Abtak Media Google News

જામનગર ભાજપના મુખ્ય હોદ્દેદારોમાં ઝઘડો ચરમ સીમાએ પહોંચતા ખળભળાટ

ધારાસભ્ય રિવાબા જાડેજાએ મેયર બીનાબેન કોઠારીને જાહેરમાં કહ્યું ઓકાતમાં રહેજો

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે મારી માટી મારો દેશ  કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જે દરમિયાન શહેર ભાજપના મુખ્ય હોદ્દેદારો વચ્ચે નો

ઝઘડો આજે જાહેરમાં સામે આવ્યો હતો, અને ધારાસભ્ય મેયરને ઓકાતમાં રહેજો તેમ સંબોધીને સર્વે હોદ્દેદારો વગેરેની હાજરીમાં સંભળાવી દેતાં ભાજપના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે.

કાર્યક્રમ દરમિયાન સાંસદ પણ હાજર હતા અને તેઓએ પણ વડીલની ભૂમિકામાં રહીને દરમિયાનગીરી કરી હતી. આખરે રિવાબા કાર્યક્રમ પૂર્ણ કરી અને જતા રહ્યા પછી મામલો શાંત થયો હતો.

જામનગર મહાનગરપાલિકા દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમ આજે સવારે 9.00 વાગ્યે રણમલ તળાવના ગેટ નંબર એક પાસે રાખવામાં આવ્યો હતો. જેના મુખ્ય મહેમાન તરીકે નગરના મેયર બીનાબેન કોઠારી હતા, જ્યારે વિશેષ ઉપસ્થિતિમાં સાંસદ પૂનમબેન માડમ, તેમજ પ્રેરક ઉપસ્થિતિમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

મહાનગરપાલિકાના કમિશનર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મહાનગરપાલિકાના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે કાર્યક્રમ દરમિયાન પ્રોટોકોલ જાળવવા જેવી બાબત તેમજ અન્ય કોઈ બાબતે ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી સાથે ઝકમક ઝરી હતી. થોડી ક્ષણો પછી તો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો હતો, અને એક તબક્કે ધારાસભ્ય રીવાબાએ મેયર બીનાબેન કોઠારીને સંભળાવી દીધું હતું કે ’તમારી ઔકાતમાં રહેજો.’

જેથી   બીનાબેન કોઠારી પણ નારાજ થયા હતા, અને તેઓએ કહ્યું હતું કે હું મારી ઓકાતમાં છું અને તમે આજના કાર્યક્રમ મેયર ના અધ્યક્ષ સ્થાને છે અને કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેવી વાત કહી હતી.

આ લડાઈ વખતે સાંસદ પૂનમબેન માડમ પણ હાજર રહ્યા હતા અને વડીલની ભૂમિકા ભજવીને મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે રીવાબાએ સાંસદને પણ વડીલની ભૂમિકા સારી રીતે નિભાવો એવું કહ્યું હતું. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપના પ્રમુખ વિમલભાઈ કગથરા જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ વગેરેએ દરમિયાનગીરી કરી હતી, અને મામલો શાંત પપાડવાનો પ્રયત્ન કર્યો હતો.ત્યારબાદ ધારાસભ્ય રિવાબા જાડેજા કાર્યક્રમ પૂર્ણ કરીને કાર્યક્રમના સ્થળ પરથી નીકળ્યા હતા, ત્યારબાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

જામનગર શહેર ભાજપના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી શખડ ડખળ ચાલી રહ્યું છે. પરંતુ આજે મામલો ચરમશીમાએ પહોંચ્યો હતો, અને જાહેરમાં ઓકાત દેખાડવાની વાતો થઈ, અને સમગ્ર ઘટના અનેક મીડિયા કર્મીના કેમેરાઓમાં પણ કેદ થઈ હતી. જે શહેરના તમામ સોશિયલ મીડિયામાં આ જ એકમાત્ર બનાવ વિશેષ રૂપે ચર્ચા નું કેન્દ્ર બન્યો છે, અને વિડિયો ક્લિપિંગ ફરી રહ્યા છે. જેથી જામનગર શહેર ભાજપ ના વર્તુળમાં ભારે હલચલ મચી ગઈ છે અને આ પ્રકરણના પડઘા છેક ગાંધીનગર અથવા દિલ્હી સુધી પહોંચે તેમ પણ મનાઈ રહ્યું છે….

