Abtak Media Google News

સુરેન્દ્રનગરમાં ૪૩.૩ ડિગ્રી અને રાજકોટમાં ૪૨.૫ ડિગ્રી તાપમાન: હીટવેવથી પ્રજા ત્રાહિમામ

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનાં પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હજી બે દિવસ આકાશમાંથી અગ્નિવર્ષા ચાલુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ગઈકાલે સુરેન્દ્રનગર ૪૩.૩ ડિગ્રી સેલ્શીયસ અને રાજકોટ ૪૨.૫ ડિગ્રી સેલ્શીયસ તાપમાન સાથે અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયા હતા. કાળઝાળ ગરમીમાં પણ સૌરાષ્ટ્રવાસીઓએ ગઈકાલે લોકશાહીનાં મહાપર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી અને હોંશભેર મતદાન કર્યું હતું.

Advertisement

આ વર્ષે ઉનાળાનાં આરંભથી જ સુર્યનારાયણ કાળઝાળ બની આકાશમાંથી રીતસર અગનવર્ષા કરી રહ્યા છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં કારણે રાજયભરમાં એક પખવાડિયા પૂર્વે પડેલા કમોસમી વરસાદનાં કારણે ગરમીનાં પ્રમાણમાં થોડો ઘટાડો નોંધાયો હતો. જોકે ગત સોમવારથી ફરી ગરમીનું જોર વઘ્યું છે. રાજયમાં પાંચ દિવસ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગઈકાલે સુરેન્દ્રનગર અને રાજકોટ સહિતનાં અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રી આસપાસ રહેવા પામ્યો હતો. આગામી ૪૮ કલાક એટલે કે બે દિવસ સુધી હજી આકાશમાંથી અગનવર્ષા ચાલુ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે સુરેન્દ્રનગર ૪૩.૩ ડિગ્રી તાપમાન સાથે રાજયનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. રાજકોટમાં પણ ગઈકાલે તાપમાનનો પારો ૪૨.૫ ડિગ્રી સેલ્શીયસે પહોંચી જવા પામ્યો હતો. ગાંધીનગર અને ડિસામાં પણ કાલે તાપમાન ૪૨ ડિગ્રીને પાર રહ્યું હતું. આગામી બે દિવસ હજી યેલો એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. દરીયાઈ પટ્ટી વિસ્તારમાં ગરમીમાં થોડી રાહત રહેશે. હાલ દરિયાઈ પવનો જમીન પરથી પસાર થઈ રહ્યા હોવાનાં કારણે ગરમીનું જોર વઘ્યું છે.

ગઈકાલે સૌરાષ્ટ્રમાં આકાશમાંથી અગનવર્ષા થતી હતી છતાં લોકોએ હોંશભેર લોકશાહીનાં મહાપર્વની ઉજવણી કરી હતી અને ઉમંગભેર મતદાન કર્યું હતું. કાળઝાળ ગરમીનાં કારણે બપોરનાં સમયે રાજમાર્ગો પર સ્વયંભુ સંચારબંધી જેવો માહોલ સર્જાય જાય છે. દિવસભર આકરા તાપમાં તપ્યા બાદ લોકો રાત્રીનાં સમયે ઠંડક મેળવવા માટે રીતસર ઘરની બહાર નિકળી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.