Abtak Media Google News

વોર્ડ નં.9ની પેટાચૂંટણીમાં સમાજ તરફથી નક્કી કરેલ મહીલા ઉમેદવારની બદલે અન્યના નામની જાહેરાત થતાં વિવાદ : રાજકારણ ગરમાયુ

અબતક, નીતિન પરમાર, માંગરોળ : માંગરોળમાં ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. પાલિકાની વોર્ડ નં.9ની પેટાચૂંટણીમાં અનુ.જાતિના આગેવાનો તરફથી નક્કી કરેલ મહીલા ઉમેદવારની બદલે અન્યના નામની જાહેરાત થતાં વિવાદ સર્જાયો છે. જેને પગલે શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ ભાણજીભાઈ ગોહેલ તેમજ ઉપપ્રમુખો સહિતના 31 હોદેદારો મળી કુલ 450 જેટલા કાર્યકરોએ રાજીનામાં ધરી દીધા છે. આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

માંગરોળમાં વોર્ડ નં.૯ ની પેટા ચૂંટણી ની જાહેરાત થતાં આ સંદર્ભે ભાજપના સ્થાનિક અને પાર્ટીના ઉચ્ચકક્ષાએ બિરાજમાન હોદેદારો વચ્ચે સંકલનના અભાવથી આંતરીક ભડકો થયો છે. જેના ભાગરૂપે નગરપાલિકાના સદસ્ય તથા અનુ. જાતિ મોરચાના પ્રમુખ, ઉ.પ્રમુખ, મંત્રી સહિતના 31 હોદેદારોએ રાજીનામા ધરી દેતા હાલ સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.

માંગરોળ નગર સેવા સદનના વોર્ડ નં.૯ ના મહીલા સદસ્ય કાંતાબેન જાદવભાઈ ગોહેલનું ગત જુલાઈ માસમાં માર્ગ અકસ્માતમાં અવસાન થતા આ બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ હતી. આ બેઠક બિનહરીફ કરવાના પ્રયાસો વચ્ચે ભારે ખેંચતાણ સર્જાઈ હતી. જેના લીધે છેલ્લા સાતેક દિવસથી આંતરીક ઘૂઘવાટ સર્જાયો હતો. દરમ્યાન નગરપાલિકા માં ભાજપમાંથી ત્રણ ટર્મથી ચૂંટાઈ આવતા ભાણજીભાઈ પાલાભાઈ ગોહેલે જિલ્લા પ્રમુખ અને અનુ.જાતિ મોરચાના જિલ્લા પ્રમુખને લેખિત રાજીનામુ મોકલી જણાવ્યું છે કે આ બેઠક માટે અનુ.જાતિ મહીલા ઉમેદવાર – વણકર સમાજ તરફથી બિનહરીફ જાહેર થાય તે માટે પાર્ટીના સ્થાનિક તથા વણકર સમાજના હોદેદારોએ લાઈઝનીંગમાં રહી પ્રયાસો હાથ ધર્યા હતા.

જે અંતર્ગત અનુ.જાતિ મોરચાના હોદ્દેદારો, કારોબારી સદસ્યો તથા પક્ષના સ્થાનિક હોદેદારો સાથે રહી વણકર સમાજની કારોબારી બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે ગત ટર્મમાં ભાજપ અને કોંગ્રેસના પરાજીત મહીલા ઉમેદવારો વચ્ચે ચીઠ્ઠી નાખવામાં આવતા સમાજ તરફથી શોભનાબેન રવજીભાઈ ગોહેલને બિનહરીફ અપક્ષ ઉમેદવાર ઘોષિત કરાયા હતા.

નગરપાલિકા માં બંને પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધીઓ તરફથી પણ એવું જણાવવામાં આવેલ કે વણકર સમાજ તરફથી જે કાંઈ નક્કી થાય તેમાં કોઈ પણ પક્ષે હસ્તક્ષેપ કરવો નહીં. તેમ છતાં ફોર્મ ભરવાના ગણતરીના કલાકો પહેલા ભાજપ તરફથી અન્ય મહીલા ઉમેદવારની પસંદગી કરી, પાર્ટીનો મેન્ડેટ આપી દેવામાં આવતા , આ ઉમેદવાર દ્વારા પોતાની  ઉમેદવારી નોંધાવાઈ હતી. પક્ષના આ નિર્ણયથી છબી ખરડાઈ હોવાનું જણાવી અનુ.મોરચાના નારાજ તમામ હોદ્દેદારો, સદસ્યો અને 450 જેટલા કાર્યકરોના સ્વૈચ્છિક રાજીનામા આપી તેને સ્વિકારવા લેખિતમાં જણાવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં રાજીનામા સ્વિકારાશે કે મોવડી મંડળની સમજાવટથી મામલો થાળે પડશે તે જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.