Abtak Media Google News

મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરખાસ્ત મોકલ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દિવસો સુધી મળતી ન હોવાના કારણેે વિકાસ કામો લટકતા રહે છે

રાજકોટ મહાનગર પાલિકામાં  અગાઉ દર સપ્તાહે  શુક્રવારે  સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળતી હતી જેમાં વિકાસ કામોની દરખાસ્તોને ધડાધડ મંજરી આપી દેવામાં  આવતી હતી. છેલ્લા થોડા વર્ષોથી સિનારિયો બદલાયો છે હવે જીપીએમસી એકટના નિયમાનુસાર દર મહિને એકવાર ના છૂટકે  સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવી પડતી હોવાના  કારણે બેઠક મળે છે. જેના કારણે વિકાસ કામો  પર વધતા ઓછા પ્રમાણમાં  અસર પડે છે. રાજય સરકારના મંત્રી મંડળ અર્થાત કેબિનેટની બેઠક દર સપ્તાહે મળી શકતી હોયતો સ્ટેન્ડીંગ કમિટીની બેઠક દર સપ્તાહે કેમ ન બોલાવી શકાય તેવા સવાલો પણ લોકોના મનમાં ઉઠી રહ્યા છે.

મહાપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી સૌથી પાવર ફુલ માનવામાં આવે છે. કારણ કે બજેટ મંજૂર કરવા સહિત  શહેરના વિકાસ માટે  કરોડો રૂપીયા ખર્ચ મંજૂર  કરવાની સતા ખડી સમિતિ પાસે છે. મ્યુનીસિપલ  કમિશનર દ્વારા સતત વિકાસ કામો માટે ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત સેક્રેટરી મારફત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલવામાં આવતી હોય છે.  દરમિયાન ચેરમેન દ્વારા દર સપ્તાહના  બદલે મહિનામાં એકવાર જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવે છે.જેના કારણે વિકાસ કામો પાછા ઠેલાય છે.સ્ટેન્ડિંગ કમિટીના કુલ 12 સભ્યો છે.

દર સપ્તાહે  બેઠક બોલાવવામાં આવે તો તમામ સભ્યોને મીટીંગ ભથ્થા પેટે રૂ.250 મુજબ વેતન ચૂકવવામાં આવે છે. મહિનામાં વધુમાં વધુ ચાર બેઠકો માટે ભથ્થુ ચૂકવવાનો નિયમ છે. એટલે મહિનામાં એકના બદલે ચારવાર બેઠક યોજવામાં આવે તો ખર્ચમાં વધારો થાય તેવું નથી. માત્રને માત્ર આળસના કારણે મહિનામાં એકવાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવતી હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

બીજી તરફ મહિનામાં એકવાર મળતી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકના એજન્ડા 24 કલાક અગાઉ પ્રસિધ્ધ કરવામા આવે છે. દરખાસ્તોના ઢગલા હોવાના કારણે ખડી સમિતિના સભ્યો પણ તમામ દરખાસ્તમાં ઉંડા ઉતરી શકતા નથી પરિણામે શાસક પક્ષ પાસે 72 બેઠકો પૈકી  68 બેઠકો હોવા છતા અધિકારીઓ હાવી રહેતા હોય તેવું લાગી રહ્યું છે. વહીવટી પાંખ અને શાસક પાંખ વચ્ચે સંકલનનો મજબૂત સેતુ હોવાના કારણે સ્ટેન્ડિંગમાં આવતી એક પણ દરખાસ્તને પરત મોકલવામાં આવતી નથી પેન્ડીંગ રાખવામાં  આવતી નથી કે નામંજૂર પણ કરવામાં આવતી નથી અધિકારીઓ જે રિતે દરખાસ્ત મોકલે તેને બેઠે બેઠી મંજૂર કરી દેવામાં આવે છે. શિસ્તભંગ ગણાશે તેવા ડરથી ભાજપના કોર્પોરેટરો    સંકલન બેઠકમાં અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો ખડી સમિતિની બેઠકમાં અવાજ ઉઠાવતા નથી.

મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના તમામ સભ્યો દર બુધવારે એકાદ બે કલાકનો સમય કાઢી  કેબિનેટ યોજે છે અનેઅલગઅલગ નિર્ણય લ્યે છે.પરંતુ રાજકોટમાં ભાજપના નગર સેવકો પાસે જાણે સમયનો અભાવ હોય તેવું લાગી રહ્યું છે.

દરખાસ્તોના ઢગલા હોય સભ્યો પણ પુરતો અભ્યાસ કરી શકતા નથી

રાજકોટ મહાનગરપાલિકામાં  દર મહિને એકવાર સ્ટેન્ડીંગ કમિટીની  બેઠક મળે છે જેના કારણે દરખાસ્તોના  ઢગલા હોય છે. એજન્ડા પણ  24 કલાક  અગાઉ જ પ્રસિધ્ધ કરવામાં આવતા હોવાના કારણે  ચેરમેન સહિતના 12 સભ્યોને  દરખાસ્તો  અંગે અભ્યાસ કરવાનો પૂરતો સમય  મળતો નથી નેહલભાઈશુકલ જેવા એકાદ નગર સેવક કોઈ દરખાસ્ત   સામે વિરોધ કે  વાંધો ઉઠાવે છે.  બાકીના તમામ  કોર્પોરેટરો સંકલન અને સ્ટેન્ડિંગમાં હામાંહા કરી હાજરીપુરાવવા પૂરતાજ આવતા હોય  તેવું  લાગી રહ્યું છે.

દર મહિને સ્ટેન્ડિગ અને બે મહિને  જનરલ બોર્ડની બેઠક બોલાવવી ફરજિયાત

જીપીએમસી એકટના નિયમાનુસાર  દર મહિને સ્ટેન્ડિગ કમિટીની બેઠક અને દર બે મહિને જનરલ બોર્ડની બેઠક બોાલાવવી ફરજિયાત છે.રાજકોટ મહાનગરપાલીકાના ભાજપના શાસકો  જાણે નિયમના પાલન માટે જ  બેઠક  બોલાવતા હોય તેવું લાગી રહ્યું છે. સ્ટેન્ડિગ પૂર્વ  મળતી ભાજપના કોર્પોરેટરોની   સંકલન બેઠક લાંબી ચાલતી  હોય છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક માત્ર બે થી ત્રણ  મીનીટમાં આટોપી લેવામાં આવે છે. જનરલ બોર્ડનું પણ કંઈક આવું જ છે.  પ્રશ્ર્નોતરી  કાળનો એક કલાકનો સમય એક કે વધીને બેપ્રશ્ર્નોની ચર્ચામાં વેડફી નાંખવામાં આવે છે. સભા અધ્યક્ષ મેયર પાસે સત્તા હોવા છતાં પ્રશ્ર્નોતરી  કાળનો સમય વધારવામાં  આવતો નથી  માત્ર નિયનોના પાલન માટેગાડુ ગબડાવવામાં આવતું હોય તેવું લાગે છે.

દરખાસ્તનો ફ્લો ઘટી જવાના કારણે દર સપ્તાહે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવાતી નથી: ચેરમેન

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે અગાઉ મ્યુનિ.કમિશનર અને ખાસ સમિતિ પાસે ખર્ચ કરવાની એક મર્યાદા હતી. જેમાં વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિ.કમિશનરે 10 લાખ સુધીના કામો માટે જ્યારે ખાસ સમિતિઓએ 12 લાખ સુધીના કામો માટે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવાની જરૂરિયાત રહેતી નથી. જેના કારણે હવે દરખાસ્તોનો ફ્લો ઘટી ગયો છે. જેથી દર સપ્તાહે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવતી નથી. ચેરમેન પાસે ક્યારેય બેઠક બોલાવવી તે નક્કી કરવાનો આબાધીત અધિકાર રહેલો છે. જરૂર પડ્યે મહિનામાં બે કે ત્રણ વખત પણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી છે. કોઇ આળસ કે કોઇ અન્ય કારણોસર મિટિંગ પર કાપ મૂકવામાં આવ્યો નથી. દર મહિનામાં એક વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવી ફરજિયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.