Abtak Media Google News

ગુજરાત રાજ્ય બહાર જતા પૂર્વે ગુજરાત હાઇકોર્ટની લેવી પડશે મંજૂરી!!

સુપ્રીમ કોર્ટે ગુજરાત કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ હાર્દિક પટેલની અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ તેમની જામીનની શરત હટાવવાનો ઈન્કાર કરી દીધો છે. શરત મુજબ હાર્દિકને ગુજરાત બહાર જતા પહેલા કોર્ટની પૂર્વ મંજૂરી લેવી પડશે.

હાર્દિક પટેલ વતી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુનાવણી દરમિયાન જણાવ્યું કે મેનકા ગાંધીના કેસમાં તમે નિર્ણય સંભળાવ્યો હતો. મને વિદેશ જવાનો મૌલિક અધિકાર છે. બેંકે કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું કે અમે નોટીસ જારી કરીશું. અગાઉ હાર્દિકની જામીન શરત હટાવવાની ગુજરાત હાઈકોર્ટમાં પણ માંગ કરવામાં આવી હતી, જોકે હાઈકોર્ટે તેમની માંગને ફગાવી દીધી હતી, જેના પછી તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.

રાજ્ય છોડતા પહેલા કોર્ટની પૂર્વ મંજૂરી લેવાની જામીન શરત જાન્યુઆરી ૨૦૨૦માં હાર્દિક માટે રાખવામાં આવી હતી. આ કેસ ૨૦૧૫માં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર સાથે સંબંધિત છે અને હાર્દિક અમદાવાદની ટ્રાયલ કોર્ટમાં હાજર થયો ન હતો. જેના પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

મામલો પાટીદાર આંદોલન સાથે સંબંધિત છે, જેના તેમના પર રાજદ્રોહનો આરોપ લાગ્યો હતો. ટ્રાયલ કોર્ટે તેમને જામીન આપતી વખતે એવી શરત મૂકી હતી કે તેમણે ગુજરાતની સ્થાનિક સીમા છોડતા પહેલા કોર્ટની પૂર્વ મંજૂરી લેવી પડશે. પટેલે અગાઉ અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીનની શરતે ૧૨ અઠવાડિયાના સમયગાળા માટે કામચલાઉ સસ્પેન્શનની માંગણી કરી હતી. કોંગ્રેસ નેતાએ ત્યારે જણાવ્યું હતું કે તે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી માટે પ્રચાર કરવા માંગે છે. સપ્ટેમ્બર ૨૦૨૦ માં ટ્રાયલ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી, જેના પછી પટેલે ગુજરાત હાઈકોર્ટમાં નિર્ણયને પડકાર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.