Abtak Media Google News

આજી અને ન્યારી ડેમમાં ૧૫ ઓગસ્ટ સુધી ચાલે તેટલો જળજથ્થો ઉપલબ્ધ છતાં ૩૧મી જુલાઈ બાદ બંને જળાશયોમાં નર્મદાનાં નીર ઠાલવવા સરકાર સમક્ષ કરાશે માંગણી: ભાદરમાં ૩ દિવસથી નર્મદાનું પાણી ઠાલવવાનું બંધ

જુલાઈ માસનાં ૧૨ દિવસ પસાર થઈ ગયા હોવા છતાં વરસાદ પડયો નથી. શહેરની જળજરૂરીયાત સંતોષતાં જળાશયોમાં ૧૫મી ઓગસ્ટ સુધી ચાલે તેટલો જળજથ્થો ઉપલબ્ધ છે. જો એક પખવાડિયામાં સંતોષકારક વરસાદ નહીં પડે અને જળાશયોમાં પાણીની આવક નહીં થાય તો ફરી રાજય સરકાર સમક્ષ આજી અને ન્યારી ડેમમાં નર્મદાનાં નીર ઠાલવવા માટે કોર્પોરેશન ખોળો પાથરશે. છેલ્લા ૩ દિવસથી ભાદર ડેમમાં પણ નર્મદાનું નીર ઠાલવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ શહેરનાં ૧૮ વોર્ડમાં નિયમિત ૨૦ મિનિટ પાણી આપવામાં આવી રહ્યું છે. પાણી પ્રશ્ને હાલ સ્થિતિ ચિંતાજનક નથી પરંતુ હવે મેઘો એક પખવાડિયામાં નહીં રીઝે તો જળસંકટ આવે તેવાં એંધાણ પણ વર્તાય રહ્યા છે. આજી અને ન્યારી ડુકયા બાદ રાજકોટવાસીઓ પર જળસંકટ આવે તે પૂર્વે જ મહાપાલિકાએ પાણી પહેલા પાળ બાંધવાનું નકકી કરી લીધું છે અને બંને જળાશયોમાં ફરી સૌની યોજના અંતર્ગત નર્મદાનાં નીર ઠાલવવા રાજય સરકાર સમક્ષ માંગણી કરવાની પણ પ્રક્રિયા હાથ પર લેવામાં આવી છે.

ગત વર્ષે પણ અપુરતા વરસાદનાં કારણે શહેરની જળજરૂરીયાત સંતોષતા એક પણ જળાશયોમાં સંતોષકારક પાણીની આવક થવા પામી ન હતી જોકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખુદ રાજકોટનાં જ વતની હોવાનો ફાયદો રાજકોટવાસીઓને મળી રહ્યો છે. વર્ષ દરમિયાન ૩ વખત આજીડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ન્યુ રાજકોટને પણ પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે ન્યારી ડેમમાં પણ નર્મદાનાં નીર આ વર્ષથી ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. શહેરની જળજરૂરીયાત સંતોષતા અન્ય એક જળાશય ભાદર પણ હવે ગમે ત્યારે નર્મદા નીરથી ભરાવવા સક્ષમ થઈ ગયો છે. હાલ આજીડેમમાં ૩૧૪ એમસીએફટી જથ્થો ઉપલબ્ધ છે. જયારે ન્યારી ડેમમાં ૩૪૧ એમસીએફટી પાણી છે. આજીમાંથી દૈનિક ૫ એમસીએફટી અને ન્યારીમાંથી ૩.૫ થી ૪ એમસીએફટી પાણી વિતરણ કરવા માટે ઉપાડવામાં આવે છે. આ બંને જળાશયો ૧૫મી ઓગસ્ટ સુધી ડુકી તેવી કોઈ સંભાવના નથી. જળાશયમાં જીવંત જળજથ્થો ખુટયા બાદ જો સરકાર પાસે પાણી માંગવામાં આવે અને ત્યારબાદ મંજુરી મળે મચ્છુમાંથી પાણી છોડવામાં આવે અને આ પાણી કયારે જળાશય સુધી પહોંચે તે નકકી હોતું નથી. આવામાં શહેરની વિતરણ વ્યવસ્થા પર પણ અસર ન પડે તે માટે મહાપાલિકાએ તૈયારી શરૂ કરી દીધી છે.

જો ૩૧મી જુલાઈ સુધીમાં શહેરમાં સંતોષકારક વરસાદ નહીં પડે તો જળાશયોમાં પાણીની આવક નહીં થાય તો ફરી રાજકોટની જળજરૂરીયાત સંતોષતા આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનાં નીર ઠાલવવા માટે સરકાર સમક્ષ માંગણી કરવામાં આવશે. સૌરાષ્ટ્રનાં દરિયા ગણાતા ભાદર ડેમમાં પણ હવે નર્મદાનાં નીર ઠાલવી શકાય છે. આ માટેનું ટેસ્ટીંગ પણ કરી લેવામાં આવ્યું છે. ભરચોમાસે ભાદરને નર્મદાનાં નીરથી ૯ ફુટ સુધી ભરી દેવામાં આવ્યો છે. છેલ્લા ૩ દિવસથી ભાદરમાં નર્મદાનું પાણી ઠાલવવાનું બંધ છે. હાલ ભાદરમાં ૩૮૬ એમસીએફટી પાણી ભરેલું છે અને ડેમમાંથી રોજ ૪૦ થી ૪૨ એમએલડી પાણી વિતરણ માટે ઉપાડવામાં આવે છે. ભાદર ૩૧મી ઓગસ્ટ સુધી સાથે આપે તેવી સંભાવના હાલ વર્તાય રહી છે. વરસાદ ખેંચાય અને જળાશયોમાં પાણીની આવક ન થાય તો રાજકોટવાસીઓએ જળસંકટનો સામનો ન કરવો પડે તેની આગોતરી તૈયારીનાં ભાગરૂપે ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં જ મહાપાલિકા ફરી સરકારમાં જશે અને જળાશયોમાં નર્મદાનાં નીર ઠાલવવાનું માંગણી મુકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જયારે જયારે મહાપાલિકાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ નર્મદા નીરની માંગણી કરી છે  ત્યારે તેનો સ્વિકાર કરવામાં આવ્યો છે. આ વખતે પણ એવી આશા રાખવામાં આવી રહી છે કે, વરસાદ ખેંચાશે તો સરકાર ફરી માયબાપ બનશે અને માંગ્યા નીર આપશે. બીજી તરફ હાલ મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદનાં કારણે નર્મદા ડેમમાં પણ પાણીની ધોધમાર આવક થતી હોવાનાં કારણે સરકારને પણ રાજકોટની માંગણી સંતોષવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.