આ અમારો શહેર ભાજપનો પારિવારિક અને આંતરિક મામલો છે: મેયર બીનાબેન કોઠારી

જામનગર શહેર ભાજપમાં મુખ્ય હોદ્દેદારોમાં છેલ્લા કેટલાક સમયથી ગડમથલ ચાલી રહી હોવાની ચર્ચાઓ શહેરભરમાં ચાલતી હતી. જોકે આજે પ્રથમ વખત સમગ્ર મામલો સામે આવ્યો હતો, અને મેંયર અને ધારાસભ્ય વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. જે સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા પછી આજે નગરના મેયર બીનાબેન કોઠારી કે જેઓ મીડિયા સમક્ષ આવ્યા હતા, અને જે બનાવ બન્યો હતો તે સંદર્ભમાં પ્રશ્ન પૂછવામાં આવતાં તેઓએ જણાવ્યું હતું, કે આ અમારો શહેર ભાજપનો પારિવારિક અને આંતરિક મામલો છે. તે વિશે હું કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરવા માંગતી નથી, અને અમારો આંતરિક મામલો આંતરિક રહેવા દો એવી વાત કહી ને પોતાની વાત પૂરી કરી હતી.

વાત આત્મ સન્માનની હતી એટલે જવાબ  આપ્યો: ધારાસભ્ય રિવાબા જાડેજા

પત્રકારો સાથેની વાતચિતમાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે આજે મહાનગરપાલિકા દ્વારા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંસદે શહીદોને ચપ્પલ પહેરી શ્રધ્ધાંજલી આપેલ. ત્યારબાદ મેં ચપ્પલ ઉતારી આદર સાથે શહીદોને ફૂલહાર ચઢાવી શ્રધ્ધાંજલી આપ્યા બાદ પાર્ટીના આગેવાનો તથા મનપાના અધિકારીઓએ પણ ચપ્પલ ઉતારી આદર સાથે શ્રધ્ધાંજલી આપી હતી. આ કાર્યક્રમ ચાલી જ રહ્યો હતો. ત્યારે હું સાંસદ અને મેયર સાથે ઉભા હતા ત્યારે સાંસદે એવી ટીપ્પણી કરી હતી કે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પણ આવા કાર્યક્રમમાં ચપ્પલ ઉતારતા નથી. અમુક લોકોને નથી ખબર પડતી તેવા લોકો ઓવરસ્માર્ટ થઇને ચપ્પલ કાઢે છે. ત્યારે વાત આત્મસન્માનની વાત આવી એટલે બોલવું પડ્યું કે પાર્ટી વિરૂધ્ધનું કામ નથી કર્યું કે તમારૂં અપમાન નથી કર્યું ત્યારે વળતા જવાબમાં સાંસદ પૂનમબેન બોલ્યા કે તમને કાંઇ નથી કહેતી બિનાબેનને કહેતી હતી.

હું આ ઘટના અંગે તપાસ કરાવીશ: સી.આર. પાટીલ

જામનગર ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે આજે એક કાર્યક્રમ વચ્ચે શાબ્દિક યુધ્ધ છેડાતા ભાજપમાં ભારે ચર્ચાનો  વિષય બન્યો છે.ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર મામલો થાળે  પાડવામાં આવ્યો હતો. સમગ્ર મામલો ામે આવતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતુ કે હું આ ઘટના અંગે તપાસ કરાવીશ.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.