Abtak Media Google News

સેન્સેક્સ અને નિફ્ટીનો સત્યાનાશ: અબજો રૂપીયાનું ધોવાણ: ડોલર સામે રૂપિયો તૂટ્યો

અમેરિકામાં મહામંદીના ભણકારા વાગી રહ્યા છે. ડાઉજોન્સમાં તોતીંગ  કડાકા બોલી ગયા હતા. વિશ્ર્વભરના શેરબજારો સતત તૂટી રહ્યા છે. આજે ભારતીય શેરબજારે પણ રોકાણકારોને રડાવ્યા હતા. ઉઘડતી બજારે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં કળ ન વળે તેવા કડાકા બોલી ગયા હતા. ડોલર સામે રૂપીયાનું ધોવાણ પણ ચાલુ છે.

ચાલુ સપ્તાહે ભારતીય શેરબજારમાં પ્રથમ બે દિવસ તેજી જોવા મળી હતી. ગઇકાલે બજારમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. ગ્રીન ઝોન ખૂલેલુ બજાર રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. અમેરિકામાં મહામંદીના ભણકારા વાગી રહ્યા છે. ડાઉ જોન્સમાં મોટો કડાકો બોલી ગયો હતો. આંતરરાષ્ટ્રીયસ્તરે મોટાભાગના શેરબજારોમાં મંદી જોવા મળી રહી છે. જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે.

આજે પ્રિ-ઓપનીંગમાં બજાર મોટા કડાકા સાથે ખૂલ્યું હતું. સેન્સેક્સે 54 હજારની સપાટી તોડી હતી અને ઇન્ટ્રાડેમાં 53053.75 પોઇન્ટ સુધી નીચે સરકી ગયો હતો. જ્યારે નિફ્ટીએ પણ 16 હજારની સપાટી તોડી હતી અને 15903.80ની નીચલી સપાટીએ પહોંચી ગઇ હતી. આજે બજારમાં મંદીએ ફૂંફાડો મારતા રોકાણકારોના અબજો રૂપીયાનું ધોવાણ થઇ ગયું હતું.

આજે મંદીમાં પણ આઇટીસી મેટ્રોપોલીસ, એલઆઇસી હાઉસીંગ ફાઇનાન્સ, પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ અને આઇટીસી જેવી કંપનીના શેરોના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે મનાપ્પુરમ ફાઇનાન્સ, લુપીન, એમફાસીસ, એલએન્ડટી ટેકનોલોજી, ઇન્ફોસીસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇસીઆઇસીઆઇ બેન્કના શેરોના ભાવમાં કડાકો બોલી ગયો હતો. અમેરિકામાં આર્થિક મંદીનો આરંભ થઇ ચુક્યો હોવાનું જાણકારો માની રહ્યા છે.

જેના કારણે હવે શેરબજારમાં મંદી જોવા મળી રહી છે. જેની અસર વિશ્ર્વભરના શેરબજારો પર પડશે આગામી દિવસોમાં પણ ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ યથાવત રહે તેવી સંભાવના જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 959 પોઇન્ટના ઘટાડા સાથે 53249 પોઇન્ટ પર જ્યારે નિફ્ટી 286 પોઇન્ટના ઘટાડા સાથે 15954 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે. બેન્ક નિફ્ટી અને નિફ્ટી મીડકેપમાં પણ તોતીંગ કડાકા બોલી ગયા છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ધોવાણ ચાલુ છે. રૂપીયો ડોલર સામે 8 પૈસાના ઘટાડા સાથે 77.66 પર ટ્રેડ કરી રહ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.