Abtak Media Google News

રોડની સુવિધા માટે આપણે આડેધડ પર્વતોનો કચ્ચરધાણ કાઢ્યો, હવે ભોગવવાનો વારો

આપણે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા સ્થળોના વિકાસના નામે અનેક કરતૂતો એવી કરી છે કે હવે આ સૌંદર્યથી છલકાતા સ્થળો હવે ક્રૂર બની પ્રકોપ વરસાવી રહ્યા છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ આવા મુખ્ય સ્થળ છે. જ્યાં આપણે સુવિધા માટે આડેધડ રોડ બનાવ્યા છે. તેના માટે પર્વતોનો કચ્ચરધાણ કાઢ્યો છે. ઉપરાંત આડેધડ બાંધકામો પણ કર્યા છે.

Advertisement

હિમાચલ પ્રદેશમાં આ અઠવાડિયે વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાય હતી. જેના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા અને મોટી સંખ્યામાં મકાનો ધરાશાયી થઈ ગયા. આ ઘટનાઓમાં લગભગ 60 લોકોના મોત થયા છે અને અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. એનડીઆરએફ મુજબ, રાજ્યમાં બચાવ અને રાહત માટે કેન્દ્રીય દળની 29 ટીમો તૈનાત કરવામાં આવી છે, જેમાંથી 14 સક્રિય છે જ્યારે બાકીની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. આ સિવાય એસડીઆરએફ, આર્મી, એરફોર્સ, પોલીસ અને સ્થાનિક સત્તાવાળાઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી રહ્યા છે.

આ અફાત વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 સાથે કાલકા-શિમલા રોડનો 40 કિલોમીટરનો પટ્ટો તેમજ પરવાનુ-સોલન રોડના કેટલાક ભાગો ભારે વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે ધોવાઈ ગયા હતા. ભૂસ્તરશાસ્ત્રીઓ અને નિષ્ણાતોએ આ દુર્ઘટના માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને જવાબદાર ઠેરવ્યા છે. ભૂસ્તરશાસ્ત્રીઓ અને નિષ્ણાતોએ કહ્યું છે કે, આ રસ્તાને પહોળો કરવાની જરૂર હતી તો રસ્તાની ગોઠવણી બદલી શકાઈ હોત અથવા ત્યાં ટનલ બનાવી શકાઈ હોત.

પંજાબ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના પ્રોફેસર અને જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના પૂર્વ ડિરેક્ટર ઓમ ભાર્ગવે જણાવ્યું હતું કે, પર્વતોના લગભગ વર્ટિકલ કટિંગને કારણે ઢોળાવ અસ્થિર થઈ ગયો છે. તેને વરસાદ પડે કે ન પડે તેનાથી કોઈ ફરક પડતો નથી. આ ઢોળાવ તો સંતુલન કરે છે પરંતુ તે નીચે સરકે છે.તેમણે કહ્યું કે, વર્ટિકલ કટિંગનો અર્થ એ છે કે પર્વતનો ઢોળાવ 90 ડિગ્રીની ખૂબ નજીક થઈ જાય છે, જ્યારે ભૂસ્તરશાસ્ત્રીઓના મતે ઢાળ 60 ડિગ્રીથી ઓછો હોવો જોઈએ. આ કારણે હાઈવેના ઢોળાવ પર સતત પથ્થરોનો વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે હાઈવેની એક લેન પરનો વાહનવ્યવહાર નિયમિત અંતરે ખોરવાઈ રહ્યો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.