Abtak Media Google News

મોનેટરી પોલિસી કમિટિની બેઠક બાદ RBIના ગવર્નરની જાહેરાત,
રેપોરેટ 6.5 ટકા યથાવત જ રહેશે

ભારતીય રિઝર્વ બેંકે આજે ​​નવી નાણાકીય નીતિ જાહેર કરી છે. RBIની મોનેટરી પોલિસી કમિટિ, જે 6 થી 8 જૂન સુધી ચાલી હતી, તેણે હાલમાં રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે.  એટલે કે રેપો રેટ 6.5 ટકા યથાવત રહેશે.

Advertisement

આરબીઆઈ ગવર્નરની આગેવાની હેઠળની નાણાકીય નીતિ સમિતિ સમક્ષ બે મુદ્દા ખૂબ જ મહત્વપૂર્ણ હતા.  પહેલું, દેશમાં મોંઘવારી પર નિયંત્રણ રાખવું અને બીજું, પ્રતિકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓનો સામનો કરવો. RBIની મોનેટરી કમિટીની આ બેઠક ઉંચી છૂટક ફુગાવા અને વિકસિત દેશોની કેન્દ્રીય બેંક, ખાસ કરીને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વપૂર્ણ હતી.

RBI ગવર્નરે આજે રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને અન્ય સંબંધિત નિર્ણયો અંગેની નાણાકીય સમિતિના નિર્ણયોની જાહેરાત કરી હતી.  આ ઉપરાંત વર્તમાન સ્થાનિક અને વૈશ્વિક આર્થિક સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી.  જોકે, આજની જાહેરાત પહેલા ઘણા અર્થશાસ્ત્રીઓનુ માનવું હતું કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર થશે નહીં.

ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા લેવામાં આવેલા નિર્ણયમાં ફરી એકવાર દેશની અર્થવ્યવસ્થામાં ચાલી રહેલી રિકવરી જાળવી રાખવા અને રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી એમપીસીની બેઠકમાં RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો હતો.  અગાઉ આરબીઆઈએ ડિસેમ્બરની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.  મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી, આરબીઆઈએ રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટ એટલે કે 2.5 ટકાનો વધારો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.