Abtak Media Google News
  • પબ્લિકની એન્ટ્રીમાંથી જ આવીને જનતાનું અભિવાદન ઝીલતા સ્ટેજ સુધી પહોંચશે
  • નેશનલ હેલ્થ મિશનના ડાયરેકટ રેમ્યા મોહનનું રાજકોટમાં આગમન, કલેકટર કચેરી ખાતે બેઠકનો ધમધમાટ, અધિકારીઓએ રેસકોર્ષ અને એઇમ્સની મુલાકાત પણ લીધી
  • એસપીજી કમાન્ડોએ રાજકોટમાં મોરચો સંભાળી લીધો, રેસકોર્ષ અને એઇમ્સ ખાતે રિહર્સલ પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.25ના રોજ રાજકોટ આવી રહ્યા છે. તેઓ રેસકોર્ષ ખાતે સભા સંબોધવાના છે. પણ આ વખતે વડાપ્રધાન સભા સ્થળે નવો ચીલો ચાતરવાના છે. વડાપ્રધાન પબ્લિકની એન્ટ્રીમાંથી જ આવીને જનતાનું અભિવાદન ઝીલતા સ્ટેજ સુધી પહોંચશે. જો કે અત્યાર સુધી વડાપ્રધાનના કાર્યક્રમમાં તેઓની એન્ટ્રી અલગ જ રહેતી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તાં.24 અને 25માં રોજ સૌરાષ્ટ્ર પ્રવાસે આવવાના છે. વડાપ્રધાન મોદી તા.24ના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે બનેલા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના છે. ત્યારબાદ તેઓ રાત્રી રોકાણ પણ દ્વારકા જ કરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાથી સીધા રાજકોટની ભાગોળે પરાપીપળીયા નજીક આવેલ એઇમ્સ ખાતે હેલિકોપ્ટર મારફત આવવાના છે. એઇમ્સના લોકાર્પણ સાથે તેઓ દ્વારા અન્ય 4 એઇમ્સનું પણ ઇ લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યાંથી વડાપ્રધાન મોદી રેસકોર્ષ ખાતેના સભા સ્થળે પહોંચવાના છે. વડાપ્રધાન મોદી અહીંથી વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે.

Img 20240220 Wa0034 E1708428914940

વડાપ્રધાન મોદીની સભા માટે રેસકોર્ષમાં 5 જર્મન ડોમ તૈયાર કરવામાં આવશે. આ સાથે 10 એલઇડી મુકવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં 26 કમિટીની રચના કરવામાં આવી છે. વડાપ્રધાનની સુરક્ષાને લઈને પણ તમામ તૈયારીઓ થઈ રહી છે. રાજકોટમાં 3 જગ્યાએ પીએમનું સેફ હાઉસ બનશે. આ સેફ હાઉસ એઇમ્સ, રેસકોર્ષ અને સર્કિટ હાઉસ ખાતે બનાવવામાં આવશે. વધુમાં સભા સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનોખો ચીલો ચાતરવાના છે. સામાન્ય રીતે વડાપ્રધાન સ્ટેજના પાછળના ભાગે કાર ઉભી રાખી અલગ જ એન્ટ્રીમાંથી આવતા હોય છે. પણ આ વખતે પબ્લિક એન્ટ્રીમાંથી આવી તેઓ જનતાનું અભિવાદન ઝીલતા ઝીલતા સ્ટેજ સુધી પહોંચવાના છે.વધૂમાં વડાપ્રધાન મોદીની વિઝિટને લઈને નેશનલ હેલ્થ મિશનના ડાયરેકટ રેમ્યા મોહન આજે રાજકોટ આવી પહોંચ્યા છે.

એઇમ્સ અને ઝનાના તેમના અન્ડરમાં આવતા હોય રેમ્યા મોહને કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. આ ઉપરાંત રેસકોર્ષ અને એઇમ્સની તેઓએ સ્થળ વિઝીટ કરી હતી. રાજ્યના આરોગ્ય સચિવ ધનાંજય દ્વિવેદી પણ આજે ફરી રાજકોટ આવી ગયા છે. તેઓએ પણ રેસકોર્ષ સભા સ્થળની મુલાકાત લીધી હતી. બીજી તરફ એસપીજી કમાન્ડોએ પણ રાજકોટનો મોરચો સંભાળી લીધો છે. આજે એસપીજી કમાન્ડો દ્વારા એઇમ્સ અને રેસકોર્ષ ખાતે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન 800 મીટરનો રોડ શો પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં આગામી 25મીએ રોડ શો પણ કરવાના છે. તેઓ જુના એરપોર્ટ ખાતે હેલિકોપ્ટર મારફત આવશે. જ્યાંથી તેઓ રેસકોર્ષ સુધી રોડ શો યોજવાના છે.  આ રોડ શોમાં વિવિધ સમાજના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરશે. હાલ સ્થાનિક ભાજપ દ્વારા આ રોડ શોને લઈને તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે.

ખાસ ફરજમાં લેવાયેલ પાંચ ડેપ્યુટી કલેકટર હાજર

વડાપ્રધાન મોદીના રાજકોટના કાર્યક્રમ માટે સરકાર દ્વારા 5 ડેપ્યુટી કલેકટરોના પણ ફરજ માટેના ઓર્ડર કર્યા છે. જેમાં ચરણસિંહ ગોહિલ, સંદીપ વર્મા, ડો.મેહુલ બરાસરા, સૂરજ સુથાર,  પ્રિયંક ગલચરને ખાસ ફરજ સોંપવામાં આવી છે. આ પાંચેય અધિકારીઓ ફરજ ઉપર આવી ગયા છે અને વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તૈયારીઓમાં લાગી ગયા છે.

વડાપ્રધાન મોદીની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ આવશે

25મીએ રાજકોટમાં યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ આવવાના છે. અનેક કેન્દ્રીય મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આવશે તેનું ક્ધફોર્મેશન આવી ગયું હોવાનું જાણવા મળ્યું છે.

મુખ્યમંત્રીએ બપોરે 6 જિલ્લા કલેકટરો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીના 25મીના રાજકોટના કાર્યક્રમને લઈને તૈયારીઓ ઉપર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. તેઓ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે મુખ્યમંત્રીએ આજે બપોરે 3:20 કલાકે 6 જિલ્લાના કલેકટરો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. જેમાં રાજકોટ, જામનગર, દ્વારકા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાના કલેકટર સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી તૈયારીઓની તમામ વિગતો મેળવી હતી.

કેન્દ્રીય અને રાજ્યના આરોગ્ય સચિવો રાજકોટમાં : તૈયારીઓની સમીક્ષા

એઇમ્સનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વા ચંદ્રા રાજકોટ આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના આરોગ્ય સચિવ પણ રાજકોટ આવ્યા છે. કેન્દ્રીય સચિવે એઇમ્સની સ્થળ મુલાકાત લીધી હતી. તેઓએ એઇમ્સ ખાતે વિવિધ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ વેળાએ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.