Abtak Media Google News

મેંદરડાનાં અંબાલા ગામે કોંગ્રેસનાં ધારાસભ્ય અને ભાજપનાં કાર્યકરો વચ્ચે ઝપાઝપી

બિલખા રોડ પર ત્રણ શખ્સોએ લાકડીથી હુમલો કરી મતદારોને ભગાડયા

જુનાગઢ લોકસભાની ચુંટણી દરમિયાન મતદાન પ્રશ્ર્ને ચાર સ્થળે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઝપાઝપી થયાનું પોલીસમાં અને ચુંટણીપંચ સમક્ષ ફરિયાદ થઈ છે. મેંદરડાના આંબલા ગામે કોંગ્રેસના ધારાસભ્ય અને ભાજપનાં કાર્યકરો વચ્ચે બોગસ મતદાનનાં પ્રશ્ર્ને માથાકુટ થઈ હતી. જયારે બિલખા રોડ પર મતદારોને લાકડી સાથે પાછળ દોડી ભગાડવાનો વિડીયો વાયરલ થયા બાદ ત્રણ શખ્સો સામે ગુનો નોંધાતા પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. ભેંસાણનાં ચુડા ગામે મતદાનના પ્રશ્ર્ને પ્રિ-સાઈડીંગ ઓફિસર સાથે માથાકુટ થયાનું પોલીસમાં નોંધાયું છે.

Advertisement

જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાનાં આંબલા ગામે ભાજપનાં કાર્યકરો બોગસ મતદાન કરતા હોવાની બબાલમાં કોંગ્રેસનાં ધારાસભ્ય ભીખાભાઈ જોશીને અને ભાજપનાં કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. મેંદરડાના આંબલા ગામે ચાલી રહેલા મતદાનમાં ભાજપનાં કાર્યકરો બોગસ મતદાન કરાવી રહ્યાની ફરિયાદ કોંગ્રેસે ચુંટણી પંચને કરી હોવા છતાં કોઈ એકશન ન લેવાતા અંતે જુનાગઢના કોંગ્રેસનાં ધારાસભ્ય ભીખાભાઈ જોશી ત્યાં પહોંચ્યા હતા, અહીં તેમને અને ભાજપનાં કાર્યકરો વચ્ચે બોગસ મતદાન મામલે ડખ્ખો થયો હતો. જેમાં બંને પક્ષે ઝપાઝપી થઈ હતી. જોકે બાદમાં મામલો થાળે પડયો હતો. જોકે હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ નોંધાવી નથી.

જુનાગઢમાં બીલખા રોડ ઉપર મતદાન કરવા જતા કેટલાક મતદાર ભાઈઓ અને બહેનોને ખુલ્લેઆમ ગાળો આપીને લાકડીઓ લઈને પાછળ દોડી ધમકાવતા બે શખ્સને પોલીસે ઝડપી લઈ ગુન્હો નોંઘ્યો હતો. જુનાગઢમાં બીલખા રોડ ઉપર આંબેડકરનગરમાં રહેતા કેશુભાઈ લાખાભાઈ વાઘ અને બીજા મતદારો મતદાન કરવા જતા હતા ત્યારે પ્રદીપનાં ખાડિયામાં રહેતો સંજય ઉર્ફે બાડીયો અને કિશોર ખાંટ બંને ખુલ્લેઆમ મતદારોને ગાળો આપી રહ્યા હતા. બંને હાથમાં લાકડી, ધોકા લઈને મતદારો પાછળ દોડીને મારવા દોડતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ અંગેની ફરિયાદ મળતા એ ડિવીઝન પોલીસે તપાસ કરતા એક આરોપી સંજય સોલંકી ભાજપ કાર્યકરની કારમાંથી મળી આવ્યો હતો. જયારે બીજો કિશોરને પકડી બંનેને ઝડપી લીધા હતા. બંને સામે કેશુભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ભેંસાણ તાલુકાના ચુડા ગામે નાસીરભાઈને બેલેટ પેપરથી મતદાન કરવાનું હોવા છતાં તેઓ મતદાન મથક પર મતદાન કરવા ગયા ત્યારે તેઓને બેલેટ પેપરથી મતદાન કરવા અંગે પ્રિ-સાઈડીંગ ઓફિસર વિજયભાઈ કાંતિલાલ મહેતાએ સમજાવતા હતા ત્યારે નાસીરભાઈનું ઉપરાણુ લઈને અનવરશા હાસમશા દિવાન મતદાન મથકમાં ઘસી ગયો હતો અને પ્રિ-સાઈડીંગ ઓફિસર મહેતા સાથે માથાકુટ કરી પોતાના પાસે રહેલા મોબાઈલથી વિડીયો શુટીંગ કરી મતદાન મથકમાં ગુપ્તતાનો ભંગ કર્યા અંગેનો ભેંસાણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જુનાગઢની કામદાર સોસાયટીમાં રહેતા ગૌતમભાઈ બકુલભાઈ ઝાલા મતદાન કરીને ઘરે આવી રહ્યા હતા ત્યારે અંજુમ ઉર્ફે મુનીર કાળુ, હર્ષદ અને જાવીદ ઉર્ફે ટકા નામના શખ્સોએ પાઈપથી માર મારી ખુનની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.