Abtak Media Google News

રાજકોટના ટોચના બિલ્ડર ડાયાભાઇ કોટેચાની સને-2009માં તેની જ ઓફિસમાં છરીઓના ઘા મારી મૃત્યુ નિપજાવવાના કેસામાં પકડાયેલા આણંદપરના શૈલેન્દ્ર જાડેજાને રાજકોટ સેશન્સ અદાલત દ્વારા કરવામાં આવેલી આજીવન કેદની સજાના હુકમ સામે કરાયેલી અપીલ હાઇકોર્ટે નામંજૂર થતા બેફામ થયેલા ભૂમિયાઓમાં ખોફની લાગણી પ્રસરી જવા પામેલી છે.

વર્ષ 2009માં આણંદપરની જમીન વિવાદમાં ડાયાભાઇ કોટેચાનું છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું’તું

સેસન્સ કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી યુવા એડવોકેટ તુષાર ગોકાણીની સફળ રજુઆત

આ ચકચારી બનાવ અંગેની વિગત એવી છે કે, રાજકોટમાં જમીન-મકાનના વ્યવસાયમાં ટોચનું સ્થાન ધરાવતા અને સમાજ સેવી ડાયાભાઇ કોટેચાને આણંદપર ગામના શૈલેન્દ્ર જાડેજાએ જમીનના વિવાદ સંદર્ભે તા.25/03/2009 સાંજના સમયે ફુલછાબ ચોકમાં આવેલી સ્ટાર પ્લાઝા બિલ્ડીંગ ઓફિસમાં જ છરીઓના ઘા મારી મૃત્યુ નિપજાવતા બનાવની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જાહેર થયલી હતી. જેમાં એવો આક્ષેપ કરાયેલા કે આણંદપરની સર્વે નં.441ની કિંમતી જમીન સંદર્ભે આરોપી તથા મૃતક વચ્ચે કાલાવડની સિવિલ અદાલતમાં તકરાર હતી. ડાયાભાઇ કોટેચાની ઓફીસે જઇ છરીના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવેલી હતી.

આરોપી સામેનો કેસ સેશન્સ અદાલતમાં જે-તે સમયે સરકાર દ્વારા ધારાશાસ્ત્રી સ્વ. મોહનભાઇ સાયાણીની સ્પે. પી.પી. તરીકે નિમણૂંક કરેલી જ્યારે ફરિયાદ પક્ષે શરૂઆતથી જ એડવોકેટ તુષાર ગોકાણી કેસની દોર સંભાળતા હતાં. પ્રોસીક્યુશને કેસમાં કુલ-37 સાહેદો તપાસેલ અને આશરે 200થી વધારે દસ્તાવેજો રજૂ કરેલા તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા દંડનો હુકમ ફરમાવેલ હતો.

રાજકોટની અદાલતે પોતાના 300 પાનાના વિસ્તૃત ચુકાદામાં જે-તે સમયના તપાસ કરનાર અમલદાર એન.એ. મુનીયાની જાણી જોઇને કરવામાં આવેલ ખામીયુક્ત તપાસના કારણે તેમના વિરુધ્ધ એક્શન લેવા રાજ્યના પોલીસ વડાને લખેલ હતું તેમજ આરોપી સાથે ભળી જવાના કારણે જે સાહેદો રેકર્ડ ઉપરની સત્ય ઘટનાથી વિપરીત જૂબાની આપેલ તેમના વિરુધ્ધ પણ કાર્યવાહી કરવા આદેશ ફરમાવેલ હોય ચુકાદો અસંખ્ય કાનૂની દાવપેચ બાદ આપવામાં આવેલ હોવાથી તે ચૂકાદા સામે થયેલ અપીલના નિર્ણય તરફ સૌની મીટ મંડાયેલ હતી.

સેશન્સ કોર્ટના ચૂકાદાને આરોપી દ્વારા હાઇકોર્ટની ડીવીઝન બેંચ સમક્ષ પડકારવામાં આવતા આરોપી તરફે એવી રજૂઆતો કરાયેલી. આરોપીની અપીલ મંજુર કરી નિર્દોષ ઠરાવી છોડી મુકવા દલીલો કરાયેલી હતી.જ્યારે સામાપક્ષે ડાયાભાઇ કોટેચાના પરિવાર વતી રોકાયેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ અપીલનો વિરોધ કરતા એવી રજૂઆતો કરાયેલી હતી કે, સમગ્ર પૂરાવો ધ્યાને લીધા બાદ સેશન્સ અદાલતે આરોપીને કરેલી આજીવન કેદની સજાને હુકમ વ્યાજબી હોય તેમાં હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં તેવી દલીલો સર્વોચ્ચ અદાલતના વિવિધ ચૂકાદાઓ ટાકી કરેલ હતી.

જ્યારે સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી મિતેશભાઇ અમીને પણ અપીલ રદ કરવા વિસ્તૃત દલીલો કરેલી હતી.

રાજકોટમાં જાણીતા બિલ્ડર અને ફિલ્મ નિર્માતા ડાયાભાઇ કોટેચાની હત્યા મામલે આરોપીને આજીવન કેદ, શું હતો ચકચારી કેસ ?

તમામ પક્ષકારોની દલીલોના અંતે હાઇકોર્ટના જસ્ટીસ એ.જે દેસાઇ અને એ.એસ. સુપૈયાની ખંડપીઠે આરોપીની અપીલ નામંજૂર કરતા ઠરાવેલું હતું કે, તમામ દસ્તાવેજો અને પૂરાવાઓ ધ્યાને લેતા ડાયાભાઇનું મૃત્યુ એકમાત્ર આરોપી શૈલેન્દ્રએ જ છરી વતી કરેલ હોવાનું ચોક્કસ પૂરવાર થાય છે. સેશન્સ અદાલતે પોતાના ચૂકાદામાં આપેલા તમામ કારણો સચોટ અને કાયદા મુજબના હોય આરોપી સામેનો કેસ સાબિત માની જે આજીવન કેદની સજા આરોપીને કરવામાં આવેલી છે તે વ્યાજબી અને ન્યાયીક છે તેમ ઠરાવી આરોપીએ સજા રદ કરવા કરેલ અપીલ નામંજૂર કરી આરોપીની આજીવન કેદની સજા કાયમ રાખેલ હતી.

આ કામમાં મૃતક ડાયાભાઇ કોટેચા પરિવાર વતી ગુજરાત હાઇકોર્ટમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી યોગેશભાઇ લાખાણી,  તુષાર ગોકાણી, પ્રતિક જસાણી, ખીલન ચાંદ્રાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી, ઇશાન ભટ્ટ, વિરમ ધરાંગીયા રોકાયેલ હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.