Abtak Media Google News
  • ‘તું બે ઘરના પાણી પીને આવી છો તારી શું ક્વોલિટી’ કહી પરિણીતાને ત્રાસ આપતા પતિ અને દિયર વિરૂદ્ધ નોંધાતો ગુનો
  • દહેજ માગી માનસિક ત્રાસ આપતા સાસરીયા સામે નોંધાવી ફરિયાદ

શહેરમાં પરણીતા પર ત્રાસ ગુજારતા હોવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.ત્યારે વધુ એક બનાવમાં પ્રકાશમાં આવ્યો છે.જેમાં ત્રીજા લગ્ન કરનાર પરિણીતાને બીજા લગ્ન કરનાર પતિ ’તું બે ઘરના પાણી પીને આવી છો તારી શું ક્વોલિટી’ તેમ કહી ત્રાસ ગુજારતા હોવાથી તેને મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ અને દિયર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

વિગતો મુજબ કાલાવડ રોડ પર આવેલા સરકારી આવાસમાં છેલ્લા દોઢ મહિનાથી માવતરે રહેતી સાવિત્રી નામની પરિણીતાએ શાપરના શાંતિધામ સોસાયટીમાં રહેતા પતિ જશવંત ઉર્ફે હકો રામજીભાઇ ચૌહાણ અને દિયર અશોકભાઇ ઉર્ફે કાળો સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં તેને જણાવ્યા મુજબ, અગાઉ બે લગ્ન વિચ્છેદ થયા બાદ આંગળિયાત પુત્રીને લઇ જશવંત સાથે ગત તા.1-8-2022ના રોજ કોર્ટમાં ત્રીજા લગ્ન કર્યા છે. પતિના પણ આ બીજા લગ્ન છે. તેને આગલા ઘરની દીકરી છે. જે તેની પૂર્વ પત્ની પાસે છે. લગ્ન બાદ પોતે શાપર સાસરે ગઇ હતી. દસ દિવસ બાદ જ સાસુએ ઘરકામ મુદ્દે મેણાં મારવાનું શરૂ કરી ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું. જેને કારણે દિયર પણ પતિને કહેતા કે તે કેવી બાઇ સાથે લગ્ન કર્યા છે, રાંધતા, ઘરકામ કરતા આવડતું નથી. તું આને એના માવતર મૂકી આવ તેમ કહી ચડામણી કરતા હતા.

જે ચડામણીથી પતિ પોતાને દારૂ પીને માર મારતા હતા. પતિ જશવંતને ધંધો કરવો હોય તે અવારનવાર પોતાને પિયરથી રૂપિયા લઇ આવવા દબાણ કરતા રહેતા હતા. અને પોતે આ વાતનો કોઇ જવાબ નહિ આપતા પોતાની સાથે છૂટાછેડા લેવા દબાણ કરતા હતા. પતિ સહિતના સાસરિયાઓ પોતાને ત્રીજા લગ્ન મુદ્દે અવારનવાર મેણાં મારતા અને કહેતા કે તું તો ઘર ઘરના પાણી પીને આવી છો, છેલ્લી ક્વોલિટીની છો તેમ કહી ઘરની બહાર જવા દેતા નહિ એટલું જ નહિ ઘરના ઉંબરે પણ બેસવા દેતા નહીં. અને પોતાને કડવા વેણ કહ્યા કરતા હતા.દરમિયાન દોઢ મહિના પહેલા પતિએ ભાઇને ફોન કરી તારી બહેન બહુ બોલ બોલ કરે છે, અમારી સાથે સરખી રહેતી નથી, મારે તેને રાખવી નથી તમે એને લઇ જાવ તેમ કહ્યું હતું. જેથી ભાઇ-ભાભી શાપર આવી પોતાને તેડીને માવતરે લઇ ગયા હતા. સમાધાનના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ પતિને સમાધાન કરવું ન હોય અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સાસુ નીમુબેન કેન્સરની બીમારીથી પીડાતા હોય તેમની સામે પોતે કોઇ ફરિયાદ કરવા નહિ ઇચ્છતા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.