Abtak Media Google News

નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તા અને તાજેતરમાં ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રતિનિધિઓ તથા ધારાસભ્યો અને સંસદ સભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે રાજકોટ શહેર તથા જિલ્લામાં પ્રવર્તતી કોરોનાની પરિસ્થિતિનુ  સમગ્રતયા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

Advertisement

ડો. રાહુલ ગુપ્તાએ રાજકોટ શહેર તથા જિલ્લામાં ઉત્તરોત્તર વધી રહેલા કોરોનાના કેસો અંગે અંગુલી નિર્દેશ કરી સરકાર દ્વારા ચલાવાઈ રહેલા રસીકરણ ઝુંબેશના કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓના સહયોગની અપેક્ષા ઉચ્ચારી હતી. રસીકરણની કામગીરી માટે રાજકોટ શહેર ખાતે 56 આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરાયા છે, તથા અન્ય 26 કેન્દ્રો તથા કોરોના સંબંધિત હેલ્પલાઇન નંબર બે દિવસમાં જ ચાલુ કરવામાં આવશે,તેમ જણાવતા ડોક્ટર ગુપ્તાએ ઉમેર્યું હતું કે ચૂંટાયેલા સભ્યોએ તેમના વિસ્તારોમાં જઈને રસીકરણ અંગે ફેલાતી અફવાઓથી લોકોને સાવચેત કરવા જોઈએ અને વધુને વધુ લોકો રસીકરણમાં સામેલ થાય તે અંગેના પ્રયત્નો કરવા જોઈએ.

65

મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે રસીકરણની આ ઝુંબેશમાં વિવિધ ધર્મોના વડાઓ, જ્ઞાતિના પ્રમુખો, સોસાયટીના આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, જાણીતી સેવાભાવી ક્લબો વગેરે પણ સામેલ થાય તો આ વધુ સરળતાથી લોકો સુધી રસીકરણનો લાભ પહોંચાડી શકાશે.

98

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરીએ વોર્ડવાઈઝ કેમ્પ કરી મહત્તમ નાગરિકોને રસીકરણ કેન્દ્ર સુધી પહોંચાડવા અને મહિલાઓને રસી લેવા માટે નવનિયુક્ત મહિલા કોર્પોરેટરોને અનુરોધ કર્યો હતો. ભંડેરીએ ચૂંટાયેલા સભ્યોને સન્માન સમારંભો ન યોજવા તાકીદ કરી હતી, જેથી કોરોનાને વધુ ફેલાતો અટકાવી શકાય.

જિલ્લા કલેકટર રેમ્યા મોહને આ સમીક્ષા બેઠકમાં રસીકરણ ઝુંબેશ અંગે જિલ્લા વહીવટી તંત્રે કરેલા કામગીરીની વિગતો રજૂ કરી હતી અને કોરોનાને પ્રસરતો અટકાવવા માટેની રાજ્ય સરકારની કામગીરીમાં નવનિયુક્ત કોર્પોરેટરોને સક્રિયપણે સામેલ થવા અનુરોધ કર્યો હતો. કોરોનાની રસી અંગે ફેલાતી ગેરસમજ તથા સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં રસી અંગેના બિનપાયાદાર અહેવાલોથી સામાન્ય નાગરિકોને સચેત કરવા પણ રેમ્યા મોહને આ બેઠકમાં ઉપસ્થિતોને સુચના આપી હતી.

કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યાએ આજની બેઠકની રૂપરેખા સમજાવી હતી અને નવનિયુક્ત લોકપ્રતિનિધિઓને આવકાર્યા હતા.

આ બેઠકમાં સંસદ સભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી તથા લાખાભાઈ સાગઠીયા, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી તથા કમલેશભાઈ  મીરાણી, નવનિયુક્ત કોર્પોરેટરો, જિલ્લા પુરવઠા અધિકારી પૂજાબેન બાવડા, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.