Abtak Media Google News

યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં વોકળા પરનો સ્લેબ ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી તેના જવાબદારો સામે હજુ સુધી પગલાં લેવામાં નહીં આવતા મહાપાલિકાના તંત્રની નિયત સામે ઊભી થાય છે તેમ જણાવી કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું છે કે આ મુદ્દે અમે ચૂપ બેસવાના નથી અને બાહેધરી પ્રમાણે પગલાં લેવામાં નહીં આવે તો આંદોલનના મંડાણ કરવામાં આવશે

મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સાથે અલ્ટીમેટમ આપતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂ

પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુ અને અન્ય કોંગ્રેસી આગેવાનોએ આજે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને ફરી એક વખત આવેદનપત્ર પાઠવીને અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે આ બાબતે ગત 13 ઓક્ટોબરના રોજ  રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારે જવાબદારો સામે પગલાં લેવામાં આવશે તેવી બાયધરી આપવામાં આવી હતી. આ ખાતરી અપાયાને ઘણા દિવસો પસાર થઈ ગયા છે આમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેથી મહાનગરપાલિકા ની નિયત સામે શંકા ઉભી થાય છે.

આ આવેદનપત્રમાં જણાવાયા અનુસાર ગુજરાત રાજ્યમાં અનેક પુલ ટુટે છે અનેક શાળાઓના નબળા કામ થાય છે. આ બધી વાસ્તવિકતાઓ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડે છે ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ બેદરકારી દાખવે છે અને આવી દુર્ઘટના માટે નિમિત બને છે.

સર્વેશ્વર ચોકની દુર્ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને 40 જેટલા લોકોને ઈજા થઈ હતી. આ ઘટનામાં હજુ સુધી કોઈ પ્રકારના પગલા નહીં લઈને મહાપાલિકાના તંત્રએ જવાબદારોને છાવરવાનું કામ કર્યું છે. આવી માનવ સર્જિત દુર્ઘટનામાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં બીજો કોઈ ભ્રષ્ટાચારી આવું નબળું કામ કરે નહીં અને આવી દુર્ઘટનાઓ પણ ન થાય.

બધા જાણે છે કે મહાનગરપાલિકામાં ભાજપ ભ્રષ્ટાચાર કરવામાં માહેર છે અને આ કિસ્સામાં મ્યુનિસિપલ  કમિશનર તથા આખા વહીવટી તંત્રને દબાવવામાં પણ સફળ રહ્યું છે એવું અમને લાગી રહ્યું છે.

કારણ કે મ્યુનિસિપલ કમિશનરે બાંયધરી આપી હોવા છતાં પણ કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી.

તેમણે એમ પણ કહ્યું છે કે આ દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ લોકોની સામે મૂકવો જોઈએ અને લોકોને સાચી હકીકતથી વાકેફ કરવા જોઈએ.

જો હવે માં પાલિકાનું તંત્ર કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નિષ્ફળ જશે તો અમે ચૂપ બેસવાના નથી અને તંત્ર સામે આંદોલનના મંડાણ કરશું તેવું અલ્ટીમેટમ પણ આ આવેદનપત્રના અંતમાં આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.