Abtak Media Google News

જે બાળકને સિવિયર ઊણપ હોય તેને એ ઉપયોગી છે, પરંતુ આવાં બાળકોની સંખ્યા ઘણી ઓછી છે

આયર્ન, કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન બી કોમ્પ્લેક્સનાં ટોનિક બજારમાં ભરપૂર મળે છે અને એટલાં જ વેચાય પણ છે. આ સિવાય પ્રોટીન પાઉડર, પાણીમાં ભેળવીને ખવડાવાતા પાઉડર પણ એક પ્રકારનાં સપ્લિમેન્ટ્સ જ છે. હકીકતે જે બાળકને સિવિયર ઊણપ હોય તેને એ ઉપયોગી છે, પરંતુ આવાં બાળકોની સંખ્યા ઘણી ઓછી છે. મહસવનું એ છે કે જે પણ ઊણપ છે એને આપણે નેચરલ સોર્સ દ્વારા દૂર કરીએ તો એ પોષણ લાંબું ચાલશે અને બાળકને ફાયદો કરશે

Advertisement

ભારતમાં લગભગ ૫૦-૬૦ ટકા બાળકો કુપોષણનો શિકાર છે. નેશનલ ન્યુટ્રિશન વીક ચાલી રહ્યું છે ત્યારે આપણે છેલ્લા અમુક દિવસોથી કુપોષણને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સમસ્યાને કઈ રીતે દૂર કરી શકાય અને એ વિશેના ઉપાયો પર વાત કરવી જરૂરી છે.

જ્યારે આપણે દેશની વાત કરીએ ત્યારે એમાં ગામ, નાનાં શહેરો, મોટાં શહેરો અને મેટ્રો સિટી એવા અલગ-અલગ ભાગ પડી શકે અને એમાં પણ વસતા લોકોમાં ગરીબ, મધ્યમ વર્ગ અને સધ્ધર લોકો એવા ભાગ પડતા હોય છે. છેલ્લા લેખોમાં આપણે એ પણ જોયું કે આ સમસ્યા ગરીબ લોકોની જ નથી એટલે કે જેને બે ટંક ખાવા નથી મળતું એ બાળકને જ કુપોષણ છે એવું નથી.

જો એવું હોય તો ફક્ત ૧૦-૨૦ ટકા બાળકો જ કુપોષિત હોવાં જોઈતાં હતાં, પરંતુ આ આંકડો ઘણો મોટો છે. સરકાર પાસે અઢળક યોજનાઓ છે જેના દ્વારા બાળકોને પોષણ પૂરું પાડવાની કામગીરી ચાલતી રહે છે. બાળકોને ખોરાકની સાથે-સાથે સપ્લિમેન્ટ્સ પણ આપવાં એ એક પ્રકારનો કુપોષણનો ઇલાજ છે. સપ્લિમેન્ટ્સ એટલે વિટામિનની ગોળીઓ કે સિરપ કે ટોનિક આપણે જેને કહીએ છીએ.

આ સિવાય પ્રોટીન પાઉડર કે બાળકને પાણીમાં મિક્સ કરીને અપાતો રેડી ટુ મેક ખોરાક પણ સપ્લિમેન્ટની કેટેગરીમાં જ આવે. આ સપ્લિમેન્ટ્સ બાળકોને આપવાં જોઈએ કે નહીં? એ કેટલે અંશે ફાયદાકારક છે? એ લઈએ ત્યારે શું ધ્યાન રાખવું વગેરે બાબતોને આજે સમજીએ.

બાળકોના કુપોષણ વિશે વાત કરતાં ચિયર્સ ચાઇલ્ડ કેર, કેમ્પ્સ કોર્નરના પીડિયાટ્રિશ્યન ડો. પંકજ પારેખ કહે છે, ભારતીય બાળકોમાં ખાસ કરીને આપણા મુંબઈનાં બાળકોમાં જે કમી જોવા મળે છે એ વિટામિન ડીની કમી અને આયર્નની કમી છે.

