Abtak Media Google News

પરફોર્મન્સ બેઇઝ્ડ ગ્રાન્ટ ફાળવણીમાં રાજકોટને વર્ષ 2023- 2024 માટે 100% ગ્રાન્ટ મળશે

ભારત સરકાર દ્વારા દેશના વિવિધ શહેરોમાં એર ક્વોલિટીમાં સુધારો લાવવાના એક પ્રોગ્રામમાં દેશના કુલ 131 શહેરોનો સમાવેશ કરવામાં  આવ્યો છે.આ શહેરો પૈકી જે શહેરની હવાની ગુણવત્તામાં ગત વર્ષની સરખામણીએ ન્યુનતમ 15 ટકા કે તેથી વધુ સુધારો થયો હોય તેવા માત્ર ચાર શહેરો નોંધાયા છે. આ ચાર શહેરોમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે  એર ક્વોલિટીમાં 15 ટકા કે તેથી વધુ સુધારો કરનાર અન્ય ત્રણ શહેરો છે અમદાવાદ, વારાણસી અને ધનબાદ. સરકાર ની માર્ગદર્શિકા અનુસાર આ ચાર શહેરોને વર્ષ 2023- 2024 માટે 100% ગ્રાન્ટ ફાળવવામાં આવનાર છે, તે આનંદની વાત છે, તેમ જણાવી મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન   પુષ્કરભાઈ પટેલ, ઈ.ચા. મ્યુનિ. કમિશનર  અનિલ ધામેલિયા અને સેનિટેશન કમિટીના ચેરમેન  અશ્વિનભાઈ પાંભરે ખુશી વ્યક્ત કરી હતી.

ભારત સરકાર  દ્વારા જાન્યુઆરી 2019માં મીનીસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ કલાઈમેટ ચેન્ઝ દ્વારા નેશનલ ક્લીન એર પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલ.  આ પ્રોગ્રામનો હેતુ હવાની ગુણવત્તામાં વર્ષ 2019-2020ના પી.એમ. 10 ના લેવલમાં 40% ઘટાડો 2025-2026 સુધીમાં કરવાનો છે અને આ પ્રોગ્રામ અંતર્ગત હવાનું શુદ્ધિકરણ કરી લોકોને સારું સ્વાસ્થ્ય આપવાનો છે.

આ પ્રોગ્રામ અંતર્ગત કુલ 131 શહેરોની પસંદગી કરવામાં  આવી હતી. જેમાં ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટને પસંદ કરાયા છે. આ પ્રોગ્રામ અંતર્ગત દર વર્ષે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જે પર્ફોર્મન્સ બેઈઝડ હોય છે. વર્ષ 2021 – 2022 માં રાજકોટ શહેરનું પી.એમ 10નું લેવલ 111 Ng/m3 હતું, જે વર્ષ 2022-2023 માં ઘટીને પી.એમ 10નું લેવલ 94 Ng/m3 થયું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પરફોર્મન્સ ઈવેલ્યુએશન મુજબ 15.30 % ઘટાડો થેયલ છે. તેથી 15% થી વધારે ઘટાડો કરેલ હોય તેવા ચાર શહેરોને ભારતભરમાંથી 100 માંથી 100 માર્ક્સ મેળવીને વર્ષ 2023- 2024 100% ગ્રાન્ટ મળવા પાત્ર રહેશે. આ ચાર શહેરોમાં  રાજકોટ, અમદાવાદ, વારાણસી અને ધનબાદનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.