Abtak Media Google News

સારા કે ખરાબ ?

રાજ્યમાં હાલની સ્થિતિએ 5547 મુલાકાતી પરમીટ જ્યારે 3729 પ્રવાસી પરમીટધારકો !!

એક ખૂબ જ જાણીતી ગઝલના શબ્દો છે કે ‘ગમ કા દૌર હો યા હો ખુશી, સમા બાંધતી હૈ શરાબ, એક મશવરા હૈ જનાબ કે થોડી-થોડી પિયા કરો.’ ‘અલબત્ત ગુજરાતમાં દારૂબંધી છતાં થોડી-થોડી’ તો નહીં પણ દારૂ પીનારાની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. માત્ર અમદાવાદમાંથી સાડા ચાર વર્ષમાં 12 હજારથી વધુ લોકોએ ‘તબિયત’ ના નામે પરમિટ માગી હોવાનું સામે આવ્યું છે. આ પૈકી ચાર હજારથી વધુ અરજી નવી ‘પરમિટ’ માટેની છે. કોરોના બાદ લોકો દારૂના સેવન તરફ વધ્યા હોય તેવા આંકડા પરમીટની અરજીઓ પરથી ધ્યાને આવી છે ત્યારે કોરોનાએ ’દારૂડિયા’ઓ વધારી દીધા કે કેમ? તેવો સવાલ ઉઠ્યો છે.

વર્ષ 2019થી જૂન 2022 સુધી અસારવા સિવિલ હોસ્પિટલમાંથી 4152 નવી અરજી નશાબંધી કચેરીમાં મોકલવામાં આવી છે. જેમાં જૂન 2022 સુધીમાં જ 637 અરજીનો સમાવેશ થાય છે. પ્રત્યેક નવી અરજી માટે રૂપિયા 20 હજારનો ચાર્જ લેવામાં આવે છે. આમ, સાડા ચાર વર્ષમાં દારૂની નવી અરજીથી ગુજરાત સરકારને રૂપિયા 8. 30 કરોડથી વધુની આવક થઇ છે. સિવિલ હોસ્પિટલમાંથી આ અરજી નશાબંધી કચેરીમાં મોકલવામાં આવે છે, જ્યાંથી અરજી રીજેક્ટ થવાનું પ્રમાણ 10 ટકાની આસપાસ હોય છે. વર્ષ 2018થી 2021 દરમિયાન 12417 અરજી પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટ પાસે મોકલવામાં આવી હતી. જેમાંથી 1573ને રદ કરવામાં આવી હતી. તબિયતના કારણે હેલ્થ પરમિટ માટે 2021માં 1730 અરજી થઇ હતી, જેમાંથી 398ને ફગાવવામાં આવી હતી. અરજી કરનારાઓમાં મહિલાઓનું પ્રમાણ 1 ટકા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હેલ્થ પરમિટ નિયમ 64, નિયમ 64 બી અને નિયમ 64 સી હેઠળના તમામ પરમિટનો આ વિગતોમાં સમાવેશ થાય છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 5547 મુલાકાતી પરમિટ, જ્યારે 3729 પ્રવાસી પરમિટ ઇસ્યુ થયેલી છે. લોકોની વધતી આવક અને રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં એરિયા મેડિકલ બોર્ડ હોવાને કારણે પરમિટની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. પરમિટ માટે ઉંમર-આવક જેવી બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. મેડિકલ એરિયા બોર્ડ એટલે કે જે-તે વિસ્તારની સિવિલ હોસ્પિટલમાં ચકાસણી થયા બાદ એની ભલામણ આવે એ પછી જ પરમિટની કાર્યવાહી કરાતી હોય છે.

આ અંગે અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, ‘તણાવભર્યું જીવન, હાયપર ટેન્શન, અનિદ્રા જેવી સમસ્યા હોય તો તેવા સંજોગોમાં હેલ્થ પરમિટ આપવામાં આવે છે. પરંતુ હેલ્થ પરમિટ આપતાં અગાઉ તેને ખરેખર હેલ્થ પરમિટની જરૂર છે કે કેમ, અરજીકર્તાની ઉંમર, આવકનો દાખલો જેવી બાબતો ખૂબ જ બારીકાઇથી ચકાસવામાં આવે છે. આ બધી બાબતો ચકાસ્યા બાદ જ હેલ્થ પરમિટ આપવી કે કેમ તે નક્કી થાય છે.કોઇની પણ અરજીમાં અમને શંકા જાય તો તેને રીજેક્ટ કરવામાં આવે છે. ‘

અસારવા સિવિલ હોસ્પિટલના લિકર પરમિટ મેડિકલ ઓફિસર ડો. જે.એમ. સોલંકીએ જણાવ્યું કે, ‘છેલ્લા સાડા ચાર વર્ષમાં 4100થી વધુ અરજી અમારા દ્વારા નશાબંધી કચેરીમાં મોકલવામાં આવી છે. જેમાં આ વર્ષે જૂન સુધીમાં 637 નવી અરજી આવેલી છે. વિવિધ બાબતોની ચકાસણી બાદ જ અરજીને અમારા દ્વારા મંજૂર કરવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.