આ સિવાય વેજિટેરિયન ડાયટમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું લેવાતું હોવાથી તેમનામાં પ્રોટીનની કમી પણ જોવા મળે છે. આ કમીને કારણે કુપોષણનાં લક્ષણો પણ દેખાય છે. મહસવનું એ છે કે આ ઉંમરમાં આ પ્રકારની કમી તેમના વિકાસને રૂંધે છે. એટલે જરૂરી છે કે એનો ઇલાજ કરવામાં આવે.

જે બાળકો ખૂબ જ વધુ ઊણપ ધરાવે છે તેમને સપ્લિમેન્ટ દેવાં અનિવાર્ય છે. અમે તેમને સપ્લિમેન્ટ આપીને સમજાવીએ છીએ કે ૩-૪ મહિના તેમણે આ લેવાં પડશે. બાળકમાં એક વખત જડથી ઊણપ દૂર થાય પછી એ સપ્લિમેન્ટ છોડી શકાય છે, પરંતુ આવાં બાળકો જેને સપ્લિમેન્ટ આપવાં પડે એ ખૂબ ઓછાં છે. દરેક બાળકને સપ્લિમેન્ટની જરૂર નથી હોતી.

કોને આપવાં જરૂરી?

સામાન્ય રીતે જ્યારે બાળકનું વજન કે હાઇટ તેની ઉંમર પ્રમાણે વધતી ન હોય ત્યારે માતા-પિતા તેને ચિંતામાં ડોક્ટર પાસે લઈ જાય છે કે બાળક કુપોષણનું શિકાર તો નથી? આવું હોય ત્યારે એ ખાસ જોવું કે બાળક ભણવામાં હોશિયાર છે? જે શીખવો એ શીખે છે? આખો દિવસ એનર્જીમાં રહે છે? જો આ બધા જ પ્રરનનો જવાબ હકારમાં હોય તો તમારું બાળક કુપોષણનું શિકાર નથી, પરંતુ તેનો બાંધો જ એવો છે એટલે તેની હાઇટ કે બોડી વધુ લાગતાં નથી.

આ પરિસ્થિતિમાં તેને સપ્લિમેન્ટની જરૂર નથી. કોને સપ્લિમેન્ટ આપવાં પડે એ વિશે સ્પક્ટતા કરતાં ડો. પંકજ પારેખ કહે છે, સપ્લિમેન્ટ આપતાં પહેલાં એ જોવું પડે છે કે બાળકના શરીરમાં ખરેખર ઊણપ છે? એ માટે અમુક પ્રકારની ટેસ્ટ કરાવવી પડે છે.

આ સિવાય જો બાળકના પગ થોડા વાંકા વળતા લાગે, બાળક સાવ ફીકું લાગે, તેનામાં શક્તિ જ ન હોય એવું લાગે, બાળક એક જગ્યાએ ધ્યાન આપી શકતું ન હોય, તેની યાદશક્તિ ઓછી હોય, કશું શીખી ન શકતું હોય તો તેનામાં ઘણી ઊણપ છે એમ સમજી શકાય અને આવા કેસમાં તમારે તેને સપ્લિમેન્ટ આપવાં પડે. આ સિવાય એવાં બાળકોને પણ સપ્લિમેન્ટ આપવાં પડે છે જે તમને ખબર છે કે ખોરાક નથી લેવાનાં કે તેમને પોષણયુક્ત ખોરાક મળતો જ નથી.

સપ્લિમેન્ટના ગેરફાયદા

સપ્લિમેન્ટ નેચરલ હોતાં નથી. એ કેમિકલયુક્ત વસ્તુ છે અને આપણા શરીરમાં જાય તો શરીરને એ સીધી જ અવેલેબલ થઈ જાય છે. આ બાબતે વિસ્તારથી સમજાવતાં ફિમ્સ ક્લિનિક, વિલે પાર્લે અને માટુંગાનાં હીલિંગ ડાયટ-સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ કહે છે, આમ જુઓ તો આપણાં બાળકો જન્મ પહેલાંથી જ સપ્લિમેન્ટ્સ પર જીવે છે.

