Abtak Media Google News

પોલીસના દરોડામાં રપ૦ લીટર  દેશી દારૂ, ૩પ૦૦ લીટર આથો તેમજ દારૂ બનાવવાના સાધનો અને ચાર મોટર સાયકલ સહિત કુલ રૂ.૧,૬૧,૪૦૦ના મુદામાલ ઝડપાયો

હળવદ તાલુકામાં દેશી દારૂના હાટડાઓ ફુલ્યા ફાલ્યા છે ત્યારે દેશી દારૂની બદીને નાબુદ કરવા હળવદ પોલીસ દ્વારા સુંદરગઢ ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદીના પટમાં આજે પોલીસના દરોડામાં રપ૦ લીટર દેશી દારૂ, ૩પ૦૦ લીટર દારૂ બનાવવાનો આથો, તેમજ દારૂ બનાવવાના સાધનો અને ચાર મોટર સાયકલ સહિત કુલ રૂ.૧,૬૧,૪૦૦નો મુદામાલ ઝડપી પાડયો છે. જયારે પોલીસની રેડમાં આરોપીઓ ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. તેમજ પાંચેય શખ્સો સામે ગુનો નોંધી ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં દેશી દારૂના હાટડાઓ ધમધમી રહ્યા હોવાની અવારનવાર જાગૃત લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોય છે ત્યારે દારૂના હાટડા પર ધોંસ બોલાવવા હળવદ પોલીસ સફાડી જાગી હોય તેમ આજે તાલુકાના સુંદરગઢ ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીના પટમાં દેશી દારૂના ધંધાર્થીઓ દારૂ ગાળતા હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસના હે.કો. વસંતભાઈ વઘેરા, સંજયભાઈ લકુમ, ગંભીરસિંહ, સત પંકજભા સહિતના પોલીસ કર્મીઓએ દરોડો પાડતા દારૂ ગાળતા બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી. હળવદ પોલીસે ઘટના સ્થળેથી રપ૦ લીટર દેશી દારૂ કિ.પ હજાર, ૩પ૦૦ લીટર દારૂ ગાળવાનો આથો, કિ.રૂ.૭ હજાર તેમજ દારૂ બનાવવાના અલગ અલગ સાધનો કિ.રૂ. ૪૪,૦૦ તથા દારૂના વેંચાણ માટે હેરાફેરી કરવા રાખેલ ચાર મોટર સાયકલ કિ.રૂ.૧,૪પ ૦૦૦ મળી કુલ ૧,૬૧,૪૦૦નો મુદામાલ ઝડપી પાડી આરોપી સામે હળવદ પોલીસના હે.કે. સત પંકજભા પ્રવીણભા ગુઢડાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં રમણીક કાળુ કોળી, બાબુ બેચર કોળી, દેવા બાબુ કોળી, રાજેશ લાલજી કોળી, ગણેશ બચુ કોળી રહે. તમામ સુંદરગઢ વાળાઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન તેજ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.