Abtak Media Google News

અર્થતંત્રમાં કરવેરાનું મહત્વનું યોગદાન: ચાલુ વર્ષે અત્યાર સુધીમાં પ્રત્યક્ષ કર વસૂલાત વાર્ષિક ધોરણે 12.7 ટકા વધી 4 લાખ કરોડને પાર પહોંચી

સરકાર રાજકોશિય ખાધ ઉપર અંકુશ મેળવી અર્થતંત્રને ટનાટન બનાવવા સતત કમર કસી રહી છે. જેમાં આડકતરા વેરાની સાથોસાથ સીધા કરવેરામાં પણ આવેલો જબ્બર ઉછાળો મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. નાણા મંત્રાલયે માહિતી આપી છે કે કેન્દ્ર સરકારે 2023-24ના પ્રથમ અઢી મહિનામાં 3.8 લાખ કરોડ રૂપિયા પ્રત્યક્ષ કર તરીકે એકત્રિત કર્યા છે, જ્યારે અગાઉના નાણાકીય વર્ષ 2022-23ના સમાન સમયગાળામાં તે 3.4 લાખ કરોડ રૂપિયા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 17 જૂને ડાયરેક્ટ ટેક્સ કલેક્શન અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળા કરતાં 11.2 ટકા વધુ હતું.  તેમાં રૂ. 1.57 લાખ કરોડ કોર્પોરેટ ટેક્સ કલેક્શન અને રૂ. 2.22 લાખ કરોડનો પર્સનલ ઇન્કમ ટેક્સ, જેમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સનો સમાવેશ થાય છે. એકંદરે વૃદ્ધિ દર સરકારના અંદાજ કરતાં વધુ ઝડપી છે.

Advertisement

1 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ 2023-24 માટેના કેન્દ્રીય બજેટમાં 2022-23ની સરખામણીમાં પ્રત્યક્ષ કર વસૂલાતમાં 10.5 ટકાનો વધારો થવાનો અંદાજ છે.  બજેટમાં, કોર્પોરેટ ટેક્સ કલેક્શન 10.5 ટકા વધીને રૂ. 9.23 લાખ કરોડ થવાનો અંદાજ છે, જ્યારે વ્યક્તિગત આવકવેરાની વસૂલાત વધીને રૂ. 9.01 લાખ કરોડ થવાનો અંદાજ છે.

રિફંડને સમાયોજિત કર્યા વિના, 17 જૂન સુધી પ્રત્યક્ષ કર વસૂલાત 4.19 લાખ કરોડ રૂપિયા હતી, જે વાર્ષિક ધોરણે 12.7 ટકા વધી છે.  આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં રૂ. 39,578 કરોડના રિફંડ પણ જારી કરવામાં આવ્યા છે, જે ગયા નાણાકીય વર્ષ 23 ના સમાન સમયગાળા દરમિયાન જારી કરાયેલા રૂ. 30,414 કરોડના રિફંડની તુલનામાં 30.13 ટકાનો વધારો દર્શાવે છે.

દરમિયાન, નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એડવાન્સ ટેક્સ કલેક્શન રૂ. 1.16 કરોડ રહ્યું હતું, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1.02 કરોડ હતું, જે 13.70 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

દેણું કરીને ઘી પીવાની સરકારની વ્યૂહરચના સફળ નીવડી

મોદી સરકાર દ્વારા દેણું કરીને ઘી પીવાની જે વ્યૂહરચના ઘડવામાં આવી હતી.તે સફળ નીવડી છે. કારણકે રાજકોશિય ખાધ અત્યારે રાહતમાં છે. બીજી તરફ સરકાર દ્વારા જે વિકાસ કાર્યો થઈ રહ્યા છે તેમ પૂરતું ભંડોળ વાપરવાની પણ મોકળાશ છે. તાજેતરમાં મૂડીઝના રિપોર્ટમાં પણ જણાવાયું હતું કે સરકારનો બોજ હવે ઘટવા તરફ છે.

નોટબંધી બાદ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનો વધ્યા

વર્ષ 2016ની નોટબંધીથી ફાયદો થયો કે નુકસાન આ અંગે મોટા મતમતાંતર ચાલી રહ્યા છે. પણ એક વાત ચોક્કસ છે કે આનાથી અર્થતંત્રને ફાયદો થયો છે. નોટબંધી બાદ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં મોટો ઉછાળો થયો છે. લોકો કેશ ટ્રાન્ઝેક્શનને બદલે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન તરફ વધુ વળ્યાં છે.

જીએસટીની આવક વધી

છેલ્લા ઘણા સમયથી જીએસટીની આવક સતત વધી રહી છે. સરકારને દર મહિને અંદાજે દોઢ લાખ કરોડની આવક થઈ રહી છે. આ આવક અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને રાજકોશિય ખાધને અંકુશમાં રાખવા આ આવક મહત્વની સાબિત થઈ છે.

2000ની નોટબંધીથી પણ અર્થતંત્રને મળ્યું બુસ્ટર

સરકાર દ્વારા સૌથી મોટા ચલણની 2000ની નોટ બદલીની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે જ્યાં જ્યાં રૂપિયાનો સંગ્રહ થયો હતો ત્યાંથી રૂપિયા બહાર નીકળ્યા છે. આ રૂપિયા હવે વ્યવહારમાં આવતા અર્થતંત્રને બુસ્ટર મળ્યું છે. આ નાણાં બેન્ક માટે પણ ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે.

હેરફેર વધતા રૂપિયો મોટો થતો ગયો

સરકાર દ્વારા વખતો વખત રૂપિયાને મજબૂત બનાવવાના પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વધુમાં વધુ દેશો સાથે રૂપિયામાં વ્યવહાર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેને કારણે રૂપીયો મોટો થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.