ગર્ભવતી સ્ત્રીઓને ફરજિયાત સપ્લિમેન્ટ લેવાનાં જ હોય છે. એ પછી બાળક જન્મે કે તરત જ ડોક્ટર્સ તેમને કોઈ ને કોઈ ટોનિક કે સપ્લિમેન્ટ્સ ચાલુ કરી જ દે છે. દાંત આવવાના છે તો કેલ્શિયમ ચાલુ કરી દો. પગ દુખે છે તો આયર્ન ચાલુ કરી દો. ક્યાંય બહાર નથી નીકળી શકાતું તો વિટામિન ડી ચાલુ કરી દો. શાકાહારી છો તો વિટામિન બી કોમ્પ્લેક્સ ચાલુ કરી દો. પરંતુ સપ્લિમેન્ટ લેવાની આ ઉતાવળ અને સહજતા બાળકને ફાયદો નહીં, નુકસાન જ કરે છે.

શરીરને એક વખત સપ્લિમેન્ટની આદત પડી ગઈ પછી ખોરાકમાંથી એ પોષણ લેવાનું બંધ કરી દેશે અને તૈયાર સપ્લિમેન્ટ પર નર્ભિર બની જશે, કારણ કે ખોરાકમાંથી પોષણ મેળવવું એ એક કામ છે જેના માટે શરીરને આદત પાડવી જરૂરી છે. આમ એનું લાંબા ગાળે નુકસાન છે. બીજું એ કે એ નેચરલ નથી એટલે જરૂરી નથી કે શરીર એને ઍબ્ઝોર્બ કરે જ. ન પણ કરે એવું બને. સપ્લિમેન્ટ પર નર્ભિર રહેવા કરતાં સારો ખોરાક ખાઓ અને એમાંથી જ પોષણ મેળવો એ જરૂરી છે.

ભૂખ લાગવાની દવા

બાળક વ્યવસ્થિત જમતું ન હોય ત્યારે એવી ફરિયાદ લઈને માતા-પિતા ડોક્ટર પાસે જાય છે અને એ પોતે જ કહે છે કે સાહેબ, આ બાળકને ભૂખ જ લાગતી નથી. મહેરબાની કરીને તેને ભૂખ ઊઘડે એવી દવા આપો તો તે ખાય. ખાશે નહીં તો પોષણ કઈ રીતે મળશે? ઘણા ડોક્ટર્સ ભૂખ લાગવાની દવા આપે પણ છે. પરંતુ દરેક વખતે દવાઓની જરૂર હોતી જ નથી એ વાત સ્પક્ટ કરતાં ડો. પંકજ પારેખ કહે છે.

ઘણી વખત લોકો બિનજરૂરી બાળકોને ખૂબ ખવડાવે છે જેને લીધે તેમને ભૂખ જ લાગતી નથી. બાળક બરાબર જ જમતું હોય, પરંતુ પેરન્ટ્સને લાગે કે તે નથી જમતું. ઘણી વાર એવું પણ બને છે કે દિવસમાં ત્રણ ગ્લાસ એટલે લગભગ પોણાથી એકાદ લીટર જેટલું દૂધ લોકો બાળકોને પાય છે.

આટલું દૂધ પીશે તો એ બાળક શું જમશે? એટલે તે નથી ખાતું. ઘણી વાર બાળક બીમાર હોય તો એ બીમારીને કારણે તેની ભૂખ મરી જાય છે. આ અસર બેચાર દિવસ રહે છે, પરંતુ વધુ રહેતી નથી. બીમારી ઠીક થયા પછીના બે દિવસમાં તે ફરી પહેલાંની જેમ ખાવા લાગે છે, પરંતુ પેરન્ટ્સ ઘણી વાર એટલા સમયમાં જ પેનિક થઈ જતા હોય છે. આમ પહેલાં એ સમજવું જરૂરી છે કે બાળકને ભૂખ કેમ લાગતી નથી. એ પાછળનું કારણ સમજીને જ આગળ વધી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.