામ ખુલતાની સાથે જ ગભરાઈ ગયેલા કૌભાંડીઓ આઉટ ઓફ ટાઉન અન્યથા ભુગર્ભમાં ઉતરી ગયા છે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.