Abtak Media Google News

અનેક ગુનામાં સંડોવાયેલા સુત્રધારની શોધખોળ: કોમ્પ્યુટરની મદદથી ધો.૮ પાસ સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ, પોલીસ વેરીફીકેશન સર્ટીફીકેટ સહિતના ડોકયુમેન્ટ રજૂ કરી ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવી આપ્યાની કબુલાત

શહેરના આરટીઓઈ નજીક આવેલ મનહર સોસાયટી શેરી નં.૧માં માધવ નામની દુકાનમાં આરટીઓ એજન્ટ બોગસ ડ્રાઈવીંગ લાયસન્સ સાથે એસઓજીએ ઝડપી પુછપરછ દરમિયાન ધો.૮ પાસના સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, પોલીસ વેરીફીકેશનના સર્ટીફીકેટ કોમ્પ્યુટરની મદદથી તૈયાર કરી કૌભાંડ આચર્યું હોવાનું અને તેની સાથે અન્ય એક આરટીઓ એજન્ટ સંડોવાયેલ હોવાની કબુલાત આપતા એસઓજી સ્ટાફે કૌભાંડમાં સંડોવાયેલા હિમાંસુ હસમુખભાઈ વાળાના પાંચ દિવસના રિમાન્ડ મેળવી સુત્રધારને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

આરટીઓ કચેરીમાં પ્રતિબંધ છતાં એજન્ટોનો પગપેસારો વર્ષોથી યથાવત છે ત્યારે શુક્રવારે એસઓજી પોલીસે આરટીઓ કચેરીની બાજુમાં જ માધવ એજન્સી નામની ઝેરોક્ષની દુકાનમાં દરોડો પાડી બોગસ દસ્તાવેજોના આધારે હેવી લાયસન્સ કાઢી આપતા હિમાંશુ નામના શખ્સને ઝડપી પાડયો છે. તેની પાસેથી પોલીસે ૧૪ લર્નિંગ લાયસન્સ કબ્જે કર્યા છે. જેમાંથી ૬ ખોટા હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત હેવી લાયસન્સ કઢાવવા માટે અરજદાર ૮ ધોરણ પાસ હોવો જરૂરી હોવાનો નિયમ છે. પરંતુ આ શખ્સ સ્કૂલના કોરા બોગસ સર્ટિફીકેટ પણ રાખતો જેના આધારે ઓછું ભણેલા અરજદારોને પણ મોટી રકમ લઈને બોગસ દસ્તાવેજોના આધારે અને ઓનલાઈન સિસ્ટમમાં પણ ચેડા કરીને લાયસન્સ કાઢી આપતો હોવાનું જાણવા મળ્યું છે.

બોગસ દસ્તાવેજોના આધારે લાયસન્સ કાઢી આપતા શખ્સને પોલીસે દબોચી લઈ પુછપરછ દરમિયાન હજુ વધુ લોકોની પણ આમાં સંડોવણી ખુલવાની સંભાવના પ્રબળ બની છે. મહત્વની બાબત એ પણ છે કે આરટીઓ કચેરીની બાજુમાં જ આટલું મોટું કારસ્તાન ચાલી રહ્યું હતું છતાં અધિકારીઓ અને કર્મચારીઓ અંધારામાં હતા કે પછી એમની મીઠી નજર હેઠળ જ આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હતું તે તપાસમાં ખુલશે. પોલીસે હાલ કેટલા સમયથી આ કૌભાંડ કરી રહ્યો છે, કેટલા લોકો આમાં સંડોવાયેલા છે, આરટીઓના કયાં કર્મચારી આ શખ્સ સાથે સામેલ છે તેની તપાસ ચાલી રહી છે. હાલ એસઓજી પોલીસે ૧૪ બોગસ લર્નિંગ લાયસન્સ, બોગસ સ્કુલ સર્ટિફીકેટ સહિતની સામગ્રી જપ્ત કરી હતી.

હિમાંશુ વાળાની પુછપરછ દરમિયાન તેની સાથે કનકસિંહ નામના આરટીઓ એજન્ટની સંડોવાણી હોવાનું અને તે વાહન ચોરી સહિતના અનેક ગુનામાં સંડોવણી હોવાનું જાણવા મળે છે. સુત્રધાર કનકસિંહ ઝડપાયા બાદ સમગ્ર કૌભાંડમાં આરટીઓના કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગેની વિગતો બહાર આવે તેમ એસઓજી પીઆઈ આર. વાય. રાવલ અને પીએસઆઈ એચ. એમ. રાણા સહિતના સ્ટાફે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.