Abtak Media Google News

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ટીમમાં સમાવેશ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. જો સી.આર. કેન્દ્રીય મંત્રી બનશે તો પ્રદેશ ભાજપ પ્રમુખનોતાજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અથવા પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયાના શીરે મૂકવામાં આવશે. જોકે કૌશીકભાઈ પટેલનું નામ પણ હાલ ભાજપમાં ચર્ચાય રહ્યું છે.પરંતુ હાલ તમામ સમીકરણો જો અને તો વચ્ચે રમી રહ્યા છે.

ગત વર્ષ ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખનો તાજ નવસારીના સાંસદ સી.આર.પાટીલના શીરે મૂકવામાં આવ્યા હતો. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેઓએ ચૂંટણીમાં ટિકિટ ફાળવણી સહિતના કેટલાક નિયમો ઘડયા હતા અને આડેધડ ભરતી મેળો પણ બંધ કરાવ્યો હતો. ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં તેમની આગેવાનીમાં ભાજપનો ઐતિહાસીક જીત થઈ હતી. જેની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી હતી.

છેલ્લા ત્રણેક દિવસથી એવી વાતો વહેતી થઈ છે કે, સી.આર. પાટીલને વડાપ્રધાન હવે કેન્દ્રીય મંત્રી બનાવવા ઈચ્છી રહ્યા છે. પાટીલ પણ ગત સપ્તાહે દિલ્હીની ઓચિંતી મૂલાકાતે ગયા હતા તેઓને ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવશે તેવી સત્તાવાર ઘોષણા કરવામાં આવશે જો પાટીલને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવે તો ગુજરાતનાં પ્રદેશ પ્રમુખ પદે ભાજપ કોને બેસાડશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. વર્ષ 2022ના અંતમાં ગુજરાત વિધાન સભાની સામાન્ય ચૂંટણી યોજવાની છે. ત્યારે વિવિધ સમાજ દ્વારા મુખ્યમંત્રી પદની માંગણી કરવામાં આવી છે.ત્યારે ભાજપ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમા પાટીદાર સમાજને પ્રમુખ પદ આપે તે વાત ફાઈનલ માનવામાં આવી રહી છે. આવામાં પાટીલ કેન્દ્રીય મંત્રી બને તો હાલ પ્રદેશ પ્રમુખ માટે મુખ્ય ત્રણ નામો ચર્ચામાં છે જેમાં સૌથી હોટ ફેવરિટ નામ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફીયાનું ચાલી રહ્યું છે.

જયારે બીજુ નામ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું પણ ચાલી રહ્યું છે. પાટીલને કેન્દ્રીય મંત્રી બનાવી મનસુખભાઈને કેન્દ્રની જવાબદારીમાંથી મૂકત કરી ગુજરાતમાં સંગઠનમાં મહત્વપૂર્ણ કામગીરી સોંપવામાં આવે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. સામાન્ય રીતે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને સૌરાષ્ટ્ર ઝોનના ન હોય શકે આવામાં મનસુખભાઈની શકયતાઓ થોડી ઘણી ઘટી જાય છે. બની શકે પાટીલ કેન્દ્રીય મંત્રી બને તો પણ માંડવીયાને તેમની કામગીરી જોતા કેન્દ્રીય મંત્રી પદે યથાવત રાખી શકાય છે.

આ ઉપરાંત જયારે જયારે પાટીદાર સમાજને સંગઠન કે સરકારમાં કોઈ મહત્વપૂર્ણ હોદો સોંપવાની વાત આવે છે ત્યારે કૌશિક પટેલનું નામ સૌથી વધુ ચર્ચામાં હોય છે. પરંતુ તેઓનાં નામ પર છેલ્લી ઘડીએ બિમારીનું બહાનું આગળ ધરી ચોકડી મારી દેવામાં આવે છે. પાટીલનો સમાવેશ મોદી મંત્રી મંડળમાં થશે તે વાત ફાઈનલ માનવામાં આવે છે. જો પાટીલ કેન્દ્રીય મંત્રી બનશે તો ભાજપ વિધાન સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રદેશ પ્રમુખનો તાજ પાટીદાર સમાજને સોંપે તે વાત પણ નિશ્ર્ચિત છે. આવામાં હાલ પ્રદેશ પ્રમુખ પદ માટે ગોરધન ઝડફીયા અને મનસુખ માંડવીયાના નામ સૌથી વધુ હોટફેવરીટ મનાય રહ્યા છે. ત્રીજુ નામ તરીકે કૌશીક પટેલનું નામ ચર્ચામાં છે. જોકે હાલ તમામ સંભાવનાઓ જો અને તો વચ્ચે રમી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં ફરી બહુમતી મેળવવા માટે ભાજપ દ્વારા તમામ નિર્ણયો હાલ ગણતરી પૂર્વક લેવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.