Abtak Media Google News

કોઠારી પરિવારે શહેર ભાજપ પ્રમુખને કરી રજુઆત

જામનગરમાં તળાવની પાળ પર વીર સ્મારક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અને મેયર વચ્ચે થયેલા સંવાદના સંદર્ભમાં મેયર ને ઔકાતમાં રહેવાના ધારાસભ્યના વાણી વિલાસ સામે મેયરના સમગ્ર કોઠારી પરિવારે નારાજગી વ્યક્ત કરી હતી, અને શહેર ભાજપના કાર્યાલય પર પહોંચી જઈ શહેર પ્રમુખને રજૂઆત કરી હતી, જ્યાં શહેર પ્રમુખ દ્વારા ભવિષ્યમાં આવી કોઈ પ્રતિક્રિયા જોવા ન મળે, તે બાબતે યોગ્ય કરવા ખાતરી આપી હતી. જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા કે જેઓએ ગઈકાલે તળાવ ની પાળે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન નગરના મેયર બીનાબેન કોઠારી સાથે ઉગ્ર સ્વરૂપમાં વાર્તાલાપ કર્યો હતો, અને એક તબક્કે તમેં તમારી ઔકાતમાં રહેજો તેવા શબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો. જાહેરમાં આવા શબ્દોના ઉચ્ચારણને લઈને અને મેયર નું જાહેરમાં અપમાન થયું છે, જે મુદ્દા ને લઈને મેયરના સમગ્ર કોઠારી પરિવાર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

જે સંવાદને અનુસંધાને મેયર બીનાબેન કોઠારી પરિવારના વડીલ નવીનચંદ્ર ધીરજ લાલ કોઠારી કે જેઓ  મેયરના જેઠ થાય છે, તેઓની આગેવાનીમાં સમગ્ર કોઠારી પરિવાર આજે જામનગર શહેર ભાજપના કાર્યાલય પર પહોંચ્યો હતો, અને ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા શબ્દ પ્રયોગ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

પરિવારના કહેવા અનુસાર તેઓ વર્ષોથી પેઢી દર પેઢી જનસંધ અને ભારતીય જનતા પાર્ટી પરિવાર સાથે જોડાયેલા છે. અને  જાહેર કાર્યક્રમ સમયે મેયરને ઔકાતમાં રહેવા ના શબ્દોનો જે પ્રયોગ થયો છે, તે અર્થે નારાજગી વ્યક્ત કરી હતી.

જેના પ્રત્યુતરમાં શહેર ભાજપના પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા દ્વારા સમગ્ર કોઠારી પરિવારને સાંભળ્યા હતા, અને ભવિષ્યમાં આ બાબતે ફરી કોઈ આવી વાત સામે ન આવે, તે જ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા માટેની ખાતરી આપી હતી.

કોઠારી પરિવાર દ્વારા કરાયેલી શહેર પ્રમુખ પાસેની આ રજૂઆતને લઈને જામનગર શહેર ભાજપના રાજકારણમાં વધુ ગરમાવો આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.