Abtak Media Google News

 

વેદકાળથી જ ભારતીય સંસ્કૃતિમાં યોગને પ્રતિષ્ઠા મળી છે. જે આજે વર્તમાન યુગમાં પણ જોવા મળે છે. માણસના જીવનમાં વિચારો દ્વારા જે સ્પષ્ટ થાય તે જીવનમાં સાકારીત કરવાનું કાર્ય યોગ દ્વારા થાય છે. આવી તાકાત ફક્ત યોગમાં જ છે. યોગ એ વિચારોના નિર્ણયને જીવનમાં ઉતારવાની એક તરકીબ છે. યોગ શબ્દ યુજ ધાતુ પરથી ઉતરી આવ્યો છે, યુજ એટલે જોડાવું અને આત્માસાક્ષાત્કારના સાધનોનું નિરૂપણ કરવું, યોગ દ્વારા જીવાત્માને પરમાત્મા સાથે જોડાવું એવો અર્થ થઈ શકે. મહર્ષિ પતંજલિ યોગશાસ્ત્રના પિતા છે, તેમને યોગ સૂત્રમાં ચિત્ત શુદ્ધિ દ્વારા આત્મ સાક્ષાત્કારનો માર્ગ બતાવ્યો છે અને યોગ ચિતવૃત્તિ નિરોધનું યોગ સૂત્ર આપ્યું છે આનો અર્થ એ કે ચિતની વૃત્તિઓ અને તેની સંચળતાનું  નિયમન એ જ યોગ છે.

આજે માણસનું જીવન તનાવયુક્ત બન્યું છે અને રોગ અને દર્દે માણસને ખોખલો બનાવી દીધો છે, ત્યારે તેને માનસિક તણાવમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે અને તે એટલે યોગ અને પ્રાણાયામ છે, તો નિયમિત યોગ અને પ્રાણાયામ કરવા હિતાવહ છે. યોગ સંઘર્ષ પૂર્ણ અને તનાવયુક્ત જીવનશૈલીને પડકારે છે, એટલું જ નહીં પરંતુ માનવ શરીરને નિર્મળ અને શુદ્ધ આત્માના નિવાસ તરીકે સ્વીકારે છે.

યોગની જીવન દ્રષ્ટિ આપણને જીવનનું સંતુલન આપે છે. અશાંત મનને શાંત પૂર્ણ બનાવે છે. વ્યક્તિ પોતાના આત્માની શોધ યોગની જીવન દ્રષ્ટિ દ્વારા કરી શકે છે. આ યોગથી માણસના શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માનો પૂર્ણ વિકાસ થાય છે. યોગથી શરીરને સ્થિર, સુંદર અને સંતુલિત વિકાસ થાય છે અને શરીરનો આંતરબાહ્ય શુદ્ધિકરણ થાય છે. શ્વાસોશ્વાસના નિયમન દ્વારા પ્રાણનું પણ નિયમન થાય છે. આ નિયમન શરીરમાં રહેલી પ્રાણ શક્તિનું સંતુલન કરે છે. યોગ એ આપણા મનને એકાગ્ર, દૃઢ અને સાકારાત્મક તથા સર્જનશીલ બનાવે છે. તેમજ યોગ દ્વારા બુદ્ધિ ચિંતનશીલ, વિવેકશીલ અને સર્જનશીલ બને છે. યોગ જીવનદ્રષ્ટિ છે કે જેનાથી માનવમાં વ્યક્તિગત અને સામાજિક સદગુણો પ્રગટે છે અને વ્યક્તિ સદાચારી અને આત્મસંયમી બને છે. યોગની આ જીવનદ્રષ્ટિ આખી દુનિયાને ભારતે આપેલું નવું નજરાણું છે. આજે દુનિયાના અનેક દેશોમાં યોગને મહત્વ આપ્યું છે અને યોગ લોકો કરે છે, તેનું કારણ એ કે યોગ એ માણસને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે.આપણે બધા 21 જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ કારણ કે યોગ્ય સર્વ રોગની ઔષધી છે. યોગ દ્વારા શરીર અને ચિત્તનું શુદ્ધિકરણ થાય છે અને ચિત નિર્મળ બને છે. ચિતનું નિર્મળ સ્વરૂપ એ યોગનો ધ્યેય છે. યોગ એ ચિતવૃત્તિનો નિરોધ અને રાગદ્વેષ આદિકલેશોમાંથી મુક્ત એવી ચિતની સ્થિતિ છે. યોગ એ ભારતીય સંસ્કૃતિએ પ્રતિપાદિત કરેલી અને આચારેલી જીવનદ્રષ્ટિ છે, જે વર્તમાન યુગમાં વ્યક્તિને તનાવમાંથી મુક્ત કરે છે. તેમજ ભાવિ જીવન માટે પણ યોગ પથદર્શક બને છે અને માણસને ઉજાગર કરે છે. યોગ એ ચિતની ગુણાત્મક કેળવણીનો શાશ્વત માર્ગ છે. તેથી, આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આપણે સંકલ્પ કરીશું કે અમે બધા યોગ અને પ્રાણાયામ નિયમિત કરીશું અને અમારા કુટુંબ, સમાજ અને સમગ્ર રાષ્ટ્રને રોગથી મુક્ત કરી નિરોગી બનાવીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.